શિક્ષણપદ્ધતિમાં સુધારા કરાશે: મોદી

દેશ વિદેશ

‘અક્ષયપાત્ર’કિચનનું ઉદ્ઘાટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં ‘અક્ષયપાત્ર’ મધ્યાહ્ન ભોજન કિચનનું ઉદ્ઘાટન કર્યું હતું. તસવીરમાં મોદી સાથે ઉત્તર પ્રદેશનાં ગવર્નર આનંદીબહેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ નજરે પડી રહ્યાં છે. (પીટીઆઈ)

વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની શિક્ષણપદ્ધતિમાં સુધારા કરવા પર ગુરુવારે ભાર આપીને જણાવ્યું હતું કે ભારતમાં અંગ્રેજોએ પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘નોકરિયાત વર્ગ’ તૈયાર કરવા શરૂ કરેલી શિક્ષણપદ્ધતિ હજુ ચાલુ હોવાથી તેમાં પરિવર્તન જરૂરી છે.
નેશનલ ઍજ્યુકેશન પોલિસી (એનઈપી)ના અમલ અંગે ચર્ચા કરવા યોજાયેલા સેમિનારને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે શિક્ષણ પદ્ધતિએ માત્ર ડિગ્રીધારક યુવાનો પેદા કરવાને બદલે દેશને આગળ લઈ જાય તેવા માનવ સ્રોતો પૂરા પાડવા જોઈએ.
દેશમાં ઊભી કરવામાં આવેલી શિક્ષણયંત્રણા માત્ર નોકરિયાત વર્ગને જ પેદા કરે છે.
બ્રિટિશરોએ પોતાની જરૂરિયાત પૂરી કરવા જરૂરી એવો નોકરિયાત વર્ગ ઊભો કરવા માટે જ આ શિક્ષણપદ્ધતિ તૈયાર કરી હતી.
દેશ સ્વતંત્ર થયો ત્યાર બાદ આ શિક્ષણપદ્ધતિમાં થોડાઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા, પરંતુ બાકીની યંત્રણા જેમની તેમ જ રહી હતી.
આવનારાં થોડાં વર્ષમાં આપણે એવી શિક્ષણવ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થી જ્યારે કૉલેજ કૅમ્પસમાંથી બહાર પડે ત્યારે તેમને તેઓ જે ઈચ્છે તે મળે, એમ મોદીએ કહ્યું હતું.
એનઈપી શિક્ષણક્ષેત્રે ભારતીય ભાષાઓ માટે નવા દ્વાર ઉઘાડશે, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે મને વિશ્ર્વાસ છે કે ભારત શિક્ષણક્ષેત્ર માટેનું વૈશ્ર્વિક સ્થળ બની શકે એમ છે.
ઉત્તર પ્રદેશનાં ગવર્નર આનંદીબહેન પટેલ, મુખ્ય પ્રદાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિતના મહાનુભવો આ સેમિનારમાં હાજર રહ્યાં હતાં. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યા બાદ રાજ્યના તેમના મતદારક્ષેત્રની પ્રથમ જ વાર મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ‘અક્ષયપાત્ર’ મધ્યા ભોજન કિચનનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન માળખાકીય સુવિધામાં સુધારો અને લોકોનું જીવન વધુ સરળ બને તે માટેના રૂ. ૧,૧૭૪ કરોડના મૂલ્યની વિકાસ યોજનાઓ લૉન્ચ કરી તેની શિલારોપણ વિધિ કરી હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું.
એલટી કૉલેજ ખાતે શરૂ કરવામાં આવેલું આ કિચનની એક લાખ વિદ્યાર્થીઓ માટે ભોજન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે, એમ તેમણે કહ્યું હતું.
આ મામલે પ્રતિક્રિયા આપતા સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે કહ્યું કે અમારા પક્ષના શાસનકાળ દરમિયાન જે ૧૧ જગ્યા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તે તમામ સ્થળે આ કિચન શરૂ કરવામાં આવવા જોઈતા હતા.
વિદ્યાર્થીઓને પોષણયુક્ત અને ગરમ ખોરાક આપવા સમાજવાદી પક્ષના શાસનકાળ દરમિયાન અક્ષયપાત્ર યોજના શરૂ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભાજપ સરકારે આ યોજના બંધ કરી દીધી હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓ અને યુવાનોના રોષથી ભયભીત થયેલી ભાજપ સરકારને આ યોજના ફરી શરૂ કરવાની ફરજ પડી છે, એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન, વડા પ્રધાને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે ચર્ચાવિચારણા કરવા ગુરુવારે વારાણસીમાં ત્રણ દિવસના સેમિનારનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સેમિનારમાં ૩૦૦ કરતા પણ વધુ શિક્ષણવિદોએ ભાગ લીધો હતો.
કેન્દ્રના શિક્ષણ ખાતા, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.