શિક્ષણથી તમામ સમસ્યાઓને ઉકેલી શકાય

ઇન્ટરવલ

નવી સવાર -રમેશ તન્ના

(ગયા અંકથી ચાલુ)
ગયા બુધવારે આપણે ગુજરાતના મોટા ગજાના કેળવણીકાર-ગાંધીજન ગોવિંદભાઈ રાવલના શિક્ષણ ક્ષેત્રના પ્રદાનની વાત કરી હતી. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણીને તેઓ પોતાનાં જીવનસાથી સુમતિબહેન સાથે ઉત્તર ગુજરાતમાં પલાંઠી મારીને બેઠા. ગાંધીવિચારના માર્ગે આગળ ધપવાનું હતું. ગામમાં બેસવું હતું, પણ ગામ મળતું નહોતું. નક્કી કરી શકાતું નહોતું. ત્યાં તેમના પિતાજીએ કહ્યું કે બીજે ક્યાં ફાંફાં મારે છે, તારા વતનમાં જ બેસને. એ પછી તેઓ વતન હડિયોલમાં બેઠા. બે વર્ષ ખૂબ મહેનત કરી. જોકે સમાજસેવા કરવી સહેજેય સહેલી નથી. ભક્તિ કરવી અને સમાજસેવા કરવી એ ખાંડાની ધાર પર ચાલવા બરાબર છે. બંનેમાં વ્યક્તિએ શૂન્ય થઈ જવું પડે છે. અનેક પડકારોનો સામનો કરવો પડે છે.
એ પછી મનોમંથન ચાલતું રહ્યું અને છેવટે સ્ટેશન આવ્યું: વિશ્ર્વ મંગલમ, અનેરા. નામ કેવી રીતે પડ્યું? એ પણ ખૂબ રસપ્રદ વાત છે.
કૂવા પર સુમતિબહેન અને ગોવિંદભાઈ કપડાં ધોતાં હતાં. સંસ્થાની વાત થતી હતી. ગોવિંદભાઈએ કહ્યું કે કશુંક વૈશ્ર્વિક હોવું જોઈએ (વિનોબાએ કહ્યું જ છેને કે વૈશ્ર્વિક સ્તરનું વિચારો અને સ્થાનિક કક્ષાએ કામ કરો, થિન્ક ગ્લોબલી, એક્ટ લોકલી). સુમતિબહેને તેમાં ઉમેરો કર્યો. વૈશ્ર્વિક હોવું જોઈએ એ વાત તો સાવ સાચી, પરંતુ એ મંગલમય હોવું જોઈએ. અને લો નામ મળી ગયું: વિશ્ર્વ મંગલમ.
કામ શું કરવાનું? શિક્ષણ અને કેળવણી. ગોરાએ પછી તો ધૂણી ધખાવી. અહીં એવું શૈક્ષણિક સંકુલ બન્યું જેણે આ વિસ્તારનો કાયાકલ્પ કરી નાખ્યો. ૧૯૫૯માં અહીં વિનય મંદિર શરૂ થયું અને ૧૯૬૦માં, ગુજરાત રાજ્યના સ્થાપના વર્ષમાં બહેનો માટેની પીટીસી કોલેજ શરૂ થઈ. ગોરા ઉત્તમ શિક્ષક, આચાર્ય અને કેળવણીકાર. દૃષ્ટિવંત અગ્રણી. તેમણે પોતાની જાતને ઓગાળી દીધી.
૧૯૫૯થી ૨૦૨૨માં, ગોરાએ વિદાય લીધી ત્યાં સુધીમાં હજારો બહેનો અહીં ભણીને શિક્ષિકા બની. ગોરાના વતન હડિયાલમાં આશરે ૯૦૦ જેટલા શિક્ષકો છે. એટલે કે આખું ગામ જ શિક્ષકોનું છે. ગુજરાતમાં સૌથી વધુ શિક્ષકો હોય તેવું ગામ હોય તો તે હડિયાલ છે. અહીં માતા-પિતા શિક્ષક હોય અને પુત્ર તથા પુત્રવધૂ શિક્ષક હોય તેવા ઘણા પરિવારો છે. કોઈ પરિવારમાં માતા-પિતા અને પુત્ર-પુત્રી શિક્ષક હોય તેવું પણ હોય. ટૂંકમાં ઘરે ઘરે શિક્ષક. આનો યશ ગોરાને જાય છે. ગોરાએ જે વિદ્યાતપ કર્યું તેને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ. વિશ્ર્વ મંગલમમાં શિક્ષણ લઈને જે દીકરીઓ શિક્ષિકા બની તે ઉત્તમ શિક્ષિકાઓ બની. ગુજરાતના ખૂણે ખૂણે જઈને તેમણે શિક્ષણનો ઉત્તમ પ્રસાર કર્યો.
આ છે ગોરાનું બહુમૂલ્ય પ્રદાન. બીજા કોઈ કેળવણીકાર કે શિક્ષણકાર આવો ચમત્કાર કરી શક્યા નથી. વિશ્ર્વ મંગલમમાં જે વિનય મંદિર છે તે પણ નમૂનેદાર છે. અહીં હજારો વિદ્યાર્થીઓ ભણ્યા છે અને જીવનદૃષ્ટિ પામ્યા છે. તેમના હાથ નીચે અને હૃદય સાથે ભણેલા અને અત્યારે સૃષ્ટિ સંસ્થા સાથે સંકળાયેલા રમેશ પટેલ ભાવવિભોર થઈને ગોરાને યાદ કરે છે. તેમણે કહ્યું કે હું જે છું તેમાં ગોરાનું મોટું પ્રદાન છે. ડગલે ને પગલે તેમણે મને માર્ગદર્શન આપ્યું હતું. રમેશ પટેલ વિશ્ર્વ મંગલમના પૂર્વ વિદ્યાર્થી છે. રમેશ પટેલને પત્રકારત્વના અભ્યાસક્રમ સુધી પહોંચાડનાર પણ ગોરા જ હતા.
તમને આવા તો અનેક વિદ્યાર્થી મળે. સંજોગોવશાત ભણવાનું છોડવાની તૈયારી કરતા અનેક વિદ્યાર્થીઓને ગોરાએ હાથ પકડીને શિક્ષણના ક્ષેત્રમાં જાળવી રાખ્યા છે. અનેક વિદ્યાર્થીઓને તેમણે અંગત રીતે માર્ગદર્શન આપ્યું છે.
તેમની સાથે લાંબો સમય કામ કરનારાં આચાર્યા શારદાબહેન કહે છે કે તેઓ માત્ર તનથી ગોરા નહોતા, મનથી પણ ગોરા હતા. શિક્ષણ માટેની તેમની પ્રતિબદ્ધતા જબરજસ્ત હતી. તેઓ જતું કરનારા હતા. લોકો પાસેથી કામ લેતાં તેમને આવડતું હતું. સંસ્થા ચલાવવાનું સહેલું નથી હોતું. અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કૃતનિશ્ર્ચયી અને સંકલ્પબદ્ધ ગોરા અડગ રહેતા. તેઓ પોતાના મુખ્ય લક્ષ્યને વારંવાર જોઈને કામ કરતા રહેતા.
માતૃસંસ્થા ગૂજરાત વિદ્યાપીઠને જરૂર પડી તો અહીં તેમણે ૨૩મી જૂન, ૧૯૯૬થી ૧૮મી ઓક્ટોબર, ૨૦૦૦ સુધી કુલનાયક તરીકે પણ ફરજ બજાવી હતી. રામલાલ પરીખની વિદાય પછી આ જગ્યા ખાલી પડી હતી. રામલાલ પરીખ તો વૈશ્ર્વિક પુરુષ. સતત આખા વિશ્ર્વમાં વિચરતા રહે. રામલાલ પરીખની ગૂજરાત વિદ્યાપીઠ પર જબરજસ્ત પકડ હતી. વિદ્યાપીઠનો વ્યાપ વધારવામાં તેમનું મોટું પ્રદાન. એમના સ્થાને આવીને કામ કરવું સહેજે સહેલું નહોતું. જોકે ગોવિંદભાઈએ એ નાજુક સમયને સાચવી લીધો હતો. એમની વિદાય પછી જિતેન્દ્રભાઈ દેસાઈ આવ્યા અને પછી અરુણભાઈ દવે કુલનાયક તરીકે આવ્યા. અલબત્ત, એ સમય પછી ગૂજરાત વિદ્યાપીઠમાં એક યા બીજાં કારણોસર વિવાદ-વિખવાદ થતા જ રહ્યા. જે સંસ્થાનાં પોત-પ્રતિભા ઝળહળ થતાં હતાં તેમાં ઝાંખપ આવી.
ગોવિંદભાઈ અને સુમતિબહેને પલાંઠી મારીને, વિશ્ર્વ મંગલમમાં જે કામ કર્યું તે ગૂજરાતના વિકાસમાં માનભેર સ્થાન પામી શકે તેવું છે. એ કામ જેવું તેવું નથી. ઘણી વાર આપણે કેટલીક ખૂબ જાણીતી થઈ ગયેલી સંસ્થાઓથી એટલા બધા અંજાઈ જઈએ છીએ કે પાયાનું કામ કરનારી સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફ આપણું જવું જોઈએ તેટલું ધ્યાન જતું નથી. કેટલાક કેળવણીકારોને, ચોક્કસ પરિબળોને કારણે મળી ગયેલી લોકપ્રિયતા કે પ્રતિષ્ઠાને કારણે ઘણી વાર ગોરા જેવા પાયાનું કામ કરનારા લોકો વિશે ખાસ લખાતું નથી. આ દુ:ખદ છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ છે.
ગોરા ક્યારેય પોતાનો જન્મદિવસ ન ઊજવે. બન્યું એવું કે ૨૩મી જૂન, ૨૦૨૧ના રોજ પ્રથમ વખત સંસ્થાના કર્મચારીઓ અને સાથીદારોના આગ્રહથી વિશ્ર્વ મંગલમમાં તેમનો જન્મદિવસ ઊજવાયો હતો. બીજાના જન્મદિવસ ઊજવવાનું ગોરાને ખૂબ ગમતું હતું, જેમ કે સુમતિબહેનનો જન્મદિવસ યાદ રાખીને ઊજવે. જોકે પોતાનો જન્મદિવસ ઊજવવાની વાત થાય તો ના જ પાડી દે. અલબત્ત, ગયા વર્ષે આ ઉજવણી થઈ હતી જે તેમના જીવનની એકમાત્ર ઉજવણી બની રહી.
ગોરા ઉત્તમ વાચક અને લેખક હતા. તેઓ સતત વાંચતા. મૃત્યુના આગલા દિવસ સુધી તેમનો વાચન યજ્ઞ ચાલુ હતો. તેમણે ઘણાં ઉત્તમ પુસ્તકો પણ લખ્યાં છે.
એક ઉત્તમ શિક્ષક, પ્રતિબદ્ધ શિક્ષક એવા ગોરાનું હૃદય માતૃહૃદય હતું. હજારો વિદ્યાર્થીઓના હૃદયમાં ગોરાએ સ્થાન મેળવ્યું હતું. તેઓ નમ્ર હતા. સંવેદનશીલ હતા. કોઈ પણ વિપરીત સ્થિતિમાં ધીરજ રાખીને કામ કરી શકતા.
વિશ્ર્વ મંગલમ એટલે એક એવી જગ્યા જ્યાં સરસ્વતી માતાએ પારાવાર કૃપા કરી. અહીં લહેરાતાં હજારો વૃક્ષો, ગૌશાળા, બાગ-બગીચા અને સંવેદનશીલતાથી ધબકતાં માનવ હૃદયો છે. વિશ્ર્વ મંગલમનો બીજો ભાગ એટલે વૃંદાવન. વિશ્ર્વ મંગલમથી દસ કિલોમીટર દૂર એંસી એકર જમીન પર વૃંદાવનનું સર્જન ગોરા અને તેમના સાથીદારોએ કર્યું હતું. સમાજને પાંચ હજારથી પણ વધારે શિક્ષિકાઓની ભેટ આપનારા ગોરાનું પ્રદાન ગુજરાત-ભારત કાયમ યાદ રાખશે.ઉ
———-
છાંયડો
सा विद्या या विमुक्तये
જે મુક્ત કરે તે જ સાચી વિદ્યા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.