વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એમએની ડિગ્રી સાર્વજનિક કરવાની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કોર્ટે ઝાટકી નાખ્યા હતા અને આ અરજીને તુચ્છ તેમ જ ભ્રામક ગણાવી હતી. આ સાથે કેજરીવાલને રૂ. 25,000નો દંડ પણ ફરમાવ્યો હતો. કોર્ટે કેન્દ્રીય સૂચના આયોગના એ આદેશને પણ રદ કર્યો છે જેમાં આરટીઆઈના માધ્યમથી ડિગ્રીની કોપી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. કેજરીવાલ દ્વારા અગાઉ કરવામાં આવેલી આ અરજીની સુનાવણી થઈ છે ત્યારે તેમણે ફરીથી મોદીને સૌથી ઓછું ભણેલા વડા પ્રધાન કહ્યા છે. તેમણે દિલ્હી વિધાનસભામાં ફરી આ મામલો ઉઠાવ્યો હતો અને હાલમાં આમ આદમી પાર્ટી ફરી મોદીના અભ્યાસને લઈને આક્ષેપો કરી રહી છે.
કેન્દ્રીય સૂચના આયોગે 2016માં ગુજરાત યુનિવર્સિટીને આરટીઆઈ હેઠળ મોદીની એમએની ડિગ્રીની કોપી આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે આ આદેશને રદ કર્યો હતો. કોર્ટે કેજરીવાલને ચાર અઠવાડિયામાં રૂ. 25000 દંડ તરીકે જમા કરવાનો આદેશ આપ્યો છે. સાત વર્ષ પહેલા કેજરીવાલે આરટીઆઈ મારફતે મોદીની શૈક્ષણિક લાયકાતની જાણકારી માગી હતી. કેન્દ્રીય સૂચના આયોગે દિલ્હી અને ગુજરાત યુનિવર્સિટીને આદેશ આપી માહિતી આપવા જણાવ્યું હતું. જેના જવાબમાં ગુજરાત યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે મોદીએ ડિસ્ટેન્સ એજ્યુકેશન હેઠળ એમએમની ડિગ્રી લીધી છે. કેજરીવાલે તેની કોપી માગી, પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.