હવે ઇડીના શિકંજામાં બાહુબલી મુખ્તાર અંસારી, અડ્ડાઓ પર EDના દરોડા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ગુનેગારો અને માફિયાઓ પરની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. હવે મુખ્તાર અંસારી પર સિકંજો કસાયો છે. લાંબા સમયથી જેલના સળિયા પાછળ રહેલા બાહુબલી લીડર મુખ્તાર અંસારી ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેની સામે મોરચો ખોલ્યો છે. તપાસ એજન્સીએ ગુરુવારે દિલ્હી, લખનઊ, ગાઝીપુરના તેના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. મુખ્તારના મુહમ્દાબાદના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. અન્સારીના નજીકના ત્રણ મિત્રના ઘરે પર ઇડીએ દરોડા પાડ્યા છે. આ બધા સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.
અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં મુખ્તારના સાંસદ ભાઈ અફઝલ અન્સારીની કલાકો સુધી પૂછપરછ કરી હતી. માફિયાના બંને પુત્રો અબ્બાસ અને ઉમર અંસારીને પણ બોલાવવામાં આવ્યા હતા. અબ્બાસ અંસારી આ વખતે તેમના પિતાની બેઠક મૌથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
પંજાબની AAP સરકારે તાજેતરમાં રૂપનગર જેલમાં બંધ મુખ્તાર અંસારીને VVIP ટ્રીટમેન્ટ આપવાના આરોપોની તપાસનો આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પંજાબની તત્કાલીન કોંગ્રેસ સરકારે અન્સારીના કેસ લડવા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે વકીલને રોક્યા હતા. વકીલ પર 11 લાખ રૂપિયા પ્રતિ સુનાવણીના દરે કુલ 55 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે દિવસે વકીલ તરફથી સુનાવણી ન થઈ તે દિવસે 5 લાખ રૂપિયાના ચાર્જની માંગણી કરવામાં આવી હતી. જોકે, પંજાબની નવી બનેલી AAP સરકારે વકીલના આ બિલો ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે.
તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે મુખ્તાર અંસારીને બેરેકમાં ફાઈવ સ્ટાર જેવી સુવિધાઓ આપવામાં આવી રહી હતી. જ્યાં 25 કેદીઓને રાખવાની જોગવાઈ હતી, તે અંસારી માટે ખાલી કરવામાં આવી હતી. અન્સારીની પત્નીને પણ ત્યાં રહેવા દેવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.