મુુંબઈ: મની લૉન્ડરિંગ (કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ)ના કેસને લગતી તપાસના ભાગરૂપ ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ એસેટ મેનેજર ફ્રેન્કલિન ટેમ્પલટનના વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓને ત્યાં તેમ જ મુંબઈ, ચેન્નઈ સહિતની અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા, એમ અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું.
પ્રિવેન્શન ઑફ મનીલૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) અંતર્ગત ચાલી રહેલી તપાસના ભાગરૂપ ઈડી કંપની અને તેનાં પ્રમોટરો વિરુદ્ધ વધુ પુરાવા એકઠાં કરવા માગે છે.
તપાસમાં તમામ પ્રકારનો સહકાર અમે આપી રહ્યા છીએ, એમ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
નિયામકો અને તપાસ કરી રહેલી સંબંધિત એજન્સીઓને અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ અને તેમને જરૂરી હોય તેવી તમામ માહિતી અને આંકડાઓ પણ પૂરા પાડી રહ્યા છીએ. ફ્રેન્કલિન ટેમ્પલટન નિયમોનું પાલન કરવા પર ભાર મૂકે છે અને ભારતીય નિયામકો અને વૈશ્ર્વિક નિયમોનું પાલન કરવા માટે કંપનીની યોગ્ય નીતિ પણ અમલમાં છે, એમ ફ્રેન્કલિન ટેમ્પલટન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારીને કારણે ઊભા થયેલા નાણાં પ્રવાહના પડકારોને ધ્યાન પર લઈને ત્રણ લાખ રોકાણકારના રૂ. ૨૫,૦૦૦ કરોડની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ધરાવતી છ ડૅબ્ટ સ્કીમ બંધ કરવાના કંપનીએ એપ્રિલ ૨૦૨૦માં લીધેલા નિર્ણય બાદ નવેમ્બર ૨૦૨૦માં બજાર નિયામક સેબીએ કંપનીને કારણદર્શક નોટિસ મોકલી હતી.
કંપનીને પાંચ કરોડ રૂપિયાનો દંડ ભરવાનું તેમ જ બાવીસ મહિનાના ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને એડવાઈઝરી ફી તરીકે એકઠી કરેલી રૂ. ૪૫૦ કરોડ કરતાં વધુ રકમ પરત કરવા જણાવ્યું હતું.
ત્યાર બાદ ચેન્નઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ કથિત ગેરરીતિને મામલે કંપની અને તેનાં પ્રમોટરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ ફરિયાદને પગલે ઈડી દ્વારા કંપની વિરુદ્ધ પીએમએલએ અંતર્ગત તપાસ આરંભવામાં આવી હતી.
બંધ કરવામાં આવનારી છ સ્કીમ અંગે બોલતાં કંપનીએ કહ્યું હતું કે ૧૬ માર્ચ ૨૦૨૩ સુધીમાં આ સ્કીમ અંતર્ગત યુનિટ હૉલ્ડરોમાં રૂ. ૨૬,૯૩૧.૨૭ કરોડની વહેંચણી કરી દેવામાં આવી છે, જે ૨૩ એપ્રિલ ૨૦૨૦ના એયુએમના સરેરાશ મૂલ્યના ૧૦૬.૮૧ ટકા જેટલી છે.
વર્ષ ૨૦૨૧માં સેબીએ એસેટ મેનેજરના વડા વિવેક કૂડવા અને રૂપા કૂડવાને સીધી તેમ જ આડકતરી રીતે શેર વેચવા કે ખરીદવાથી તેમ જ સ્ટોક માર્કેટ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા રહેવાથી રોક્યા હતા. (એજન્સી)