યુવાનો, ગેમિંગ એપ્સના રવાડે ચડતા પહેલા ચેતજો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશમાં યુવાનોમાં મોબાઇલ ગેમ્સનું વળગણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને યુવાનોની આ ઘેલછાનો લાભ લેવા માટે અને નીત નવી મોબાઇલ ગેમિંગ એપ લોન્ચ થાય છે. તેમાં અનેક પ્રલોભાનો આપવામાં આવે છે. આવી મોબાઇલ ગેમિંગ એપની માયાજાળ સામે ઇડીએ લાલ આંખ કરી છે.

આવી જ એક મોબાઇલ ગેમિંગ એપ છે- ઇ- નગેટ્સ. કોલકત્તાના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન નાસેર અહમદ ખાનના પુત્ર આમિર ખાને આ મોબાઈલ ગેમિંગ એપ લોન્ચ કરી છે. તેણે છેતરપિંડી કરીને યુવાનોને કરોડો રૂપિયાનું ઉઠામણું કરી નાખ્યું છે. આમિર સામે છ મહિના પહેલા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. જોકે, હાલમાં જ ઇડીએ આમિરના કોલકત્તાના જુદાજુદા છ ઠેકાણે દરોડા પાડ્યા અને એમાં તેમને રોકડા 17 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આમિરે આ બધી રકમ સગેવગે કરેલી હતી. તેણે પિતાના ઘરે આ રકમ છુપાવી રાખી હતી. તેના પિતા નાસેરે તેમની પથારીની અંદર આ રકમ છુપાવી હતી. મતલબ કે તેઓ નોટોની પથારી કરીને સુતા હતા. નાસરના ઘરમાં પકડાયેલો દલ્લો ગણવા માટે ઇડીને 8 નોટો ગણવાના મશીન મંગાવવા પડ્યા હતા અને ઈડીની આ તપાસ હજુ પણ ચાલુ છે, તે જોતા હજી ઘણી વધારે રકમ મળી આવવાની સંભાવના છે.

ઇ-નગેટ્સ એક ગેમિંગ એપ્લિકેશન છે જે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.આ એપ બે રીતે લોકો પાસેથી નાણા પડાવતી હતી. તે તેના વપરાશકર્તાઓને ડિપોઝિટ પર કમિશન મેળવવા માટે તેમના નાણાં એપ્લિકેશનમાં રાખવા માટે કહેતી હતી. આ એપ રોકાણ કરનારાઓને આકર્ષક વળતર અને કમિશનના ઊંચા દર ઓફર કરતી હતી. આ એક પ્રકારનું ઈ-વોલેટ હતું, જ્યાં વ્યક્તિ પૈસા જમા કરી શકતો હતો. જમા રકમ પર કમિશન એપમાં કેટલી રકમ રાખવામાં આવે છે તેના પર આધાર રાખતી હતી.

ઉપરાંત આ ગેમ રમવા માટે ચોક્કસ રકમ જમા કરાવવાની હતી. ત્યારબાદ હાર જીતના આધારે બાકી રહેલી રકમ તમારા ખાતામાં પાછી જમા કરવામાં આવતી હતી અને જો તમે ગેમ જીતો તો જીતેલી રકમ પણ તમારા ખાતામાં આવતી હતી, જેથી તમારો વિશ્વાસ બેસી જાય. આમિર ખાનની ઇ- નગેટ્સ એપમાં પણ ત્રણ લેવલ હતા અને તેમાં સૌથી ટોપના લેવલ માટે 10000 રૂપિયા જમા કરાવવાના રહેતા હતા. રકમ જમા કરાવનારને રોકેલી રકમના 10% કમિશન આપવામાં આવતું હતું. યુઝર કમિશન સાથે પોતે રોકેલી રકમ પણ સરળતાથી ઉપાડી શકતો હતો, તેથી લોકોને આ ગેમ પર ભરોસો બેસી ગયો હતો અને કમિશનની લાલચમાં વધારેને વધારે રૂપિયાનું રોકાણ તેમાં કરવામાં આવતું હતું. સ્કીમમાં વધારાના નાણા રોકવા માટે ૩૦ ટકા વધારાનું કમિશન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. થોડો સમય તો બધું ઠીક ચાલ્યું હતું અને પછી અચાનક એક દિવસ મોબાઈલ ગેમિંગ એપના બધા કારભારીઓ રફુચક્કર થઈ ગયા.

કંપનીએ સિસ્ટમ અપગ્રેડેશનના નામે થોડા દિવસ માટે નાણા આપવાનું બંધ કર્યું ત્યારબાદ ઇડીનો કેસ ચાલતો હોવાનું બહાનું કરી લોકોને નાણા આપવામાં આવ્યા નહીં અને લોકો કંઇ સમજે વિચારે એ પહેલા તો આમિરની આ કંપની રફૂચક્કર થઈ ગઈ અને લોકોના પૈસા ડૂબી ગયા. આ વાત 2020ના ઓક્ટોબરની છે. કંપની બંધ થઈ તેના કલાકોમાં તો ‘લકી સીટી’ના નામે બીજી ગેમિંગ એપ સ્ટોર પર આવી ગઈ હતી, જેની તમામ વિગતો ઇ- નગેટ્સ ગેમિંગ એપ જેવી જ હતી. ઇડીનો માનવું છે કે આ આમિરની જ નવી મોબાઇલ ગેમિંગ એપ છે અને એમાં પણ લોકોને આવી જ રીતે છેતરવામાં આવ્યા છે. ઇડીએ આરોપ લગાવ્યો હતો કે આમિર એક મોટા રેકેટનો ભાગ હતો જે શહેરમાં લોકોને છેતરવા માટે કાર્યરત હતો.

હાલમાં તો ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ લાગતાવળગતાઓ સામે કેસ શરૂ કર્યો છે. ઇડીની તપાસ હજુ ચાલી રહી છે અને એમાં ઘણા હાડપિંજરો બહાર આવશે જ, પરંતુ આવી મોબાઇલ ગેમિંગ એપ્સના રવાડે ચડનારા યુવાનોએ ચેતવાની જરૂર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.