દિલ્હીની લિકર પોલિસી કેસની તપાસમાં EDની એન્ટ્રી, લખનૌથી હૈદરાબાદ સુધીના 6 રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હી સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી લિકર પોલિસીમાં કથિત કૌભાંડના આરોપોની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની એન્ટ્રી થઇ છે.આજે EDએ એક સાથે દેશની રાજધાની દિલ્હી સહિત 6 રાજ્યોમાં દારૂના કૌભાંડને લઈને દરોડા પાડ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર EDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા છે.
બીજી તરફ EDના દરોડા અંગે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે, “પહેલા તેમણે CBIના દરોડા પડાવ્યા પણ કંઈ ન મળ્યું, હવે EDના દરોડા પડી રહ્યા છે પરંતુ કંઈ બહાર આવશે નહીં. મેં પ્રામાણિકતાથી કામ કર્યું છે, ક્યાંય કશું નહીં મળે.”
EDએ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં રોબિન ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરોના સ્થાનો પર દરોડા પડ્યા છે. આ ઉપરાંત EDએ હૈદરાબાદમાં છ સ્થળોએ દરોડા પાડ્યા છે.
દિલ્હીની એક્સાઈઝ પોલિસી કેસની તપાસ માટે EDની ટીમ લખનૌના ઓમેક્સ હાઈટ્સ એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. EDની ટીમ દારૂની સિન્ડિકેટ સાથે સંકળાયેલા મનોજ રાયની શોધમાં ઓમેક્સ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. જો કે મનોજ રાય ઘણો સમય પહેલા ફ્લેટ જ છોડી જતા રહ્યા હતા. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જણાવ્યું કે મનોજ રાય અહીં ભાડા પર રહેતા હતા, હવે તેના ફ્લેટમાં અન્ય કોઈ રહે છે. EDની ટીમ લગભગ અડધો કલાક એપાર્ટમેન્ટમાં રહી અને લોકોની પૂછપરછ કરીને ફરી.
ED હવે એવા લોકોની તપાસ કરી રહી છે જેમને એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર બાદ સૌથી વધુ ફાયદો થયો છે. સાથે જ એવા લોકો પર પણ દરોડા પાડી રહી છે જેના પર સરકારી કર્મચારીઓને પૈસા આપવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સૂત્રોના જણાવ્યા અનુસાર 800 કરોડની મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલીક ઇવેન્ટ કંપનીઓનો ઉપયોગ શેલ કંપની તરીકે કરવામાં આવ્યો છે.
ગઈ કાલે જ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હી સરકારના કથિત ભ્રષ્ટાચારના સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કરવાનો દાવો કર્યો હતો. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પણ વીડિયોની સાથે એવી ટીપ્પણી કરી હતી કે ‘સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ’ થઇ ગયું. તેણે કહ્યું હતું કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ બિઝનેસમેન સની મારવાહના પિતા કુલવિંદ મારવાહ છે અને તે મનીષ સિસોદિયાને પૈસા ટ્રાન્સફર કરતો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.