Homeઉત્સવશું બેંકોમાં મુકેલા નાણાં સંપૂર્ણ સલામત ખરાં ? તમારી બેંકને જાણો! :...

શું બેંકોમાં મુકેલા નાણાં સંપૂર્ણ સલામત ખરાં ? તમારી બેંકને જાણો! : ગ્લોબલ બેંકોની ક્રાઈસિસની કતાર સામે ભારતીય બેંકો બહેતર ખરી, પરંતુ સતર્કતા જરૂરી

ચેક બાઉન્સને બદલે બેંક બાઉન્સની શકયતા ભારતમાં નથી

ગ્લોબલ સ્તરે મોટી-મોટી બેંકોના ઉઠમણાં અને ક્રાઈસિસના કિસ્સાઓ બહાર આવવા લાગતા તાજેતરમાં સોશ્યલ મિડીયામાં એવા વિધાન ફરતા થયા છે કે અગાઉ ચેક બાઉન્સની સમસ્યા હતી, હવે બેંક બાઉન્સની સમસ્યા ચાલુ થઈ છે. ચોકકસ કારણોસર એકાદ બેંક નાદારી નોંધાવે કે ક્રાઈસિસમાં આવે તો બહુ નવાઈ ન લાગે, કિંતુ આ તો ક્રાઈસિસમાં બેંકોની કતાર લાગી છે. આ અમેરિકન અને યુરોપિયન બેંકોના નામો પણ લોકોને મોઢે થઈ ગયા હશે. જીંદગીમાં સાંભળેલા નહોતા એવા નામો સામે આવી રહયા છે. સિલિકોન વેલી બેંક, સિગ્નેચર બેંક, ક્રેડિટ સ્યુઝે, વગેરે ઉપરાંત ઘણા નામો છે, જે હાલ અમેરિકન અને ગ્લોબલ ઈકોનોમીનો ભોગ બન્યા છે, તેમ જ પોતાની ભુલોનો પણ ભોગ બન્યા છે.
૧૯૨૯ થી ૨૦૨૩ સુધી
હાલ તો એમ કહેવાઈ રહ્યું છે કે ભારતીય બેંકો પર આ ગ્લોબલ ઘટનાઓની અસર થશે નહી, થશે તો પણ બહુ ગંભીર નહી હોય. ખૈર, આ માન્યતા ઘણેખરે અંશે સાચી લાગે એવી છે, તેમ છતાં જો અમેરિકાની વિરાટ બેંકો અચાનક જ ઊઠમણું નોધાવતી હોય તો ભારતીય બેંકો મુશ્કેલીમાં નહી જ આવે એમ પાકે પાયે અને ખાતરીપૂર્વક કહી શકાય નહી. હા, ભારતીય રિઝર્વ બેંક સાવચેતી બહુ જ રાખે છે, પણ ઘણા કિસ્સામાં રિઝર્વ બેંક પણ કંઈ કરી શકતી નથી. કારણ કે બેંકોએ પહેલેથી કામ જ એવા કરી નાંખ્યા હોય છે કે પછી તે રિઝર્વ બેંકના અંકુશમાં પણ રહે નહી. હાલમાં વિશ્ર્વના અગ્રણી દેશોમાં આર્થિક સમસ્યા પ્રવર્તી રહી હોવાના અહેવાલ સતત બહાર આવતા રહે છે. કોઈ તેને ઢાંકતું પણ હોય તો એ લાંબો સમય ઢંકાઈને રહી શકે નહી. ૧૯૨૯ના ગ્રેટ ડિપ્રેશનથી લઈ ૨૦૦૮ના લેહમેન બ્રધર્સના ઉઠમણાં સુધી જગતે આંચકા ઝિલ્યા છે અને હાલ ૨૦૨૩માં ફરી બેંકોની ક્રાઈસિસ મોટી ચિંતા બનીને સામે આવી છે. બેંકોની ક્રાઈસિસ એટલે ફાઈનાન્સિયલ સિસ્ટમની ખામી યા ખરાબી ગણાય. બચતકારો-રોકાણકારોના વિશ્ર્વાસની ક્રાઈસિસ ગણાય. આ બધું જોઈ-સાંભળી, તેના કારણો જાણી અને ખુદ બેંકોએ પોતે કયાં-કયાં નાણાં ગુમાવ્યા છે એ જાણી આપણને સવાલ થાય કે શું હવે બેંકોમાં મુકેલા નાણાં પણ સલામત નથી? બેંકો ધિરાણ કરે અને એ ડુબે તો હજી સમજી શકાય, (જો કે એમ પણ ચાલે નહી) પણ બેંકો પોતે સલામત કહી શકાય એવું રોકાણ કરે, તેમ છતાં તેમનું રોકાણ ડૂબે તો આંચકા જ લાગે એ સહજ છે.
સજાગતા-સતર્કતા અનિવાર્ય
સામાન્ય માનવીથી લઈ મોટા બિઝનેસમેન, નાના-મોટા વેપાર સાહસો-સ્ટાર્ટઅપ્સ, સંસ્થાઓ, વગેરે બેંકોમાં મુકાયેલા નાણાં -ડિપોઝિટસને સંપૂર્ણ સલામત માનતા હોય છે. વરિષ્ઠ નાગરિકો તો બેંકોની એફડી અને તેના વ્યાજના આધારે નિવૃત્તિ કાળ પસાર કરતા હોય છે. તેમને આમ પણ મોંઘવારી સામે મળતા ઓછા વળતર સામે તકલીફ હોય છે ત્યાં મુળ મુડી પણ ડૂબી જવાનો ભય તો કંપારી કરાવી દે છે. આવા કિસ્સા આપણા દેશમાં અનેક બન્યા છે. ખાસ કરીને સહકારી બેંકોમાં. જયાં નાનો વર્ગ વધુ વળતરની આશાએ વધુ નાણાં મુકતો હોય છે. સહકારી બેંકોના ઉઠમણાની અનેક ઘટના બાદ સરકારે તેના નીતિ -નિયમોમાં અનેક ફેરફાર કરીને તેને વધુ સલામત બનાવવાનો પ્રયાસ કર્યો છે. સરકાર તેમ જ રિઝર્વ બેંક આ મામલે વધુ સજાગ અને સતર્ક બની છે. જો કે બેંક એવી સંસ્થા છે કે તેને કંઈ થાય તો સરકારે બેઈલ આઉટ કરવા -તેને ઉગારવા આવવું જ પડે છે, કેમ કે તેમાં પ્રજાનો વિશ્વાસ હોય છે. બેંકો પરથી વિશ્વાસ તુટી જાય તો ઈકોનોમી જોખમમાં મુકાઈ જાય એવું બને. અલબત્ત, લોકોમાં હવે બેંકોની સધ્ધરતા અને પોકળતા વિશે સમજણ અને પરિપકવતા આવતી જાય છે, તેમછતાં બેંકોની જરૂરીયાત અનિવાર્ય છે. પરંતુ હવે આ ટેકનોલોજી-ડિજિટલ યુગમાં તેના વિકલ્પો ઊભા થવાના શરૂ થયા છે, અલબત્ત, તેના વ્યાપક સ્વીકારને સમય લાગશે.
વિવિધ દેશોની બેંકો એક થઈ
હાલ તો ગ્લોબલ બેન્કિંગ ક્રાઈસિસને ધ્યાનમાં રાખી વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો એક થઈ રહી છે, કારણ કે એ સર્વાગી હિતમાં છે. યુએસ ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક, કેનેડા, જપાન, ઈંગ્લેન્ડ, સ્વિત્ઝરલેન્ડની સેન્ટ્રલ બેંકે સંયુકત રીતે નિવેદન બહાર પાડીને કહયું છે કે તેઓ માર્કેટની પ્રવાહિતાને જાળવવા એકશન લેવા સજજ થઈ છે. યુબીએસ નામની વિશાળ બેંક ક્રેડિટ સ્યુઝને હસ્તગત કરવા તૈયાર થઈ છે. આ બધાં પરસ્પર હિત સાચવવા આગળ આવી છે, પણ તેનાથી ખરેખર કેટલો અર્થ સરશે એ કહેવું હાલના તબકકે કઠિન છે.
કોને-કોને નુકશાન
બેંકો ઉઠે કે નાદાર થાય છે ત્યારે તેના બચતકારો, એફડી ધારકો તો ભોગ બને જ છે, કિંતુ તેના શેરધારકો પણ ગંભીરપણે ઘવાય છે. આ તો નજર સામે દેખાય છે, પણ બેંકોના ડુબવાથી દેશના કરદાતાઓને અને અર્થતંત્રને પણ નુકશાન થાય છે. ભારતમાં ગતએક વરસમાં વિલફુલ ડિફોલ્ટર્સની રકમનું પ્રમાણ વધી ગયું હોવાનું નોંધાયું છે. વરસ અગાઉ આ રકમ ૭૫૨૯૪ કરોડ રૂપિયા જેટલી હતી, જે હવે ૮૮૪૩૫ કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે. આ વિલફુલ ડિફોલ્ટર્સ એટલે ઈરાદાપૂર્વકના ડિફોલ્ટર્સ, જેમની પાસે બેંકોના ધિરાણના નાણા પરત કરવાની ક્ષમતા છે, કિંતુ તેઓ તે પાછાં કરવાનો ઈરાદો ધરાવતા નથી. આમાં ફસાયેલી રકમનો ભોગ બનેલી અગ્રણી બેંકોમાં એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક અને આઈડીબીઆઈ છે.
સલામતી અને જોખમ કેટલાં?
ફાઈનાન્સિયલ પ્લાનર તો કાયમ કહેતા હોય છે કે લોકોના નાણાં બેંકોમાં પણ સંપૂર્ણ જોખમ મુકત હોતા નથી, આમ કહેવા પાછળનો ઉદેશ કે અર્થ એ હોય છે કે તે નાણાં પર જે વ્યાજ-વળતર મળતું હોય છે તે મોંઘવારી સામે ઓછું હોય છે. તેમ જ રુપિયાનો મુલ્ય ઘસારો પણ તેને લાગુ થતો હોય છે. આનો અર્થ એ નહી કે બેંકોમાં નાણાં ડુબી જાય છે. તેની સલામતી ચોકકસ છે, પણ તેના વળતરની ખાતરી નથી, આ જ બાબત શેરધારકોને પણ લાગુ પડે છે. આમ તો બેંકો ગ્રાહકો પાસે કાયમ કેવાયસી (નો યોર કસ્ટમર -તમારા ગ્રાહકને ઓળખો) ના નિયમપાલન કરાવતી હોય છે, હવે સમય એવો આવી ગયો છે કે ગ્રાહકો પણ પોતાની બેંકને ઓળખે (નો યોર બેંક) એ જરૂરી બનતું જાય છે. બેંકોના કામકાજ સમજે, તેની બેલેન્સશીટ વાંચે, તેણે કોને-કોને કેટલું ધિરાણ આપ્યું છે એ સમજે-જાણે. તેના વિલફુલ ડિફોલ્ટર્સને પણ જાણે-તેની બેડ એસેટસને સમજે. અલબત્ત, બધી બેંકો પર શંકાની નજરે જોવાની કે અવિશ્વાસ કરવાની જરુર નથી, કિંતુ સતર્ક રહેવામાં શાણપણ ખરું. હવે ગ્લોબલ બેંકોની ક્રાઈસિસની અસર ભારત પર કેટલી અને કેવી થાય છે તેના પર નજર રાખવી જોઈશે. ભારતીય બેંકો અને નિયમન સંસ્થાઓએ આમાંથી સબક લેવા જોઈએ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -