નવી સરકાર પર ગ્રહણ?

આમચી મુંબઈ

શિંદે જૂથ અને ભાજપ વચ્ચે ખટરાગ?

એકનાથ શિંદેએ દિલ્હીની મુલાકાત અચાનક રદ કરતાં રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક – આ સરકાર તૂટવાની અણી પર: સંજય રાઉત – અમારી સરકાર મજબૂત: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારમાં બધું સમુસૂતરું નથી અને સંજય રાઉત દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ સરકારનું પતન થઈ શકે છે, એવું બુધવારે રાતે એકનાથ શિંદેએ અચાનક દિલ્હી જવાનો કાર્યક્રમ રદ કર્યા બાદ માનવામાં આવી રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગુરુવારે દિલ્હીમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાની મુલાકાત લઈને શિવસેનાના ૧૨ સંસદસભ્યોને અપાત્ર ઠેરવવાની કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ઓમ બિરલાને આવેદનપત્ર સોંપીને પાછા ફરતા હતા ત્યારે બહાર આવીને તેમણે મહારાષ્ટ્રમાં ફરી એક વખત સત્તાંતર થવાની શક્યતા વ્યક્ત કરી હતી , તેમણે કહ્યું હતું કે શિંદે જૂથના અનેક વિધાનસભ્યો અમારા સંપર્કમાં છે અને મહારાષ્ટ્રમાં ફરી સત્તાંતર થશે. અનેક વિધાનસભ્યો ફક્ત ભાવનામાં તણાઈને શિંદે જૂથમાં જોડાયા છે. શિંદે જૂથના ૧૬ વિધાનસભ્યો અપાત્ર થતાં સરકારનું પતન થશે અને મોટા ભાગના વિધાનસભ્યો ફરી ઠાકરેની શરણમાં આવી જશે, એવો દાવો સંજય રાઉતે કર્યો હતો.
બીજી તરફ એકનાથ શિંદેએ સંજય રાઉતના દાવાનું ખંડન કરતાં ગુરુવારે જણાવ્યું હતું કે સંજય રાઉત સત્તાંતરનું સપનું જોઈ રહ્યા છે. તેમને સપનામાં રાચવા દો.
શિવસેનાના સિનિયર નેતા અને અત્યારે સાઈડલાઈન થઈ ગયેલા લીલાધર ડાકેને મળવા માટે તેઓ પહોંચ્યા હતા અને શિવસેનાને ફરી મોખરે લઈ જવા માટે શિંદે જૂથની સાથે મળીને ધ્વજ હાથમાં ઉઠાવવાની વિનંતી કરી હતી.
બીજી તરફ ગુરુવારે શિવસેનાને મોટો ફટકો પડ્યો હતો. શિંદે જૂથે સંસદભવનમાં આવેલી શિવસેના પક્ષની કચેરી પોતાના તાબામાં લીદી છે. ૧૨ સંસદસભ્યોએ અલગ જૂથ બનાવ્યું છે. તેમના જૂથને સ્પીકરે માન્યતા આપી દીધી છે અને હવે રાહુલ શેવાળેને શિવસેના સંસદીય પક્ષના જૂથનેતા અને ભાવના ગવળીને મુખ્ય વ્હીપ બનાવવાની માગણી પણ સ્વીકારી લેવામાં આવી છે.
આ બધાની વચ્ચે એકનાથ શિંદેએ ફરી એક વખત ત્રણ દિવસમાં કેબિનેટનું વિસ્તરણ કરવાનો પુનરોચ્ચાર કર્યો છે, પરંતુ કોઈપણ દેખીતા કારણ વગર બુધવારે રાતે દિલ્હી જવાનો પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે. કેબિનેટના વિસ્તરણ માટેની આ મુલાકાત હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે તેમના આ પગલાંથી શિંદે જૂથ અને ભાજપ વચ્ચે બધું સમુસૂતરું ન હોવાનું અને વિસ્તરણ માટે અત્યાર સુધી થયેલી ચર્ચાથી શિંદે જૂથ સંતુષ્ટ ન હોવાનું જણાઈ રહ્યું છે.
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ગુજરાત પેટર્ન લાગુ કરવાની ભાજપની યોજના હતી અને તેમાં શિંદે જૂથના પ્રધાનપદનો ત્યાગ કરીને આવેલા અનેક વિધાનસભ્યોને પ્રધાનપદ ન મળે એવી સ્થિતિ સર્જાઈ હતી અને આ સ્થિતિમાં શિંદે જૂથમાં નારાજગી ફેલાઈ હોવાનું માનવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં સર્જાયેલી સ્થિતિને કારણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સરકારની યાદ આવી રહી છે અને વિધાનસભાના અધિવેશન પહેલાં જ સરકાર તૂટી પડે એવી શક્યતા જોવાઈ રહી છે.

કેબિનેટનું વિસ્તરણ બે તબક્કામાં?
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કેબિનેટનું વિસ્તરણ ત્રણ દિવસમાં કરવાની જાહેરાત કરી નાખી છે ત્યારે આધારભૂત સાધનો પાસેથી એવું જાણવા મળ્યું છે કે ભાજપ (ફડણવીસ) કેબિનેટનું વિસ્તરણ એક તબક્કામાં કરવું કે બે તબક્કામાં તે નક્કી કરી શક્યા નથી.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કેબિનેટનું વિસ્તરણ બે તબક્કામાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં ૧૯ પ્રધાનોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. આમાંથી ભાજપના ૧૨ અને શિંદે જૂથના સાત હોવાનું કહેવાઈ રહ્યું છે.
જો એક જ તબક્કામાં કેબિનેટનું વિસ્તરણ કરવાનું હશે તો ભાજપના ૨૬ અને શિંદે જૂથના ૧૪-૧૫ વિધાનસભ્યોને પ્રધાનપદનાં શપથ ગ્રહણ કરાવવામાં આવશે.
અત્યાર સુધી બંને પક્ષના પ્રધાનોની સંખ્યા બાબતે એકમત સધાઈ શક્યો ન હોવાથી વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો હોવાનું આધારભૂત સાધનોએ જણાવ્યું હતું. ઉ

શિવસેનાના ભંગાણ પર સુપ્રીમનો ચુકાદો દેશમાં લોકશાહીનું ભાવિ નક્કી કરશે: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં તેમના અને એકનાથ શિંદેના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પરના ચુકાદા દ્વારા દેશમાં લોકશાહીનું ભાવિ નક્કી થશે.
શિવસેનાના કાર્યકર્તાઓને પોતાના નિવાસસ્થાન માતોશ્રી ખાતે સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે શિવસેના કાનૂની અને બંધારણીય યુદ્ધ લડી રહી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફક્ત પાર્ટીનું જ નહીં, દેશની લોકશાહીનું પણ ભાવિ નક્કી કરશે. શિવસેનાનો હિન્દુત્વનો એજેન્ડા રાષ્ટ્રવાદી છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે રાજકારણમાં ચડતી અને પડતી આવતી હોય છે. ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.