નિરાળું નેતૃત્વ

ધર્મતેજ

પ્રમુખ ચિંતન – સાધુ આદર્શજીવનદાસ

તા. ૧૪/૮/૧૯૯૨ના રોજ ગાંધીનગરના નિર્માણાધીન અક્ષરધામની મુલાકાતે વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી સુદર્શન બિરલા આવ્યા ત્યારે ચારેકોર પૂરજોશમાં ઉપડેલું કામ જોઈને તેઓ માની જ નહોતા શક્યા કે ત્રણ મહિના બાદ આ સ્મારકનું ઉદ્ઘાટન થવાનું છે. પરંતુ તેઓ તા. ૧૬/૧૧ના રોજ પુન: આ સંકુલમાં આવ્યા ત્યારે તેને પરિપૂર્ણ થયેલું જોઈ બોલી ઊઠેલા કે ‘અમે લોકો ઉદ્યોગો સ્થાપીએ છીએ, મોટી મોટી ઇમારતો બનાવીએ છીએ એટલે અમને નિર્માણકાર્યનો અનુભવ છે. મને તો લાગતું હતું કે છ મહિના કે બાર મહિનાનું આ કામ છે, પરંતુ આજે જોયું કે ખૂબ સુંદરતાથી કાર્ય પૂર્ણ થયેલું છે! ક્યાંય અપૂર્ણતા નથી. મારા ખ્યાલથી આવું સ્મારક હિંદુસ્તાનમાં છેલ્લી કેટલીય સદીઓથી બન્યું નથી. આજના યુગમાં આટલી ભવ્ય, આટલી સુંદર, ગોલ્ડન ટચ’વાળી ચીજ મેં જોઈ નથી.’
પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વ વિષે આવો જ અનુભવ વાગોળતાં ડેરી ઉદ્યોગના માંધાતા ડો. કુરિયને પણ તા. ૧૧/૧૨/૧૯૮૫ના રોજ કહ્યું હતું કે ‘મેં જે કાંઈ આત્મસાત્ કર્યું છે એ બધું સ્વામીશ્રી સામે જોઉં છું ત્યારે નહીંવત્ લાગે છે. અક્ષરધામ જોઈને હું આભો બની ગયો છું. સ્વામીશ્રીની જે સિદ્ધિ છે એને જોતાં મારી સિદ્ધિ કાંઈ જણાતી નથી.’
આમ, મેનેજમેન્ટના મહારથીઓ માટે પણ પ્રમુખસ્વામી મહારાજનું પ્રબંધન અભ્યસનીય બની રહે તેવું હતું. તેની એક વિશેષતા વર્ણવતાં વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અક્ષરધામના રજતજયંતી સમારોહમાં જણાવેલું કે ‘ઘણું કરીને આ પ્રકારનાં આંદોલનો અને વ્યવસ્થાઓના પાયા તેને ઊભા કરનારા મુખ્ય વ્યક્તિઓની વિદાય પછી હલવા માંડે છે. પરંતુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની વિશેષતા એ છે કે તેઓ આવનારી સદીઓ સુધી ઊની આંચ ન આવે એવી વ્યવસ્થા ગોઠવીને ગયા છે. આ એટલા માટે જ શક્ય બન્યું, કારણ કે તેમણે બધાં જ કાર્યોમાં પોતાની જાતને અલિપ્ત રાખી. સઘળું સારી રીતે થાય, પોતાની નજર નીચે થાય, પણ પોતાના દ્વારા થાય એવું નહીં. જેની ક્ષમતા છે એના દ્વારા થાય. તેને કારણે જ આજે આપણને આવી ઉચ્ચ કોટિની વ્યવસ્થા, પરંપરા અને સંતો પ્રાપ્ત થયા છે.’
પરંપરા ઊભી કરવી એ નેતૃત્વની એરણ છે. તેમાંથી પ્રમુખસ્વામી મહારાજ શત પ્રતિશત પાર ઊતરેલા તે વિગત ઉપરોક્ત સ્વાનુભવમાં પડઘાય છે.
મેનેજમેન્ટના નિષ્ણાત પીટર ડ્રકરનું વિધાન છે કે The test of any leader is not what he or she accomplishes. It is what happens when they leave the scene. It is the succession that is the test. If the enterprise collapses the moment these wonderful, charismatic leaders leave, that is not leadership. That is – very bluntly – deception.’
અર્થાત્ કોઈપણ નેતાનું મૂલ્યાંકન તેઓએ કરેલા કાર્યો દ્વારા નથી થતું, પરંતુ પરંપરા ઊભી કરવામાં નેતૃત્વની કસોટી છે. નેતા વિદાય લે ત્યારે ઊભી થતી પરિસ્થિતિ પરથી નેતાનું મૂલ્યાંકન થાય છે. જો અદ્ભુત અને પ્રભાવશાળી નેતાની વિદાય સાથે સંસ્થા પડી ભાંગે તો તે નેતૃત્વ નથી. ખરું કહીએ તો તે છેતરામણી જ છે.
આવું પ્રમુખસ્વામી મહારાજે થવા નથી દીધું. તેઓ સતત ૬૬ વર્ષ સુધી બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખપદે રહ્યા. છતાં તેઓના ધામગમન બાદ અહીં કોઈ શૂન્યાવકાશ ન સર્જાયો, કારણ કે તેઓ પોતાના ઉત્તરાધિકારી તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને નિયુક્ત કરી ગયા. આ મહાન સંતનો આજે ૮૯મો જન્મદિવસ છે.
નિર્મળ અને પ્રેમાળ આંખો, મૃદુ અને મીઠી ભાષા, શુદ્ધ અને સમૃદ્ધ વિચારો, સરળ અને સંવેદનશીલ હૃદય, નમ્ર અને નિખાલસ વ્યક્તિત્વ, ગુરુ ખરા પણ ગુરુભાવ નહીં, દેહ ખરો પણ દેહભાવ નહીં – આ તેઓનો ન કેવળ ટૂંકો પરિચય, પણ આ છે તેઓ વિષે અનેકનો અનુભવ.
વળી, મહંતસ્વામી મહારાજની બુદ્ધિ વિચક્ષણ અને વિલક્ષણ. તેની સાથે કલાસૂઝ ભારોભાર અને કાર્યશક્તિ અપરંપાર. તેથી તેઓએ બી.એ.પી.એસ.ની પ્રત્યેક પ્રવૃત્તિને આગવો ઓપ આપવામાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. પરંતુ સમર્થ છતાં સહજ રહેવાની તેઓની ખાસિયત. તે સાથે તેઓ કોઈને પણ મળે ત્યારે મુખથી ઓછું ને આંખથી ઝાઝું બોલે.
જે ઉંમરે ઘર ચલાવવું અઘરું પડે તેવી ૮૩ વર્ષની જૈફ વયે તેઓ વિશ્ર્વવ્યાપી સંસ્થાના સૂત્રધાર થયા, પણ કાર્યભાર એવો સંભાળ્યો કે સૌને પ્રતીતિ આવી : ‘પ્રમુખસ્વામી મહારાજ તેમનામાં પ્રગટ બિરાજે છે.’ આ જ એમનું સામર્થ્ય અને ઐશ્ર્વર્ય. તે દ્વારા તેઓએ ગુણાતીત ગુરૂપરંપરા અખંડિત છે તેની પ્રતીતિ કરાવી દીધી. આવા સંતને આજે તેઓના જન્મદિને કોટિ કોટિ વંદન.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.