Homeઉત્સવઇસ્ટ ઇન્ડિયન કિશ્ર્ચિયનો મુંબઇ ઉપનગરોના મૂળ વતનીઓ છે

ઇસ્ટ ઇન્ડિયન કિશ્ર્ચિયનો મુંબઇ ઉપનગરોના મૂળ વતનીઓ છે

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

આધુનિકતાનાં પૂર ચઢે છે ત્યારે પ્રાચીન સંસ્કૃતિ સામે વિલોપનનો ભય ઉપસ્થિત થાય છે. આજે મુંબઇ અને ઉપનગરોમાં ઇસ્ટ ઇન્ડિયન કિશ્ર્ચિયનની પુરાણી પરંપરાનો ધીમે ધીમે લોપ થઇ રહ્યો છે. આ ઇસ્ટ ઇન્ડિયન કિશ્ર્ચિયનો આસામ, મિઝોરમ એવાં પૂર્વ દિશામાં આવેલાં રાજ્યોમાંથી સ્થળાંતર કરીને નથી આવ્યા. તેઓ ધર્માંતર પામેલા મુંબઇ ઉપનગરોના મૂળ વતનીઓ છે. પોર્ટુગીઝ સત્તાવાળાઓ અને મિશનરીઓએ ધર્માંતરને અધિક મહત્ત્વ આપી બળજબરીથી સ્થાનિક હિંદુઓને રોમન કેથોલિક ક્રિશ્ર્ચિયન બનાવ્યા હતા. અંગ્રેજો મુંબઇમાં આવ્યા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ્ય સ્થાપ્યું ત્યારે આ ધર્માંતર પામેલા લોકો પોર્ટુગીઝ કિશ્ર્ચિયનો તરીકે ઓળખાતા હતા. ઇસ્ટ ઇન્ડિયન કંપનીના કબજાના પ્રદેશમાં એ લોકો ઇસ્ટ ઇન્ડિયન ક્રિશ્ર્ચિયનો તરીકે ઓળખાવા લાગ્યા. એક મત એવો પ્રવર્તે છે કે મુંબઇ શહેરની પૂર્વ દિશાના ભાગમાં એ લોકોની અધિક વસતિ હોવાથી એમને ઇસ્ટ ઇન્ડિયન કિશ્ર્ચિયનો તરીકે ઓળખવામાં આવે છે. આજે ધીરે ધીરે એમના પહેરવેશ, રીતરિવાજો, એમની ભાષામાં આધુનિક પરિવર્તન આવી ગયું છે. ઇસ્ટ ઇન્ડિયન ક્રિશ્ર્ચિયનો સુરક્ષિત છે અને પુરાણી પરંપરા જાળવી રાખવાની જવાબદારી વર્તમાન પેઢી ઉપર આવી પડી છે. આ ઇસ્ટ ઇન્ડિયન ક્રિશ્ર્ચિયનોમાં પણ જાતિભેદ પ્રવર્તે છે. સામવેદી બ્રાહ્મણો ક્રિશ્ર્ચિયન થઇ ગયા છે. તેઓ સામવેદી ક્રિશ્ર્ચિયન તરીકે ઓળખાય છે. આ સામવેદી ક્રિશ્ર્ચિયનો અન્ય જાતિના ક્રિશ્ર્ચિયનો સાથે લગ્નવ્યવહાર કરતા નથી. આજકાલ સામવેદી અને વડવલ ક્રિશ્ર્ચિયનો વચ્ચે ક્યાંક ક્યાંક લગ્ન થવા માંડ્યા છે. આ વડવલ સોમવંશી ક્ષત્રિયો હોવાનું માનવામાં આવે છે. વડવલોએ ખેતી અને સુથારી કામમાં સારી પ્રગતિ સાધી હતી. વહાણો બાંધવાનો ઇજારો વડવલ સુથારોનો છે. ખેતીમાં એક સમયે કેળાંની ખેતી અને તેનો વેપાર સામવેદી ક્રિશ્ર્ચિયનોના હાથમાં હતાં તો પાનની ખેતી અને તેના વેપારમાં વડવલ ક્રિશ્ર્ચિયનો અગ્રગણ્ય હતા.
કોલી-માછી ક્રિશ્ર્ચિયનો હિંદુ કોલી જેવો જ પહેરવેશ-રીત રિવાજ ધરાવે છે અને તેમની જ સાથે એક જ કોલીવાડામાં રહે છે અને કામ કરે છે. પહેલાં તો તેમની સામાજિક જમાત પણ એક હતી. આ કોલી ક્રિશ્ર્ચિયનોનો નિગ્રોવંશ પણ ચાલી આવ્યો છે અને તેને ‘ગયલિજ્ઞિં’ કહેવામાં આવે છે. પોર્ટુગીઝ રાજ વખતે પોર્ટુગીઝ લોકો આફ્રિકાના મોઝામ્બીરમાંથી અહીં નિગ્રો સ્ત્રી-પુરુષોને લઇ આવ્યા હતા. પોર્ટુગીઝ પુરુષો નિગ્રો સ્ત્રીઓ સાથે સંબંધ રાખતાં જે પ્રજા ઉત્પન્ન થઇ તે પણ આ કોલી ક્રિશ્ર્ચિયનોમાં ભળી ગઇ નિગ્રો-કોલી ક્રિશ્ર્ચિયન વચ્ચે લગ્નસંંબંધ પણ સ્થપાવા પામ્યો હતો. પોર્ટુગીઝોએ સ્થાનિક મહિલાઓ સાથે પણ લગ્ન સંબંધ સ્થાપવાની પરવાનગી લિસ્બનથી મેળવી હતી.
અન્ય ઇસ્ટ ઇન્ડિયન ક્રિશ્ર્ચિયનોમાં ધર્માંતર પામેલા ભંડારી, પારિત, કુમ્ભાર, નહાવી, બુરૂદ, ધોબી વગેરેનો પણ સમાવેશ થાય છે.
ઇસ્ટ ઇન્ડિયન ક્રિશ્ર્ચિયન મહિલા મુખ્યત્વે લાલ રંગની સાડી પહેરે છે. વિધવા સ્ત્રી લાલ સાડી નહીં, પણ ઘેરા ભૂરા રંગની સાડી પહેરે છે.
સામવેદી ક્રિશ્ર્ચિયન નિકટનાં સગપણમાં લગ્ન કરતા નથી અને એમને માટે કહેવત છે કે સાત માઇલના વિસ્તારમાં લગ્ન કરે તે સામવેદી નહીં. વડવલ ક્રિશ્ર્ચિયનો પણ નજીકના સગપણમાં લગ્ન કરતા નથી.
કોલી ક્રિશ્ર્ચિયનોમાં મામાની દીકરી સાથે લગ્ન કરવામાં આવે છે અને એ માટે કહેવત છે. “મામાચી લેક માઝી બાયકો (મામાની દીકરી મારી પત્ની), જયારે કોલી ક્રિશ્ર્ચિયનોમાં લગ્ન થાય છે અને વર-વહુ ઘરે પધારે છે ત્યારે વરની બેન ઉંબરે ઊભી રહી જાય છે. અને ભાઇ-ભાભીને ઘરમાં પ્રવેશતાં અટકાવે છે અને વચન મેળવી લે છે કે પોતાના દીકરા સાથે ભાઇ પોતાની દીકરી પરણાવશે.
કોલી ક્રિશ્ર્ચિયનો લગ્નદિવસ પહેલાંના બુધવારને ચૂના દિવસ તરીકે મનાવે છે. ગામ ફરતે ચૂનો લઇને માણસો ફરે છે અને દરેક ઘરના ઉંબરને ચૂનો લગાવે છે કે જેથી મનની કટુ-ભાવના સ્વચ્છ થઇ જવા પામે. કોઇ ક્રિશ્ર્ચિયન વર-વહુ સાથે મળીને પોતાના લગ્નમાં હાજર રહેવાનું આમંત્રણ આપવા જાય છે.
સામેવેદીઓમાં લગ્નના ત્રણ કે ચાર દિવસ પહેલાં આમંત્રણ આપવામાં આવે છે. અને તે વિધિને ‘વરમાય’ કહેવામાં આવે છે. વર અને વહુની માતાઓ, વર-વહુના મામાઓ ગામમાં ફરીને સહુને આમંત્રણ આપે.
સોમવાર લગીન
ઐથવારા હંસા આપલ્યા
માંડવાતા ભેટણી સાટી.’
– અમારા ઘરનાં નિમંત્રણમાં
– રવિવારે માંડવ છે,
– સોમવારે લગ્ન છે.
– રવિવારે સહુ આવજો
– માંડવામાં આશીર્વાદ આપવા
સામવેદી અને વડવલ ક્રિશ્ર્ચિયનો ગામનો લોકો, મિત્રો અને સ્વજનોને આમંત્રણ ઢોલ-વાજા સાથે જાય છે. દરેક ઘરે જઇને કહે છે:
‘લગ્નચે બોલાવણે રવિવારે
સાંચે મોયાએ બોલાવણે
સોમવારી સકાળહી લગ્નચે
આણી મંગલવારી સાંચે
સવાદીએ બોલાવણે.’
લગ્નના માંડવામાં ૧૧, ૧૩ કે ૧૫ થાંભલા હોય છે. કોલી ક્રિશ્ર્ચિયનો દક્ષિણ દિશાએથી માંડવામાં પ્રવેશ કરતા નથી. તોરણમાં આંબાનાં પાંદડાં સાથે ઉમરાનાં પાંદડાં પણ બાંધવામાં આવે છે.
સામવેદી ક્રિશ્ર્ચિયનોમાં ગ્રામ્ય વિસ્તારોમાં હજી આ રૂઢિ ચાલી આવી છે, પણ ધીરે ધીરે એ રૂઢિ નાબૂદ થઇ રહી છે. ક્ધયા લગ્ન વખતે નવાં પાયલ પહેરે છે, પણ પિયરમાં જે પાયલ પહેરતી આવી હોય તે પાયલ ઉતારતી નથી. લગ્નના ૬ મહિના પછી પિયરનાં જૂનાં પાયલ ઉતારી મૂકવામાં આવે છે. નવાં પાયલ લગ્નના સંબંધો બાંધ્યા પછી ઉતારવામાં આવે છે. લગ્ન પછી પહેલું એક ચોમાસું વીતી ગયા પછી જ લગ્નના સંબંધો બાંધવાની પ્રથા હતી.
સાષ્ટિની ક્રિશ્ર્ચિયન મહિલામાં એવી પ્રથા છે કે જયાં સુધી પતિ જીવંત હોય ત્યાં સુધી પગમાંથી પાયલ ઉતારવું નહીં. જ્યારે વિધવા બને છે ત્યારે નજીકની સ્ત્રી સંબંધી એ પાયલ ઉતારે છે.
ઇસ્ટ ઇન્ડિયન ક્રિશ્ર્ચિયનોમાં ‘મોયા’ વિધિ કરવામાં આવે છે. મોયા એટલે હજામત, લગ્નના દિવસે વરની હજામત વર કે ક્ધયાના માંડવામાં કરવામાં આવે છે. ક્ધયા માટે પણ એવી વિધિ કરવામાં આવે છે.
ક્ધયાની મોયા વિધિમાં ગામના હજામને બોલાવવામાં આવે છે. હજાક એક ફૂલ લઇને ગુલાબજળમાં બોળે છે અને તે ફૂલ ક્ધયાના મોઢા ઉપર ફેરવે છે. ત્યાર પછી અસ્ત્રો લઇને તેની બૂકી બાજુ ક્ધયાના બંને ગાલ પર ફેરવે છે.
આ પ્રસંગે ‘મોયા બસલી’ ગીત ગાવામાં આવે છે:
‘અગાશી ચે મેસ્તરી યે
આ ઝુન કા નય આયલે
મોઠયા ચે મેસ્તરી ત્યાંના
ધોર્યાવરે હાના વે
આગાશીનો મિસ્ત્રી (હજામ) હજી સુધી કેમ આવ્યો નથી.
એ મોટવ મિસ્ત્રીને ઘોડા ઉપર બેસાડીને લઇ આવો.
‘મોયા બેસવા નવરી
કાય રોઝી બાઇ
બૈસા ગે બૈસા
તુમ્હી શીતલે સાવુલે
તુમચી માઉલી ગો મેરી બાયે
ધુચે પદરી મસ્તકી વારા ઘાલી.’
રોઝી વહુ મોયા વિધિ માટે બેસો
શીતલ છાંયડા નીચે બેસો
તારી માતા મેરી બાઇ
પોતાના પાલવથી તને પવન નાખે છે.
જ્યારે વર-વહુ જમવા બેસે છે ત્યારે સામવેદી ક્રિશ્ર્ચિયનોમાં એક ગીત ગાવામાં આવે છે તે પુરવાર કરે છે કે તેઓ ખરેખરા સામવેદી બ્રાહ્મણ હતા:
‘ઝા ગો તુ માયે
ગંગેચે પાણિયાલા
હાલ ગો તુ માયે
ગંગે ચે ઓ પાણી
રાસ્ત ગો તુ માવે
જીરે-સાલુ ભાત’
– મા તું ગંગાનું પાણી આણવા જા.
મા તું ગંગાનું જ પાણી લઇ આવ.
મા તું એ પાણીથી જીરાસાલનાં
ભાત ધોઇને સાફ કર.
લગ્ન વખતે ફટાણાં ગાવાનો રિવાજ આ ઇસ્ટ ઇન્ડિયન ક્રિશ્ર્ચિયનોમાં પણ ચાલ્યો આવ્યો છે.
‘નવે બાયી વર પાણિયાણા
ગેલ તુ
તેંચ મેલા ઊભા ગે
હાતલા ધરતે બાયી વર ને તે
બાવ મેલ્યાચી ફૂટકી ગે
હાતાલા ધરતૈ પાયરી વર નેતે
પાયરી મેલ્યાચી ફૂટકી ગે
હાતાલા ધરતૈ પલંગાશી નેતે
પલંગ મેલ્યાચી ફૂટકી ગે’
નવા કૂવા પર પાણી ભરવા ગઇ
ત્યાં જ મુઓ ઊભો હતો
હાથ પકડીને કૂવા પર લઇ ગયો
મૂવાનું કૂવો જ તૂટેલો હતો
હાથ પકડીને પગથિયે લઇ ગયો
મૂઆનું પગથિયું જ તૂટેલું હતુ
હાથ પકડીને પલંગ પર લઇ ગયો
મુઆનો પલંગ પણ તૂટેલો હતો.
આ લોકગીતો પણ હવે ધીરે ધીરે લોપાઇ રહ્યાં છે. કેસેટના આ યુગમાં એ જાળવી શકાય એમ છે.
આ ઇસ્ટ ઇન્ડિયન ક્રિશ્ર્ચિયનો કોલાબાથી કલ્યાણ-વિરાર સુધી વસે છે અને એક અનોખી સંસ્કૃતિ અને વિવિધ બોલીઓ ધરાવે છે. પોર્ટુગીઝોએ મુંબઇને બદલે વસઇને પાટનગર બનાવ્યું હતું. એટલે ઇસ્ટ ઇન્ડિયનો વસઇ પરિસરમાં અધિક કેન્દ્રિત થયા. પોર્ટુગીઝ લોકોના રીતરિવાજો અપનાવ્યા. પોર્ટુગીઝ નામો રાખવાનો વાયરો ચાલી નીકળ્યો. ઇ. સ. ૧૫૮૮માં વસઇ ખાતે ૯૪૦૦ લોકોને ધર્માન્તર કરાવવામાં આવ્યું હતું. જયારે ઇ. સ. ૧૭૩૯માં વીર ચીમાજી અપ્પાએ વસઇ પર વિજય મેળવ્યો અને મરાઠી શાસન સ્થપાયું ત્યારે એમને લાગ્યું કે દેશના જનપ્રવાહથી પોતે વિખૂટા પડી ગયા છે. એમણે રાષ્ટ્રના મુખ્ય જનપ્રવાહ સાથે પરિવર્તનનો પ્રારંભ કર્યો અને સ્વાતંત્ર્ય પછી તેઓ સંપૂર્ણપણે જનપ્રવાહમાં ભળી ગયા છે. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular