રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કુદરતી આફતો નામે મોટી મોટી આફતોના ખડકલા થઈ રહ્યા છે. ભારતમાં જોશીમઠનું સંકટ હોય કે પછી અમેરિકા-યુરોપમાં કોલ્ડ સ્ટ્રોર્મનું સંકટ સતત પુનરાવર્તન થઈ રહ્યું છે, જ્યારે ભૂકંપથી દર ત્રીજા દિવસે લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તાજેતરમાં એક રિપોર્ટમાં પ્રલય સંબંધિત શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે પૃથ્વીનો આંતરિક ભાગ એક દિવસ ફરવાનું બંધ કરી દેશે અને એના પછી ઊલટી દિશામાં ફરવા લાગશે. શું પૃથ્વીનું કેન્દ્ર જ્યારે રોકાશે ત્યારે શું થશે? શું એના કારણે પ્રલય આવશે? પૃથ્વીનું કેન્દ્ર રોકાતા વિનાશક ભૂકંપ આવશે એના અંગે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
પૃથ્વીનું કેન્દ્ર ઘૂમે છે. ગરમ અને ઘન લોખંડના આંતરિક ગોળાના પરિભ્રમણને કારણે પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ છે. જોકે, આ કેન્દ્ર એક દિશામાં ઘૂમવાને કારણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ છે અને જ્યારે આ પૃથ્વીનું ચક્કર લગાવવાનું બંધ કરશે ત્યારે પ્રલય આવી શકે છે. અહીં એ જણાવવાનું કે વૈજ્ઞાનિકો અને ભૂકંપ સંબંધિત સંશોધન કરનારા નિષ્ણાતો (સિસ્મોલોજિસ્ટ)એ સંશોધન કર્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે પૃથ્વીના મૂળના પરિભ્રમણની દિશામાં ફેરફાર થશે અને એમ થયા પહેલા કેન્દ્ર થોડા સમય માટે ફરવાનું બંધ કરી દેશે.
નેચર જીયોસાયન્સના રિપોર્ટમાં જણાવાયું છે કે પૃથ્વીના કેન્દ્રના પરિભ્રમણને કારણે જ ઉપરની સપાટીને સ્થિરતા મળે છે. આ આંતરિક ભાગ પરિભ્રમણની દિશા લગભગ દર 70 વર્ષ પછી બદલે છે. આ પરિવર્તન લગભગ 17 વર્ષની અંદર થશે અને પૃથ્વીનું કેન્દ્ર વિરુદ્ધ દિશામાં ફરવાનું શરૂ કરશે.