ભારતે સહાય માટે એનડીઆરએફની ટીમ અને સામગ્રી મોકલી
તુર્કીને ભારતની સહાય: સોમવારે પરોઢિયે તુર્કીયેમાં ધરતીકંપના અસરગ્રસ્તોને તથા ત્યાંના સરકારી બચાવ-રાહત કાર્યકરોને મદદ માટે ભારતના હવાઈ દળના બીજા સી-૧૭ ગ્લોબમાસ્ટર-થ્રી ઍરક્રાફ્ટમાં ડૉગ સ્ક્વૉડ, શોધખોળ અને બચાવનાં સાધનો, ખોદકામનાં સાધનો તેમજ એક વાહન સાથે એનડીઆરએફની ટીમ મંગળવારે રવાના થઈ હતી. તે ઉપરાંત ભારતીય લશ્કરે અલગ વિમાનમાં ૮૯ સભ્યોની મેડિકલ સ્પેશિયાલિસ્ટ ટીમ, એક્સ-રે મશીન્સ, વેન્ટિલેટર્સ, ઑક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, કાર્ડિયાક મોનિટર્સ જેવાં સાધનો સાથે મોકલી હતી. (તસવીર: પીટીઆઈ)
————-
અદાના (તુર્કી)/ નવી દિલ્હી: તુર્કીયે અને સીરિયાના વિવિધ વિસ્તરોમાં આવેલા ૭.૮ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ ત્રાટકેલા બસો જેટલાં આફ્ટરશોક્સ દ્વારા એકલાં તુર્કીમાં જ ૬૦૦૦થી વધુ હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને વધુ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક વધીને ૫૦૦૦થી વધુ થઈ ગયો હોવાની સત્તાવાર માહિતી જાણવા મળી હતી.
ભારતે સોમવારે દેશને શક્ય તમામ સહાય કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનોને અનુસરીને રાષ્ટ્રીય આપત્તિ બચાવ અને રાહત દળની ટીમો, તબીબી ટીમો અને રાહત સામગ્રીને તુર્કી મોકલવાનું નક્કી કર્યું હતું અને બે વિમાન ભરીને સાધન સહાય તથા આર્મીની ૯૯ વ્યક્તિની મેડિકલ સહિતની ટુકડી મોકલી છે.
વિશ્ર્વભરના દેશોએ બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે પોતાની રાહત અને બચાવ માટે ટીમો મોકલી છે. તુર્કીનાં સત્તાવાર સૂત્રોના જણાવ્યાં અનુસાર ૨૪૦૦૦થી વધુ વ્યક્તિ રાહત અને બચાવકાર્યમાં જોડાઇ છે, પણ અત્યંત ઠંડા હવામાનને અને ૨૦૦ જેટલા આફ્ટરશોક્સના કારણે બચી ગયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો અવરોધાયા હતા.
હજારો લોકો હજું કાટમાળ નીચે ફસાયા છે, જ્યાં હજુ કોઈ સહાય કે બચાવ ટીમો પહોંચી નથી.
પ્રસંગોપાત બચી ગયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી અનુભવાય રહી છે.
સીરિયામાં ડૉકટર્સ વિથાઉટ બોર્ડર્સના મિશનના વડા સેબેસ્ટિયન ગેએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ઘાયલોને સારવાર આપવા માટે તબીબી કર્મચારીઓ ચોવીસ કલાક કામ કરે છે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પડકારજનક ક્ષણે ભારત તેમની સાથે પોતાની એકતા વ્યક્ત કરે છે. ભારતે વિનાશક ભૂકંપમાંથી બચી ગયેલા લોકોને શોધવા માટે વિવિધ સાધનો, દવાઓ અને વાહનો સહિત રાહત સામગ્રીના બે વિમાનો અને તબીબી ટીમો તુર્કીયેમાં મોકલી છે.
ભારતીય વાયુસેનાનું પ્રથમ સી-૧૭ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, શોધ અને બચાવ કર્મચારીઓના જૂથ, વિશેષ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ્સ, ડ્રિલિંગ મશીનો, રાહત સામગ્રીઅને દવાઓ સાથે સવારે ભૂકંપગ્રસ્ત દેશનાં અદાનામાં ઉતર્યું હતું.
બચાવ ટુકડી અને માલસામાન સાથેનું વાયુ સેનાનું બીજું વિમાન બપોરના સુમારે તુર્કીયે માટે રવાના થઈ ગયું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભારતે મોકલાવેલી ૯૯ સભ્યોની મેડિકલ ટીમમાં ક્રિટિકલ કેર નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
આ ટુકડીમાં અન્ય લોકો સિવાય ઓર્થોપેડિક સર્જીકલ ટીમ, જનરલ સર્જીકલ સ્પેશિયાલિસ્ટ ટીમ અને મેડિકલ સ્પેશિયાલિસ્ટ ટીમનો સમાવેશ થાય છે.
ત્રીસ પથારીની તબીબી સુવિધા સ્થાપિત કરવા આપણી મેડિકલ માટે ટીમો એક્સ-રે મશીન, વેન્ટિલેટર, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, કાર્ડિયાક મોનિટર અને સંબંધિત સાધનોથી સજજ છે. (એજન્સી)