તુર્કીયેમાં ધરતીકંપ: ભૂકંપ આવ્યા પછી તુર્કીયેની સરહદ પાસે સિરિયાના ઇદલિબ પ્રાંતના હરેમ શહેરમાં મકાનોના કાટમાળમાં મૃતકો અને ઇજાગ્રસ્તોની શોધ અને બચાવ-રાહત કાર્યમાં વ્યસ્ત સિવિલ ડિફેન્સના કાર્યકરો. તુર્કીયેના મલાત્યા શહેરમાં એક નષ્ટ થયેલી ઇમારતમાંથી બાળકને બચાવી લેવામાં આવ્યું હતું. (તસવીર: એપી/પીટીઆઈ )
—-
અઝમરિન (સિરિયા): સોમવારે પરોઢિયે પાડોશી દેશો તુર્કીયે અને સિરિયામાં રિકટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતાના ધરતીકંપમાં ૨૩૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને તૂટી પડેલા સેંકડો મકાનોના કાટમાળ નીચે સેંકડો લોકો દબાયેલા છે. એ બન્ને દેશોના શહેરોમાં કાટમાળના ખડકલા હટાવવા સાથે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. અનેક દિવસો સુધી ચાલનારા બચાવ અને રાહત કાર્યમાં મરણાંક સતત વધતો રહેવાની શક્યતા ડિઝાસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓએ દર્શાવી હતી. ભૂકંપના આંચકાની અસરો ઇજિપ્તની રાજધાની કેરો સુધી અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર તુર્કીયેના એક પ્રાંતના પાટનગર ગઝિયાન્ટૅપની ઉત્તરે ૩૩ કિલોમીટર દૂર ૧૮ કિલોમીટર ઊંડે હતું.
સોમવારે સૂર્યોદય પહેલાં સરહદની બન્ને બાજુ ધરતીકંપના આંચકા લાગતાં લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. આખી રાત ઠંડી, વરસાદ અને બરફ પડવાને કારણે બદલાયેલા વાતાવરણમાં લોકો દોડીને બહાર નીકળી ગયા હતા. બહાર ખુલ્લામાં ઊભેલા લોકો પત્તાંના મહેલની માફક મકાનો ગબડતાં હોવાના દૃશ્યો વચ્ચે મુખ્ય ભૂકંપના અનુગામી આંચકા અનુભવતા હતા. તુર્કસ્તાનની તૂટી પડેલી હૉસ્પિટલના નાના શિશુઓ સહિતના દરદીઓને સિરિયાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તુર્કીયેની સીમા નજીક સિરિયાના પહાડી પ્રદેશના નાનકડા શહેર અઝમરિનમાં કેટલાક બાળકોના મૃતદેહો ધાબળામાં લપેટીને લાવવામાં આવ્યા હતા. તુર્કસ્તાનના ૧૦ પ્રાંતોમાં ૯૦૦થી વધુ લોકો મૃત્યુ અને ૫૪૦૦ લોકો ઇજા પામ્યા હોવાનું તુર્કીયેના પ્રમુખ રેસેપ
તાયિપ એર્ડોગને જણાવ્યું હતું. આ ધરતીકંપને કારણે સિરિયાના પ્રદેશમાં ૩૩૦ જણ મૃત્યુ અને ૧૦૦૦થી વધુ જણ ઇજા પામ્યા હોવાનું સિરિયાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સિરિયામાં બળવાખોરોના તાબાના પ્રદેશોમાં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.
સિરિયાના એલેપ્પો અને હામા શહેરથી તુર્કીયેના દિયાબકીર સુધીના ઇશાન તરફના ૩૩૦ કિલોમીટરના વ્યાપના અનેક શહેરોમાં ધરતીકંપે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં તુર્કસ્તાનમાં લગભગ ૩૦૦૦થી વધારે મકાનો ભાંગી પડ્યા છે. ભૂમધ્ય સમુદ્રના કાંઠાના શહેર ઇસ્કાન્દેરુનમાં એક હૉસ્પિટલની ઇમારત કડડભૂસ થઇ ગઈ હતી. એ મકાન હોનારતના મૃતકોની સંખ્યા જાણવા મળી નથી. સિરિયન સિવિલ ડિફેન્સના અધિકારીઓએ પરિસ્થિતિ ‘ભયાનક’ ગણાવી હતી. વર્ષ ૧૯૯૯માં તુર્કીયેના વાયવ્ય પ્રાંતમાં આવેલા શક્તિશાળી ધરતીકંપમાં ૧૮૦૦૦થી વધારે માણસો મૃત્યુ પામ્યા હતા. અમેરિકાના જીયોલૉજિકલ સર્વે તરફથી અપાયેલી માહિતી પ્રમાણે સોમવારનો ભૂકંપ રિકટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતાનો નોંધાયો હતો અને ત્યારપછી ૨૦ અનુગામી આંચકા (આફ્ટર શૉક્સ) નોંધાયા હતા. તેમાંનો એક આફ્ટર શૉક ૭.૫ની તીવ્રતાનો હતો. (એજન્સી)
તુર્કીયે અને સિરિયામાં ધરતીકંપ: ૨૩૦૦થી વધુ લોકોનાં મોત
RELATED ARTICLES