જાપાનનું ટોબા ભૂકંપથી ધણધણી ઊઠ્યું, પંજાબના અમૃતસરમાં સામાન્ય આંચકો
ટોકિયો: જાપાનથી લઈને ભારતમાં અમૃતસરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવવામાં આવતા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે. જાપાનના ટોબામાં ૬.૧ તીવ્રતાના આંચકાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો થયો હતો. આ ભૂકંપ જાપાનના ટોબાના દક્ષિણપૂર્વથી ૮૪ કિલોમીટરના દક્ષિણમાં આવ્યો હતો. સોમવારે બપોરના ૧.૩૮ કલાકે ૬.૧ તીવ્રતાનો આંચકો અનુભવવામાં આવ્યો હતો અને તેને યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે સંસ્થા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
જાપાનના ટોબામાં ભૂકંપના તીવ્ર આંચકાની સાથે ભારતમાં અમૃતસરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો. સોમવારે વહેલી સવારના પંજાબના અમૃતસરમાં ૪.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઉપરાંત, રવિવારે મોડી રાતના ૩.૪૨ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તથા તેનું મુખ્ય કેન્દ્રબિંદુ અમૃતસરથી ૧૪૫ કિલોમીટર દૂર હતું. આ ભૂકંપ જમીનની નીચે ૧૨૦ કિલોમીટરની ઊંડાઈમાં અનુભવાયો હતો.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં શનિવારે ૫.૪ તીવ્રતાના ભૂકંપને કારણે પાટનગર દિલ્હી સહિત એનસીઆર અને ઉતરાખંડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પણ ઉતરાખંડના પીઠોરાગઢથી ૧૦૧ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. જાપાન, નેપાળ સહિત ભારતમાં ભૂકંપના વધતા આંચકાથી પ્રશાસન ચિંતિત છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર ઉતરાખંડ-નેપાળ સરહદ નજીકના હિમાલયન રેન્જમાં ચાર દિવસમાં ભૂકંપના મિનિમમ આઠેક ભૂકંપના આંચકા આવ્યા છે.