(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં શનિવારે એક જ દિવસમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. સુરતમાં મોડી રાત્રે ૩.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દરમિયાન બપોરે ૧.૫૧ કલાકે કચ્છના દુધઈ ખાતે ૩.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા વચ્ચે કચ્છમાં શનિવારે ૧.૫૧ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા ૩.૭ની નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી ૨૫ કિમી દૂર રણ ઓફ કચ્છ લેક નજીક નોંધાયું હતું. કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. ત્યારે વધુ એક આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં શુક્રવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા ૩.૮ની મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી ૨૭ કિમી દૂર નોંધાયું હતું. ફેબ્રુઆરી મહિનાના ૧૧ દિવસમાં ગુજરાતમાં આઠ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં સૌથી વધુ આજે રાત્રે ૩.૮ની તીવ્રતાનો ભૂકંપના આંચકો
અનુભવાયો છે, જ્યારે આ પહેલાં ત્રણની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. છેલ્લા ઘણા સમયથી
મોટાભાગના આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા હતા. જોકે આ પહેલો આંચકો દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૦ નોંધાઈ હતી. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકો ફફડી ઊઠ્યા હતા. ઉપરાંત અમેરલી જિલ્લામાં પણ તાજેતરમાં જ સતત છ જેટલા આંચકાઓ અનુભવાયાં હતા. એકલા અમરેલી જિલ્લામાં જ બે મહિનામાં ૧૩૫થી વધુ આંચકાઓ આવી ચૂક્યા છે.