એશિયાનો ઉત્તર-પશ્ચિમ દેશ ઈરાન ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યો છે. ઈરાનમાં 5.9ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો છે, જેણે ભારે તબાહી મચાવી છે. ઈરાનમાં અત્યાર સુધીમાં લગભગ 7 લોકોના મોત થયા છે, જ્યારે 440થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઉત્તર-પશ્ચિમ ઈરાનના ખોય શહેરમાં ભૂકંપ આવ્યો હતો. આ સિવાય અનેક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઈરાનના મીડિયા અહેવાલોમાં જણાવવામા આવ્યું હતું કે, શનિવારે રાત્રે ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા ખૂબ જ જોરદાર હતા, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે અને 440 થી વધુ ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, પડોશી પૂર્વ અઝરબૈજાન
પ્રાંતીય રાજધાની તાબ્રિઝ સહિત અન્ય કેટલાક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના કારણે ઈરાનમાં ઘણી તબાહી થઈ છે
ઉલ્લેખનીય છે કે ઈરાનમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. 2 જુલાઈ 2022 ના રોજ, દક્ષિણ ઈરાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં પાંચ લોકો માર્યા ગયા અને 44 અન્ય ઘાયલ થયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આફ્ટરશોક્સના કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેના કારણે ઈમારતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું. 2017માં પણ પશ્ચિમ ઈરાનમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 600 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 9,000 થી વધુ ઘાયલ થયા હતા. અગાઉ 2003માં 6.6ની તીવ્રતાના ભૂકંપમાં ઐતિહાસિક શહેર બામને નુકસાન થયું હતું, જેમાં 26,000 લોકો માર્યા ગયા હતા.