Homeદેશ વિદેશદિલ્હીમાં ભૂકંપ

દિલ્હીમાં ભૂકંપ

નવી દિલ્હી/કાઠમંડુ: નેપાળ સરહદે ઉત્તરાખંડના પિથોરાગઢ નજીકના હિમાલયન પ્રદેશમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા બાદ બુધવારે વહેલી સવારે દિલ્હી સહિત ઉત્તર ભારત અને નેપાળના કેટલાક ભાગોમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા જેમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ જણાવ્યું હતું કે મધરાતે ૧.૫૭ વાગ્યે ત્રાટકેલા ૬.૩ તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી લગભગ ૯૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં નેપાળમાં હતું. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હતા.
નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ સેન્ટરે જણાવ્યું હતું કે રાતે ૨.૧૨ વાગ્યે ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. એપી સેન્ટર ડોટી જિલ્લો હતો. બે મધ્યમ ભૂકંપ પશ્ચિમ નેપાળમાં ધ્રુજારી કરતા વધુ તીવ્ર આંચકા પહેલા આવ્યા હતા. મંગળવારે રાત્રે ૯.૦૭ વાગ્યે ૫.૭ તીવ્રતાનો અને ૯.૫૬ વાગ્યે તરત જ ૪.૧ તીવ્રતાનો એક આંચકો આવ્યો હતો.
નેપાળના ડોટીમાં જિલ્લા પોલીસ કાર્યાલયના કાર્યકારી વડા ભોલા ભટ્ટાએ જણાવ્યું હતું કે ભૂકંપ દરમિયાન ક્ષતિગ્રસ્ત મકાનોના કાટમાળમાં તમામ છ પીડિતોનાં મોત થયાં હતાં. દિલ્હી અને તેની આસપાસના ગાઝિયાબાદ અને ગુરુગ્રામ અને લખનૌમાં પણ આંચકા અનુભવાયા હતા જેનાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
હું ટ્વીટ કરવા માંગતી ન હતી પરંતુ કોઈ ચોક્કસપણે કહી શકે છે કે તે ભૂકંપ જેવો અનુભવ થયો હતો, એમ કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ ટ્વિટર પર લખ્યું હતું. રાષ્ટ્રીય રાજધાની અને આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતાં કેટલાય લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઉત્તરાખંડ-નેપાળ વિસ્તારમાં સવારે ૩:૧૫ અને ૬:૨૭ કલાકે હળવા આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા. એનસીએસે જણાવ્યું કે બે આંચકાની તીવ્રતા અનુક્રમે ૩.૬ અને ૪.૩ હતી. આ પ્રદેશમાં મંગળવારે મોડી સાંજે ૪.૯ અને ૩.૫ની તીવ્રતાના ઓછામાં ઓછા બે ભૂકંપનો અનુભવ થયો હતો.
રવિવારે ઉત્તરાખંડમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર ઉત્તરકાશીથી ૧૭ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. (પીટીઆઇ)

RELATED ARTICLES

Most Popular