રવિવારે નવા વર્ષની શરૂઆતની ગણતરીના કલાકમાં જ, મધ્યરાત્રીએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, હરિયાણાના ઝજ્જરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેને કારણે દિલ્હી અને હરિયાણાની આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા રાત્રીના 1.19 કલાકે અનુભવાયા હતા. જોકે, ભૂકંપથી હજુ સુધી નુકસાન કે જાનહાનિ બાબતે કોઈ માહિતી સામે આવી નથી.
રાજધાની દિલ્હી બાદ બંગાળની ખાડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. અહીં પણ ભૂકંપના કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.
હિમાલયના પ્રદેશમાં ઘણા સમયથી નાના નાના ભૂકંપ આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના કાંગડામાં 1905માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ટૂંક સમય પહેલા નેપાળમાં આવેલા ભૂકંપને કારણે ઘણી ખુવારી થઇ હતી. જોકે, ત્યાર બાદ આ ક્ષેત્રમાં કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી,પણ વૈજ્ઞાનિકો એવો દાવો કરી રહ્યા છએ કે ઉત્તરાખંડ વિસ્તારમાં ગમે તે સમયે મોટો ભૂકંપ આવી શકે છે.