અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં મંગળવારે 21 માર્ચની રાત્રે 10:17 વાગ્યે 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે જાનમાલને નુકસાન પહોંચ્યું છે. મીડિયા રીપોર્ટસ મુજબ અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે પાકિસ્તાનમાં ભૂકંપના કારણે 2 મહિલાઓ સહિત 11 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં 160 લોકો ઘાયલ થયા છે.
ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપરાંત પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને લાહોર સહિત ઘણા શહેરોમાં પણ અનુભવાયા હતા. અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહ પ્રધાન સિરજાઉદ્દીન હક્કાનીએ દેશભરના તમામ 34 પ્રાંતોના ગવર્નરો અને પોલીસ વડાઓને ભૂકંપથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા અને સહકાર આપવા સૂચના આપી છે.
મીડિયા અહેવાલો મુજબ ભૂકંપ સમયે રાવલપિંડીના એક બજારમાં નાસભાગ મચી ગઈ હતી. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબીમાં એક ઘરની છત તૂટી પડતાં એક જ પરિવારના પાંચથી સભ્યો ફસાયા હતા.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, મંગળવાર રાત્રે આવેલો ભૂકંપ સપાટીથી 187 કિમી નીચે ઉત્પન થયો હતો. સામાન્ય રીતે હિંદુકુશ પ્રદેશમાં 100 કિમી કે તેથી ઓછી ઊંડાઈના ધરતીકંપો આવતા રહે છે.
ભારતના હરિયાણા, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ તરત જ જમ્મુ ક્ષેત્રના કેટલાક ભાગોમાં મોબાઈલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી.