ગૃહપ્રધાન અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ચૂક! ઓળખ છુપાવી એક વ્યક્તિ કલાકો સુધી ડેપ્યુટી સીએમના આવાસમાં ફરતો રહ્યો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તાજેતરમાં મુંબઈના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન અમિત શાહની સુરક્ષામાં ક્ષતિનો મામલો સામે આવ્યો છે. અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન એક વ્યક્તિ તેમની આસપાસ કલાકો સુધી ફરતો રહ્યો. મુંબઈ પોલીસે મંગળવારે મહારાષ્ટ્રના ધુલેથી આ વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી પોતાને આંધ્રપ્રદેશના એક સાંસદનો પીએ હોવાનું કહી રહ્યો છે.
પોલીસે આપેલી માહિતી મુજબ 32 વર્ષીય આરોપી હેમંત પવાર સોમવારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર આવાસ પર અમિત શાહ અને અન્ય રાજકારણીઓની આસપાસ ફરતા જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે અમિત શાહે સોમવારે તેમની મુંબઈની બે દિવસીય મુલાકાત દરમિયાન લાલબાગચા રાજા ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના આવાસની પણ મુલાકાત લીધી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આરોપીને રાજકારણીઓની આસપાસ ફરતો જોયો હતો. જ્યારે તેની ઓળખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે દાવો કર્યો કે તે આંધ્રપ્રદેશના સાંસદનો પીએ છે. એક પોલીસકર્મીના જણાવ્યા પ્રમાણે, “પવારે MHAની રિબન પહેરી હતી અને તેથી કોઈને તેના પર શંકા થઇ નહિ.” ગૃહ મંત્રાલયના અધિકારીઓએ પોલીસનો સંપર્ક કર્યો, જેમણે પવારને શોધી કાઢ્યો અને ઘટનાના ત્રણ કલાકમાં તેની ધરપકડ કરી.
આરોપીને ગિરીગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ વ્યક્તિની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી કેન્દ્રીય ગૃહપ્રધાનની આસપાસ કયા ઈરાદાથી ફરતો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.