ભારતની વીરાંગનાઓ – ટીના દોશી
સ્વતંત્રતા સેનાની દુર્ગાવતી વોહરાનું નામ સાંભળ્યું છે?
આ સવાલનો જવાબ હકારમાં આપનાર કદાચ જ કોક નીકળે. પરંતુ જો એમ પૂછવામાં આવે કે દુર્ગાભાભીનું નામ સાંભળ્યું છે, તો નકારમાં ઉત્તર વાળનાર ભાગ્યે જ કોક નીકળશે.
સ્વતંત્રતા સંગ્રામમાં દુર્ગા નામની બોલબાલા છે. દુર્ગા નામની સાથે રાણીનું વિશેષણ જોડાય તો મોગલ બાદશાહ અકબરને ટક્કર આપનાર દુર્ગાવતી, દુર્ગા નામની સાથે ભટ્ટ જોડવામાં આવે તો સૌરાષ્ટ્રનાં સ્વતંત્રતા સેનાની, દુર્ગા નામની સાથે દેશમુખ જોડાય તો આંધ્ર પ્રદેશનાં આઝાદીનાં લડવૈયા અને જો દુર્ગા નામની સાથે ભાભી જોડાય તો એ ઉત્તર પ્રદેશનાં વીરાંગના!
દુર્ગાભાભી ક્રાંતિકારી વીરાંગના હતાં. ક્રાંતિકારીઓના મુખ્ય સહયોગી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં દુર્ગાભાભીનું મહત્ત્વનું યોગદાન એ રહ્યું કે ક્રાંતિકારી ભગતસિંહની પત્નીનો વેશ લઈને એમને નાસી છૂટવામાં મદદ કરેલી. ઉપરાંત અંગ્રેજ ગવર્નર હેલી પર ગોળી ચલાવી દીધેલી.
દુર્ગાનું મૂળ નામ દુર્ગાવતી દેવી હતું. અલાહાબાદના શહજાદપુર ગામમાં ૭ ઓક્ટોબર ૧૯૦૭ના જન્મ થયો. માતા યમુનાદેવી અને પિતા બાંકેબિહારી ભટ્ટ. પિતા દુર્ગામાતાના ઉપાસક હોવાથી દીકરીનું નામ દુર્ગાવતી દેવી પાડ્યું. બાળદુર્ગાએ ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી તત્કાલીન રિવાજ મુજબ અગિયાર વર્ષની ઉંમરે દુર્ગાનાં લગ્ન આગ્રાનિવાસી ભગવતીચરણ વોહરા સાથે લેવાયાં.
ભગવતીચરણના પિતા શિવચરણ રેલવેમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. અંગ્રેજ સરકારે શિવચરણને ‘રાયસાહેબ’નો ખિતાબ આપેલો. પરંતુ ભગવતીચરણ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા ઉત્સુક હતા. ક્રાંતિકારી સંગઠનના પ્રચારમંત્રી હતા. ૧૯૨૦માં શિવચરણનું મૃત્યુ થયા પછી ભગવતીચરણ ખુલ્લેઆમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા લાગ્યા.
દુર્ગાવતીને પતિના સંગનો રંગ લાગ્યો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયાં. ભગવતીચરણ પ્રસિદ્ધ ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરના સાથી હતા. દુર્ગાવતી કાર્યેષુ મંત્રી હતાં. ક્રાંતિકારીઓ માટે હથિયાર લાવવા- લઇ જવાની વ્યવસ્થા કરતાં. ક્રાંતિકારીઓનો આદરસત્કાર કરતાં. એથી ક્રાંતિકારીઓના વર્તુળમાં દુર્ગાભાભી તરીકે જાણીતાં થઇ ગયાં.
વર્ષ ૧૯૨૬. માર્ચનો મહિનો… ભગવતીચરણ અને ભગતસિંહે મળીને નવજવાન ભારત સભાની રૂપરેખા તૈયાર કરી. રામચંદ્ર કપૂર સાથે મળીને સભાની સ્થાપના કરી. સેંકડો જુવાનોએ દેશને આઝાદ કરાવવા માટે પ્રાણોની આહુતિ આપવાનો સંકલ્પ કર્યો. જોકે ૧૯૨૭ના મેરઠકાંડને પગલે ભગવતીચરણના નામનું વોરંટ નીકળ્યું. એટલે ભગવતીચરણ અને દુર્ગાભાભી પોતાનું ઘર છોડીને લાહોરની એક શેરીના નાનકડા ઘરમાં રહેવા લાગ્યાં.
પતિ ભગવતીચરણની માફક દુર્ગાભાભીએ દેશની આઝાદી માટે બલિદાન આપવાનું નક્કી કરી લીધેલું. જીવસટોસટની બાજી ખેલીને સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવો એવો મક્કમ નિર્ધાર કરેલો. જોખમી કામો કર્યા પણ ખરાં. એક મોટું અને મહાન કામ એમણે એ કર્યું કે ભગતસિંહને સહીસલામત રીતે લાહોરથી કોલકાતા પહોંચાડવામાં સહાય કરી. બન્યું એવું કે સાઈમન કમિશનના વિરોધમાં દેખાવો થયા ત્યારે અંગ્રેજ અધિકારી એવા આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એસ.પી. સાંડર્સે બર્બરતાથી લાઠીમાર કરેલો. સ્વતંત્રતા સેનાની લાલા લજપતરાય પણ લાઠીનો ભોગ બનેલા. એ પછીની સભામાં લાલાજીએ ટંકાર કરેલો કે, હું એવી ઘોષણા કરૂં છું કે મારા પર પડેલી એકે એક લાઠી બ્રિટિશ સરકારના કફનમાં અંતિમ ખીલા તરીકેનું કામ કરશે.
આ ઘટના પછી, ૧૭ નવેમ્બર ૧૯૨૮ના લાલાજીનું અવસાન થયું. લોકો દ્રઢપણે એવું માનવા લાગ્યા કે લાઠીપ્રહારને કારણે જ લાલાજીનું મૃત્યુ થયું છે. લાલાજીના મૃત્યુનું વેર વાળવા ક્રાંતિકારી ભગતસિંહ અને રાજગુરૂએ સાંડર્સને ગોળીએ દીધો. અંગ્રેજ પોલીસે ભગતસિંહને પકડવા ચક્રો ગતિમાન કર્યા. પોલીસની નજર ચૂકવીને ભગતસિંહને લાહોરની બહાર સુરક્ષિત પહોંચાડવા જરૂરી હતું.
દુર્ગાભાભીની મદદથી આ કામ પાર પાડવાનું નક્કી કરાયું. રાત્રે લગભગ આઠ વાગ્યે સુખદેવ દુર્ગાભાભીને ઘેર પહોંચ્યો. ભગતસિંહની પત્નીના વેશમાં એમને લાહોરથી બહાર લઇ જવા પડશે એમ જણાવ્યું. ભગતસિંહે ઓવરકોટ અને હેટ પહેર્યા. દુર્ગાભાભીએ યુરોપિયન સ્ત્રીનો વેશ લીધો. માથાના વાળ કપાવીને ટૂંકાં કરાવ્યાં. કોટપેન્ટ અને હેટ ચડાવ્યાં. ઊંચી એડીનાં સેન્ડલ પહેર્યા. સાથે નાનકડા દીકરા શચીન્દ્રને લીધો. રાજગુરૂ મેલાંઘેલાં કપડાં પહેરેલા સેવકનો સ્વાંગ સજ્યો. ભગતસિંહે પોતાનો ચહેરો ઢંકાઈ જાય એવી રીતે શચીને તેડી લીધો. દુર્ગાભાભી ગોરી મેમ બનીને સેન્ડલ પટકાવતાં ચાલી રહેલાં. રેલવેની પ્રથમ શ્રેણીની ટિકિટ લઈને ટ્રેનમાં બેઠાં. નિર્વિઘ્ને લાહોરથી કોલકાતા પહોંચી ગયાં.
ભગતસિંહ અને દુર્ગાભાભી કોલકાતા સ્ટેશને ઊતર્યા ત્યારે ભગવતીચરણ ત્યાં પહેલેથી જ હાજર હતા. દુર્ગાભાભીને ગોરી મેમસાહેબના રૂપમાં જોઇને ભગવતીચરણ મંત્રમુગ્ધ થઇ ગયા. પોતાની પરણેતરને અન્યની પત્ની તરીકે જોઇને કોઈને પણ ક્ષોભ થાય, પરંતુ ભગવતીચરણ તો ક્રાંતિને સમર્પિત હતા. દુર્ગાભાભીને જોઇને તેમના મનમાંથી ઉદગાર સરી પડ્યા: ‘વાહ, મેં તને આજે ઓળખી!’
ભગવતીચરણ ઓળખી ગયા, પણ અંગ્રેજ પોલીસને થાપ આપવામાં દુર્ગાભાભી અને ભગતસિંહ સફળ થયા, એથી બેય બચી ગયા. અણી ચૂક્યો સો વરસ જીવે…ભગતસિંહે કેન્દ્રીય ધારાસભામાં બૉમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી. દુર્ગાભાભીએ પોતાના હાથ પર છરીનો કાપો કરીને એમાંથી વહેતા લોહીથી ભગતસિંહને તિલક કર્યું. કાર્યસફળતા માટે શુભકામના પાઠવી. ભગતસિંહે ધારાસભા પર બૉમ્બ ફેંક્યો. પકડાયા અને લાહોર જેલમાં પુરાયા. સિંહ પાંજરે પુરાયો.
ચંદ્રશેખર આઝાદ અને ભગવતીચરણે ભગતસિંહને જેલમાંથી છોડાવવાની યોજના ઘડી. બૉમ્બ બનાવવાની ફેક્ટરી શરૂ કરી. ક્રાંતિકારીએ મળીને કેટલાક બોમ્બ બનાવ્યા. ૨૮ મે ૧૯૩૦ના આ બૉમ્બનું પરીક્ષણ કરવા ક્રાંતિકારીઓ રાવી નદીને તટે પહોંચ્યા. પરીક્ષણ દરમિયાન બૉમ્બ હાથમાં જ ફૂટવાથી ભગવતીચરણનું પ્રાણપંખેરૂ ઊડી ગયું.
દુર્ગાભાભી પતિના મૃત્યુનો આઘાત જીરવીને સ્વસ્થતાથી ક્રાંતિના માર્ગે ચાલતાં રહ્યાં. ભગતસિંહ અને અન્ય ક્રાંતિકારીઓને જેલમાંથી છોડાવવા માટે પોતાનાં તમામ દરદાગીના વેચી નાખ્યાં. વકીલને ફીપેટે ત્રણ હજાર રૂપિયા ચૂકવ્યા. ભગતસિંહને છોડાવવાના પ્રયાસોની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ દુર્ગાભાભી કરતાં રહ્યાં. એમણે પિસ્તોલ ચલાવવાની તાલીમ લાહોર અને કાનપુરમાં લીધેલી. તાલીમ પર અમલ કર્યો. ૯ ઓક્ટોબર ૧૯૩૦… દુર્ગાભાભીએ પંજાબના પૂર્વ ગવર્નર હૈલી પર ગોળી ચલાવી. હૈલી તો બચી ગયો, પણ સૈનિક અધિકારી ટેલર ઘાયલ થયો. દુર્ગાભાભીના નામનું વોરંટ નીકળ્યું.
એમને ભાગેડુ જાહેર કરાયાં. આખરે અંગ્રેજ પોલીસના સાણસામાં સપડાયાં. એમની ધરપકડ કરાઈ. ત્રણ વર્ષની સજા થઇ. દરમિયાન ૨૩ માર્ચ ૧૯૩૧ના ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી પર ચડાવી દેવાયા.
એક પછી એક એમ બધા ક્રાંતિકારીઓએ દુનિયામાંથી વિદાય લીધી. જેલવાસ પૂરો કરીને બહાર
આવેલાં દુર્ગાભાભી નાનકડા પુત્ર સાથે એકલાં પડી ગયાં. અંગ્રેજ સરકારે દુર્ગાભાભીના લાહોરપ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધેલો. એથી ગાઝિયાબાદમાં વસ્યાં. ૧૯૩૫માં એક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરવા લાગ્યાં. પછી મદ્રાસ જઈને મોન્ટેસરીની તાલીમ લીધી. લખનૌમાં કેંટ રોડ પર એક મોન્ટેસરી શાળા શરૂ કરી. પાંચ બાળકોના પ્રવેશ સાથે શાળાનો શુભારંભ થયો. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઈ.
દેશની આઝાદી પછી દુર્ગાભાભીએ સત્તા અને નેતાઓથી અંતર બનાવી લીધું. ૧૯૫૬માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુને દુર્ગાભાભી અંગે જાણવા મળ્યું. નહેરુજી દુર્ગાભાભીને મળવા ગયા. એમની મદદ કરવા માટેનો પ્રસ્તાવ પણ મૂક્યો. પરંતુ દુર્ગાભાભીએ વિનમ્રતાથી પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. એ પછી દુર્ગાભાભી ગુમનામ જીવન જીવ્યાં. ૧૫ ઓક્ટોબર ૧૯૯૯ના ૯૨ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. દેશ માટે જીવન કુરબાન કરનાર એક સિતારો ખરી પડ્યો.
દેવી દુર્ગા શક્તિસ્વરૂપા ગણાય છે, એ રીતે જોઈએ તો એમનાં નામધારી દુર્ગાભાભી પણ શક્તિનું જ સ્વરૂપ હતાં!