શસ્ત્રધારાનો ભંગ કરીને જેલવાસ વેઠનારી પ્રથમ બંગાળી ક્રાંતિકારી સ્ત્રી: દુકડીબાલા દેવી

લાડકી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

નામ એનું દુકડીબાલા દેવી. બંગાળની ક્રાંતિકારી સ્ત્રી. જન્મ ૧૮૮૭માં. વીરભૂમ જિલ્લાના નલહટી તાલુકાના ઝાઉપાડા ગામની. કુટુંબ પર ગરીબીના ઓળા ઊતરી આવેલા પણ દરિદ્રતાના કાળા વાદળની રૂપેરી કોર કે લોઢાની થાળીમાં સોનાની મેખ એ હતી કે પિતા નીલમણિ ચટ્ટોપાધ્યાયને ક્રાંતિકારીઓ પ્રત્યે સહાનુભૂતિ હતી. ઘરમાં હાંલ્લાં કુસ્તી કરતાં, પણ ક્રાંતિકારીઓને હંમેશાં નીલમણિ મીઠો આવકારો આપતાં. ક્રાંતિકારીઓનું નાનું મથક બની ગયેલું એમનું ઘર.
એક વાર જ્યોતિષ ઘોષ નામના ક્રાંતિકારી નીલમણિના ઘેર મુકામ કર્યો. બ્રિટિશ પોલીસની નજરમાંથી બચવા માટે જ્યોતિષ ઘોષ આવ્યા ત્યારે નલિનબાબૂ અને પાછા વળતી વખતે બિપીનબાબૂ નામ ધારણ કરેલું. જ્યોતિષ ઘોષ વ્યાયામશાળા ચલાવતા. આ વ્યાયામ શાળામાં લાઠીના દાવપેચ અને છરા ચલાવવાનું પ્રશિક્ષણ અપાતું. અંગ્રેજો વિરુદ્ધ સશસ્ત્ર ચળવળ ચલાવવા માટે ક્રાંતિકારીઓને તૈયાર કરાતા હતા.
દુકડીબાલા દેવીના માનસમાં આ પ્રવૃત્તિઓ અંગે કુતૂહલ પેદા થયું. એણે પોતાના ભાણિયા નિવારણચંદ્ર ઘટકને જ્યોતિષ ઘોષની કામગીરી અંગે પૂછ્યું. નિવારણચંદ્રએ ઉપહાસ કરતાં કહ્યું: માસી, તમે એના વિશે જાણીને શું કરશો? શું તમને લખતાંવાંચતાં આવડે છે ખરું? નિવારણચંદ્રના સવાલે દુકડીબાલા દેવીના કાળજાને વીંધી નાખ્યું. ભાણિયાનું મહેણું ભાંગવા એ નિવારણચંદ્ર પાસે જ ભણવા લાગી. દુકડીબલાએ એકાગ્ર ચિત્તે અભ્યાસમાં મન પરોવ્યું. બંગાળી ભાષાના કક્કોબારાખડી શીખી. લખતાં અને વાંચતાં શીખી.
લેખનવાંચનની ફાવટ આવી ગયા પછી દુકડીબાલા દેવીએ ભાણાએ ક્રાંતિકારી ચળવળ સંબંધી આણેલું સાહિત્ય ચોરીછૂપીથી વાંચવાનું શરૂ કર્યું. ભાણો નિવારણચંદ્ર ઘટક સ્વયં પણ ક્રાંતિકારી હતો. એણે શસ્ત્રના દાવપેચ શીખવાની જીદ કરી. અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો…એનું જીવંત ઉદાહરણ હતી દુકડીબાલા દેવી. ભાણા પાસેથી છરા અને બંદૂક ચલાવવાનું શીખી. સઘન તાલીમ લીધી.
શસ્ત્ર ચલાવવાની તાલીમ પૂરી થઇ, ત્યાં દુકડીબાલાના વિવાહ થયા. ઘી ઢળ્યું તો ખીચડીમાં એવો ઘાટ થયો, કારણ પતિ ફણિભૂષણ ચક્રવર્તી પણ દુકડીબાલાના સહાયક હતા. સમાન વિચારધારા ધરાવતા હોવાથી બન્ને મળીને ક્રાંતિકારીઓને મદદ કરવા લાગ્યાં. અંગ્રેજ પોલીસની ગીધનજરમાંથી બચવા માટે નિવારણચંદ્ર ઘટક માસીના ઘરમાં હથિયારો છુપાવવા માંડ્યાં. આ અરસામાં હરિદાસ દત્ત નામના ક્રાંતિકારીએ વેશપલટો કરીને શસ્ત્ર નિર્માણ કરતી એક કંપનીના ગોદામમાંથી બસ્સો હથિયાર ભરેલી પેટી ચોરી લીધી. ઢોર પૂરવાના પાંજરામાં ભરીને આ શસ્ત્રો અને દારૂગોળો દુકડીબાલાના ઘરમાં સંતાડવામાં આવ્યાં.
હથિયારની પેટી ગુમ થયાની ખબર પડતાં જ અંગ્રેજ પોલીસ સફાળી જાગી. પેટીની શોધખોળ શરૂ કરી. કેટલાક ક્રાંતિકારીઓના છૂપા ઠેકાણા પર છાપો માર્યો, પણ કાંઈ મળ્યું નહીં. એવામાં બ્રિટિશ સત્તાધીશોને એક અનામી પત્ર હાથ લાગ્યો. એ પત્રમાં એવો સંકેત કરવામાં આવેલો કે આઠ પિસ્તોલ અને કારતૂસોથી ભરેલી બે પેટી દુકડીબાલાના ઘરમાં છુપાડવામાં આવ્યાં છે.
૭ જાન્યુઆરી ૧૯૧૭… સંધ્યાટાણે દુકડીબાલા નાના બાળ માટે દૂધનો પ્યાલો તૈયાર કરી રહી હતી. એવામાં બ્રિટિશ પોલીસે દુકડીબાલાના ઘરને ઘેરો ઘાલ્યો. ઘરના દરવાજા જોરજોરથી ખખડાવ્યા. દુકડીબાલા દેવીએ બારણું ઊઘડ્યા વિના જ કહ્યું: બહાર જે કોઈ ઊભું હોય એ સાંભળી લે… અત્યારે હું મારાં નાનકડા બાળક સાથે ઘરમાં સાવ એકલી છું. એથી દરવાજો ખોલી શકું એમ નથી. જે હોય એ પાછું ચાલ્યું જાય. પણ બ્રિટિશ પોલીસ એમ થોડી પાછી જાય. પોલીસે બહાર રહ્યે રહ્યે જ દમદાટી આપી: જો કમાડ ખોલવામાં નહીં આવે તો અમે એને તોડીને અંદર આવીશું.
દુકડીબાલા પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં. એણે દરવાજો ખોલ્યો. પોલીસ વંટોળપેઠે ઘરની અંદર ધસી આવી. શસ્ત્ર શોધવા ઘરની જડતી લેવા લાગી. દુકડીબાલા દેવીએ જડતીનો વિરોધ કર્યો. એણે કહ્યું: એક એકલી સ્ત્રી ઘરમાં હોય ત્યારે તમે તલાશી કેવી રીતે લઇ શકો? જરા ખમી જાવ. હું મારા પાડોશીને બોલાવી લાવું.
પોલીસે વાંધો ન ઉઠાવ્યો. કારણ એમને ખબર નહોતી કે પાડોશીને બોલાવવાના બહાને દુકડીબાલા શસ્ત્રો બાજુવાળાના ઘરમાં જ છુપાવવા જતી હતી. એ પાડોશીને બોલાવવા ગઈ ત્યારે બાજુમાં રહેતાં સુરધુની મોલ્લાનીના બાળકનાં વસ્ત્રોમાં શસ્ત્રો લપેટીને સંતાડી દેવાનો વ્યૂહ ગોઠવ્યો. જેથી કરીને પોલીસ આખું ઘર ફેંદી વળી તોય એમને કાંઈ હાથ ન લાગે. યોજના સંપૂર્ણ સુરક્ષિત હતી, પણ કોક પોલીસખબરી આ જાણી ગયો. એણે પોલીસને કાને વાત નાખી. પોલીસે પાડોશીના ઘરમાં તલાશી લીધી અને હથિયાર તથા દારૂગોળો જપ્ત કરી લીધાં.
દુકડીબાલા દેવીની શસ્ત્રધારાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી. ભારતીય શસ્ત્રધારા ૧૮૭૮નો કાયદો અંગ્રેજ સરકારે ઘડેલો. એટલે એક રીતે તો ઘરના ભૂવા ને ઘરના ડાકલા જેવો જ આ કાનૂન હતો. આ શસ્ત્રધારા હેઠળ કોઈ પણ ભારતીય યોગ્ય સરકારી પરવાના વગર શસ્ત્રનું નિર્માણ ન કરી શકે, શસ્ત્રનું વેચાણ ન કરી શકે અને પોતાની પાસે શસ્ત્ર રાખી ન શકે એવી કડક જોગવાઈ હતી.અંગ્રેજ સરકારે દુકડીબાલા પર શસ્ત્રના કાયદાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂક્યો. શસ્ત્રોની ચોરીમાં સામેલ ક્રાંતિકારીઓનું નામ કઢાવવા પોલીસે જબ્બર પ્રયત્નો કર્યા. પરંતુ દુકડીબાલા દેવીએ મોઢું ન ખોલ્યું. એણે હોઠ સીવી દીધા. મામલો અદાલતમાં પહોંચ્યો.
બ્રિટિશ સરકાર પોતે જ ફરિયાદી હતી ને પોતે જ ન્યાયાધીશ પણ હતી. એણે દેખાવ ખાતર અદાલતી ખટલો ચલાવ્યો. આરોપી દુકડીબાલાને કસૂરવાર પુરવાર કરી. ૮ માર્ચ ૧૯૧૭ના બે વર્ષના કઠોર કારાવાસની સજા કરી. પ્રેસિડેન્સી જેલમાં એને બંદી બનાવવામાં આવી. નિવારણચંદ્ર ઘટક તો પાંચ વર્ષની સજામાં પહેલાં જ જેલમાં ધકેલાઈ ગયેલો. ભાણા પછી માસીનો વારો આવ્યો. પણ દુક્ડીબાલા. ડગી નહીં ને ડરી પણ નહીં.
પાશવી અંગ્રેજ સરકારે દુકડીબાલા દેવીનું મનોબળ તોડવા જેલમાં દૂધપીતા બાળકને સાથે રાખવાની મંજૂરી ન આપી. માદીકરાને અળગાં કયાર્ં, પણ દુકડીબાલા હસતે મુખે અત્યાચારો સહન કરતી રહી. કારાવાસમાં એની પાસે અત્યંત કઠોર કહેવાય એવો શારીરિક શ્રમ કરાવવામાં આવતો હતો. એટલું કામ કરાવાતું કે એ થાકીને લોથપોથ થઇ જતી. સખત કામ કરીકરીને એના હાથ છોલાઈ ગયેલા, છતાં એણે એકલે હાથે જેલમાં થતી સઘળી રસોઈ માટેના ઘઉં ઘંટી પર દળવા પડતા.
બંગાળની પહેલી ક્રાંતિકારી વીરાંગના નનિબાલા દેવી એ સમયે એ જ જેલમાં હતી. એનાથી દુકડીબાલા પર કરવામાં આવતો અત્યાચાર સહન ન થયો. એથી જેલ સત્તાવાળાઓના વિરોધમાં એ ભૂખ હડતાળ પર ઊતરી. જેલના અધિકારીઓએ નનિબાલા દેવી ભૂખ હડતાળ પછી ખેંચી લે એ માટે ઘણા ધમપછાડા કર્યા. ઉધામા કર્યા. પણ નનિબાલાએ ઉપવાસ જારી રાખ્યા. આખરે જેલના સત્તાધીશોએ દુકડીબાલા દેવીનો શ્રમ ઘટાડવાની ખાતરી આપવી પડી. આખરે દુકડીબાલાનો શ્રમ ઓછો થયો ત્યારે જ નનિબાલાએ ભૂખ હડતાળ પાછી ખેંચી. કોણ કહે છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે! વાસ્તવમાં તો એક સ્ત્રી જ સ્ત્રીનું દુ:ખ સમજી શકે છે!
બે વર્ષ પછી દુકડીબાલા દેવી કારાવાસની સજા પૂરી કરીને બહાર આવી. એ પછી ગુમનામીની ગર્તામાં ગુમ થઇ ગઈ. ૨૮ એપ્રિલ ૧૯૭૦ના એનું મૃત્યુ થયું. પરંતુ આઝાદીના ઇતિહાસમાં એ આજે પણ ઝળહળી રહી છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.