દુહાની દુનિયા -ડૉ. બળવંત જાની

દુહાની લગોલગ જેનાં બેસણાં છે એ સંસ્કૃત સુભાષિતોથી બધા બહુ પરિચિત છે, પણ ચમત્કૃતિના સંદર્ભે અને ઉપદેશથી મોટે ભાગે વેગળી શુદ્ધ કવિતા જેવી પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓથી આપણે લગભગ અપરિચિત છીએ. ઉક્તિની છટા કઈ કક્ષાની હોઈ શકે એનું ઉદાહરણ એ ગાથાઓ છે. દુહા કે સુભાષિતની માફક બે પંક્તિમાં ભારે મર્મપૂર્ણ દૃષ્ટિનો હૃદયસ્પર્શી પરિચય કરાવતી ગાથાઓ ઈસવી સન પૂર્વેની લગભગ બીજી શતાબ્દીથી પ્રવર્તમાન હોવાનાં અનુમાનો થયેલાં છે. અનેક અલંકારગ્રંથોમાં એ ઉદાહરણ તરીકે ગોઠવાઈ જઈને આજ સુધી જળવાઈ રહેલી છે. બાણભટ્ટથી માંડીને રાજશેખર જેવા અનેક કવિઓએ જેની મુક્તકંઠે પ્રશંસા કરી છે એવી કેટલીક અવનવી ભાવસામગ્રીથી સભર ગાથાઓનો પરિચય એની રસપૂર્ણ, મર્મપૂર્ણ અને ભાવપૂર્ણ મુદ્રાની ઓળખ કરાવશે. આપણા દુહાની મૂળ ગંગોત્રી આ ગાથાઓ છે.
કોઈને પ્રશ્ર્ન થાય કે શિવ-વિવાહના પ્રસંગને તે વળી કેવી બળકટ અભિવ્યક્તિ અર્પી શકાય? હસ્તમેળાપ સમયનું શિવનું ચિત્ર કેવું મોહક-પ્રભાવક બની રહે છે તેનું સુંદર ઉદાહરણ નીચેની ગાથામાં છે:
પાણી-ગ્ગહણે-ચ્ચિઅ પવ્વઈઅ નાઅં સહી હિ સોહગ્ગં;
પસુવઈણા વાસુઈ – કંકણણમ્મિ ઓસારિએ દૂરં.
પાણિગ્રહણ વિધિના સમયે (હસ્તમેળાપ વેળાએ) જ બધી સહેલીઓને પાર્વતીના પરમ સૌભાગ્યની પ્રતીતિ થઈ ગઈ. શિવે પોતાનું વાસુ (નાગ)નું કંકણ સારી એવી રીતે પૂરી કાળજીથી છેક બાવડાના ભાગે ઊંચે ચડાવી દીધું હતું.
રખેને ક્યાંક વાસુકિ પાર્વતીના ગોરા હાથને ડંખ મારે એની કાળજી ભવિષ્યમાં કેવી વિકાસ પામશે. પાર્વતીના ભાગ્યને પામવા માટેનું આવું સુંદર ઉદાહરણ સખીઓને જ આનંદ આપે છે એમ નહીં, આવી ધ્વનિપૂર્ણ ઉક્તિ ભાવકચિત્તને પણ ભીંજવે છે. સહેલીની નિર્દોષતા સખી સમક્ષ પ્રગટાવતી બીજી એક ગાથા જોઈએ:
સહિ સાહસુ સબ્ભાવેણ પુચ્છિમો કિં અસેસ – મહિલાણં;
વઙતિ કરત્થ – ચ્ચિઅ વલઆ દઈએ પઉત્થમ્મ઼િ
હે પ્રિય સખી હું તને ખરેખર પૂછું છું કે, શું પ્રિયતમ સ્વામી પ્રવાસે જાય એટલે બધી જ સ્ત્રીઓમાં બલૈયા (બંગડી પાટલા) હાથ પર રહ્યાં રહ્યાં મોટાં થઈ જતા હશે? (ક્રમશ:)

Google search engine