દુહાની દુનિયા -ડૉ. બળવંત જાની

(ગયા અંકથી ચાલુ)
મુગ્ધ અને લઘુવયની પ્રિયતમાની નિર્દોષ્ાતાનો કલાત્મક પરિચય કરાવતી આ ગાથામાં પોતાનું કાંડુ દુબળું થઈ જાય અને બંગડી પહોળી પડે એમ નહીં પણ બલોયા (બંગડી-પાટલા) હાથમાં રહ્યે-રહ્યે મોટા થઈ જતા હોય એવી નરી નિર્દોષ્ાતા વ્યક્ત કરતી ખરા અર્થમાં મુગ્ધા નાયિકાનો સ્વામી કેવો સદ્ભાગી હશે બીજી એક ગાથા જોઈએ:
કલ્લં કિલ ખર-હિઅઓ પવસિહિઈપિઓ-સિુવ્વઈજણમ્મિ;
તક વઙ ભઅવઈ નિસે જહ સે કલ્લં-ચિઅ ન કોઈ.
લોકોમાં મેં બોલાતું સાંભળ્યું છે કે કઠોર હૃદયનો મારો પ્રિયતમ સ્વામી આવતી કાલે પ્રવાસે જવાનો છે, તો હે ભગવતી રાત્રીદેવી તમે એટલાં વૃદ્ધિ પામો, એટલાં વૃદ્ધિ પામો કે તેની કાલ પડે જ નહીં. સ્ત્રીની દુર્ભાગ્યતા તો એ છે કે પ્રિયતમે એને કહ્યું નથી. એણે લોકો દ્વારા સાંભળ્યું કે પતિ આવતી કાલથી પ્રવાસે પ્રયાણ કરશે એટલે રાત્રીદેવીને પ્રાર્થના કરીને રાત્રી પૂર્ણ જ ન થાય એવી ભાવના યાચે છે. નારીની પ્રીતિનો સુંદર પરિચય કરાવતી ગાથાની સાથે જ જેનો પતિ પ્રવાસે ગયો છે અને જે તિથિએ આવવાનો છે એનો નિર્દેશ કરતું લખાણ ભૂંસાય નહીં એ માટે પ્રયત્ન કરતી નારીનું ચિત્ર પ્રગટ કરતી ગાથા જોઈએ:
ઝંઝા-વાઉણિ-ઘર-વિવાર-પલોટ્ટંત-સલિલ-ધારાહિ;
કુઙ- લિહિઓહિ – દિઅહં રક્ખઈ અજજા કરઅલેહિં
ઝંઝાવતી પવનથી ઉડાડી મુકાયેલા ઘાસના છજાને લીધે છાપરામાં છતમાં પડેલા બાકોરામાંથી જે જળધારાઓ પડતી હતી તેમનાથી ભૂંસતા બચાવવાને માટે તે પતિવ્રતા નારી દીવાલ પર લખેલા પતિદેવના પરત થવાના અવધિ દિવસને પોતાની હથેળીઓથી ઢાંકી રહી છે. ભીંતમાં લખેલા અવધિ દિવસના લખાણને ભૂંસાતું અટકાવવા મથતી નારી પતિવિરહથી રડતી રડતી ઘરના કોરા ભાગને ભીંજાવીને પીડા પામી રહી છે તેનું સુંદર ચિત્ર પણ એક અન્ય ગાથામાં અંકિત થયેલું છે.
પલિઅ-વહૂ વિવરંતર-ગલિઅ-જલોલ્લે ઘરે અણોલ્લં-પિ;
ઉદ્ેસં અવિરઅ – બાહ – સલિલ – વિવ્હેણ ઉલ્લેઈ.
છતના બાકોરામાંથી ચૂવાક થતા જળપ્રવાહથી ભીંજાયેલા ઘરમાં કોરા બચેલા સ્થાનને પણ પ્રવાસીપત્ની અવિરતપણે અશ્રુપ્રવાહથી ભીના કરી રહી છે. નારીચિત્તની વ્યથાને-
વેદનાને કહેવા માટે ગાથા રચયિતાએ કેવાં પ્રભાવક ચિત્રો આંક્યાં છે એનો સુંદર પરિચય અહીંથી મળે છે. આપણા કંઠસ્થપરંપરાના ગુજરાતી દુહા સાથે પણ ગંગોત્રીરૂપી આ ગાથાઓની તુલના કરી શકાય. માત્ર લઘુરૂપ જ નહીં, એમાંની ચમત્કૃતિ પણ ગાથામાંથી જાણે કે વારસારૂપે-પરંપરારૂપે દુહાને પ્રાપ્ત થઈ છે.

Google search engine