માનવને જીવનબોધ અર્પતા દુહા

ઇન્ટરવલ

દુહાની દુનિયા -ડૉ. બળવંત જાની

દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે, પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પ્રગટતી તો હોય જ છે. સોરઠિયા નામછાપના ઘણા દુહા પ્રચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી, પણ એટલું ખરું કે એ સોહામણા અને ડહાપણથી સભર સોરઠ દેશની કોઈ ઘરડેરી-પ્રૌઢ વ્યક્તિ હશે. એણે પોતાની જાતને સોરઠ દેશના વિસ્તારમાં ઘસી નાખી હશે. આ પ્રદેશનું ડહાપણ, આ પ્રદેશની સમજણ એણે દુહાના માધ્યમથી વહાવી અને સોરઠિયાના દુહા ગુજરાતીમાં કંઠસ્થ પરંપરામાં વહેતા રહ્યા. એમના નામથી પ્રચલિત થોડા દુહા આસ્વાદીએ.
અહીં કોઈની મદદના પોકારની વાતનો દુહો છે, પણ એનો ભાવ અનેરો છે. જુઓ દુહાગીર ગાય છે કે-
પડકારે પીઠ નંઈ, હૈયે મરવાની હામ;
એ મરદુનાં કામ, સાચું સોરઠિયો ભણે.
જે માણસ કોઈનો પડકારો સાંભળે અને પીઠ ન ફેરવે, પણ સામી છાતીએ હૈયામાં ખમી જવાની-મરી ફીટવાની હોંશ રાખીને નીકળી પડે એ મરદની ઓળખ છે. પડકારો એટલે પોકાર મદદ માટેનો, પછી એ કોઈ શિયળ ન લૂંટાવા દેનારી નારી હોય કે ગાયને હરી ન જવા દેવા માટેની હોય કે દુશ્મનો-વેરી ગામમાં રંજાડ કરવા આવી પહોંચ્યા હોય એવા સમયે જે પોતાની જાતને, સ્વને ભૂલી જાય છે એ મરદ છે, એમ સોરઠિયો કહે છે. અહીં માનવમાં રહેલો પરહિતાર્થે ખપી જવાની વૃત્તિનો મહિમા દુહામાં ગાયો છે અને આવા માણસને મરદાઈ-હિંમતથી સભર માણસનું બિરુદ મળેલું છે. આવા વ્યક્તિત્વનાં વખાણ થાય છે. બીજા દુહામાં પ્રગટતો બોધ જુઓ.
ભરજે ભડથી બાથ, રાંકને રંજાડીશ મા;
રાજી દીનોનાથ, સાચું સોરઠિયો ભણે.
અહીં દુહા દ્વારા માનવીને એવી સૂચના, એવો ઉપદેશ અપાયો છે કે તોરે જો કોઈને ભેટવું હોય, સંબંધ બાંધવો હોય તો જે કોઈ ભડવીર-વીર હોય એમને ભેટવું. જે કોઈ ગરીબ-રાંક છે એને પરેશાન-હેરાન ન કરવા. આવા વ્યવહારથી ઈશ્ર્વર રાજીપો અનુભવશે. સોરઠનો દુહાગીર સત્ય વાત જણાવી રહ્યો છે. મૂળભૂત વસ્તુ ભાઈબંધી, મૈત્રી ભડ નિર્ભિક વ્યક્તિત્વ સાથે રાખવી અને ગરીબોને પરેશાન ન કરવાનું અહીં કહેવાયું છે. સાચુકલો માનવ ધર્મ એમાં નિહિત છે.
બીજા એક દુહામાં આતિથ્યભાવના અને મહેમાન, અતિથિ પરત્વેના વ્ય્વહારનો નિર્દેશ છે. તે દુહો આસ્વાદીએ.
મેમાનુંને માન, જેણે દિલ ભરી દીધાં નંઈ;
મંદિર નંઈ મસાણ, સાચું સોરઠિયો ભણે.
આંગણે આવેલા અતિથિ, મહેમાનને પૂરા ભાવથી, હૃદયથી માન-સન્માન આપવાનું હોય. જે નથી આપતા, જે ઘરમાંથી આવું માન નથી આપી શકાતું એ ઘર મંદિર નહીં, પણ સ્મશાન છે. સોરઠનો દુહાગીર સત્ય વાત, વ્યવહાર કરી રહ્યો છે. આતિથ્ય સત્કાર એ આપણી સંસ્કૃતિ છે. એની જાળવણી થતી હોય એ ઘર મંદિર સમાન ગણાય એવો ભારતીય વ્યવહારભાવ અહીંથી પ્રગટે છે.
બીજા એક દુહામાં ભારતીય જન-વ્યક્તિની ઓળખ પ્રસ્તુત થઈ છે એ દુહો આસ્વાદીએ.
હાકલેથી હથિયાર પડે, થરથર જાંગું થાય;
ઈ કાયર નર કેવાય, સાચું સોરઠિયો ભણે.
કોઈની હાક, પડકાર સાંભળતાં જ જેમના હાથમાંથી હથિયાર પડી જાય અને થર-થર ધ્રુજારી થાય, કંપવા લાગે એ માણસ કાયર-બીકણ કહેવાય. સોરઠનો દુહાગીર ભારતીય નર-પુરુષની સાચી-ખરી ઓળખ આ રીતે આપે છે. શૌર્ય પ્રગટાવવું અને અભય રહેવું. બીક, ડર રાખવાનાં ન હોય એ આપણી ભારતીય-સોરઠી ઓળખ છે. સોરઠિયા નામથી દુહાગીરે કથેલા-આલેખેલા દુહા ભારતીય વ્યક્તિમત્તા, ભારતીય જીવનમૂલ્યો અને ભારતીયતાની ઓળખ સમાન છે. આપણી આઈડેન્ટિટી આપણે ન ગુમાવીએ એનું ભાન કરાવતા દુહાગીરો મોટા ઉપદેશક અને હિત પ્રબોધક છે. એમના દુહાનું મૂલ્ય આવા કારણથી કાયમ રહેવાનું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.