દુહાને ભારતીય સાહિત્યનું મુખ ગણાવી શકાય

ઇન્ટરવલ

દુહાની દુનિયા -ડૉ. બળવંત જાની

સરળ રસળતી શૈલીમાં અત્યારે પ્રાપ્ત દુહાનાં મૂળ અને કુળ પ્રાચીન પ્રાકૃત અપભ્રંશ ભાષાની કવિતમાં કળાય છે. જેને અભણ ગણવામાં આવે છે એનામાં પ્રાચીનને અર્વાચીનમાં ઢાળવાની આવડતનો પરિચય આજે પરંપરામાં પ્રચલિત દુહાઓ જણાયા છે. અનુવાદક કળા, કૌશલ્યના પરિચાયક દુહાઓ સંદર્ભે મારો સ્વાધ્યાય અહીં પ્રસ્તુત છે.
કંઠસ્થ પરંપરાના સાહિત્યની એક વિશિષ્ટતા એ છે કે એમાં સમયે સમયે રૂપાંતર થતાં રહે છે. એનું પલટાયેલું રૂપ અસ્તિત્વમાં રહે છે, પણ મૂળ રૂપ વિલાઈ જતું હોય છે, લય પામતું હોય છે. દુહો હજાર જેટલાં વર્ષથી પરંપરામાં જીવંત છે. સ્વાભાવિક રીતે જ હાલમાં પ્રાપ્ત જે રૂપ છે એ એનું પ્રાચીન રૂપ ન હોય, પણ એનું પગેરું શોધી શકાય. એનાં મૂળ-કુળની તપાસ કરવાથી કેવા કેવા પલટાઓમાંથી દુહો પસાર થતો રહ્યો એનો આછો પરિચય મળી રહે. આ પ્રાપ્ત રૂપ જ પ્રાચીન છે એમ નહીં, પણ કહી શકાય એનું મૂળ ખરું જૂનું રૂપ બીજું પણ હોય, વચ્ચે પણ આ રૂપાંતરો-પાઠાંતરો એને પ્રાપ્ત થયા હોય ખરા.
દુહો અનેક ભાષામાં, અનેક સમયે રચાતો રહ્યો છે. એ રીતે એને ભારતીય સાહિત્યનું મુખ ગણાવી શકાય. ભારતીય સંસ્કૃતિનું ઉદ્ઘાટન કરનાર સ્વરૂપ દુહો છે. કવિને દુહાના રૂપમાં વાત કહેવી વધુ ફાવે છે. લોકોને પણ એનું લઘુરૂપ વધુ ભાવે છે, ફાવે છે એટલે દુહો ભારે ઝડપથી સ્વીકૃતિ પ્રાપ્ત કરે છે. અહીં પ્રથમ કેટલાક પ્રાચીન પ્રાકૃત-અપભ્રંશ રૂપકના ગાથા તરીકે ઓળખાવાતા દુહા આલેખીને પછી એનું સાંપ્રત રૂપાંતર પણ સાથે મુકાયું છે. એ કારણે લોકસંસ્કૃતિમાં-લોકસાહિત્યમાં પણ અનુવાદનું કાર્ય કેવું કુનેહથી થાય છે એનો ખ્યાલ આવશે. થોડાં ઉદાહરણોથી આ મુદ્દો વિશેષ સ્પષ્ટ થશે.
એ ઈતિ ઘોડા એહ થલિ, એઈતિ નિસિઆ ખગ્ગ
એ-થ મુણીસિમ આણિઅઈ, જો ન વિવાલઈ વગ્ગ ॥
આ ઘોડા તે જ છે, સ્થળ પણ તે જ છે અને મ્યાનમાંથી કાઢેલી આ શત્રૂઓનું રક્તપાન કરનાર તરવારો પણ તે જ છે. એવા આ યુદ્ધક્ષેત્રમાં જેમણે પોતાના ઘોડાઓની વાધ ખેંચીને તેમને (શત્રુ પર પ્રહાર કરવા માટે) તેજ કર્યા નહિ; તેમને પહેલાંથી જ મૃત્યુતુલ્ય સમજવા જોઈએ.
આ દુહાને મળતો ચારણો દ્વારા જળવાયેલ કંઠસ્થ પરંપરામાં નીચેનો એક દુહો પણ મળે છે:
ભલ્લ ઘોડા વળ વંકડા, હલ્લ બાંધો હથિયાર
ઝાંઝાં ઘોડામાં ઝીંકવો, મરવું એક જ વાર ॥
આ દુહાએ મૂળમાંથી કેવું રૂપ મેળવી લીધું એના અનુવાદકની નામછાપ ભલે ન હોય, પણ કોઈક કોઠાસૂઝથી કેવું ઉત્તમ રૂપાંતર કે અનુસર્જન કર્યું છે એનો ખ્યાલ અહીંથી પ્રાપ્ત થાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ.
ભલ્લા હુઆ જ મારિઆ, બહિણિ મહારા કંતુ
લજ્જેજ્જન્તુ વયસિઅહુ, જઈ ભગ્ગા ઘરું એ તુ ॥
હે સખી, મારો પતિ યુદ્ધમાં કામ આવ્યો, ખપી ગયો તેને હું ગર્વ સમજું છું, કેમ કે જો તે રણસંગ્રામમાંથી ભાગીને ઘેર પાછો આવત તો (તારા જેવી) સખીઓ મને (તે બદલ) મહેણું મારીને લજ્જિત કરત.
આ દુહો આજે જીવંત પરંપરામાં રૂપાંતર સ્વરૂપે નીચે દર્શાવેલ રૂપે સાંભળવા મળેલ છે:
ભાગે તું મત કંથડા તું ભાગે મું ખોડ;
સરખા-સરખી સાહેલિયું, તાલી દે મુખ મોડ.
અહીં પણ ખૂબ ગાથાનો ભાવ ભારે ભાવથી અને ઊંડી સૂઝથી સ્થાન પામેલો જોવા મળે છે. બીજા એક અત્યંત પ્રચલિત ઉદાહરણને અવલોકીએ.
વાયસુ ઉડ્ડાવન્તિએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ
અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા કુટ્ટ તડત્તિ ॥
એક વિયોગિની સ્ત્રી કાગડાને ઉડાડવા લાગી કે મારો પિયુ આવતો હોય તો ઊડી જા. એટલામાં તો તેણે અચાનક પિયુને પ્રવેશતો જોયો એટલે હર્ષના આવેગમાં – આવેશમાં તેનું શરીર ફૂલી ગયું અને એ કારણે તેના હાથની ચૂડી નંદવાઈ ગઈ. ચૂડીનો અડધો ભાગ હાથે વળગી રહ્યો ને અડધો તૂટીને પડી ગયો.
આ દુહો ચારણી પરંપરામાં નીચે દર્શાવેલ રીતે સાંભળવા મળે છે:
કામન કાગ ઉડાવતી; પિયુ આયો ઝળકાં
આધી ચૂડી કર લગી, આધી ગઈ તડકાં ॥
એક જ ભાવ કેવો આગવી રીતે અભિવ્યક્તિ પામ્યો તેનું ઊજળું ઉદાહરણ અહીં દૃષ્ટિગોચર થાય છે. હજી એક છેલ્લું ઉદાહરણ અવલોકીએ:
પુત્તેં જાએ ક્વણુ ગુણ, અવગુણ ક્વણુ મુએણ
જા બપ્પી કી ભુંહડી, ચંપિજ્જઈ અવરેણ ॥
એવા પુત્રના જન્મથી શો લાભ અને મરણથી પણ શી ખોટ? કે જેના હોવા છતાં તેના પિતાશ્રીની મિલકત પર કે ધરતી પર બીજાનો અધિકાર થાય. આ દુહાનું સાંપ્રત રૂપ નીચે પ્રમાણે છે:
બેટો જાયાં ક્વણ ગુણ, અવગુણ ક્વણ ધિએણ
જા ઊભાં ઘર અપ્પણી, ગંજીજૈ અવરેણ ॥
એવા પુત્રના જન્મથી શો લાભ અને તેના બદલે પુત્રી જન્મી હોય તો પણ શું ખોટું થાત કે જેના હોવા છતાં પણ તેની પોતાની માલિકીની જમીન પર બીજાનો અધિકાર થવા પામે. મધ્યકાલીન ભાવસામગ્રીને પણ અર્વાચીન ભાષારૂપમાં દૃષ્ટિપૂત રીતે આલેખવાની આવડતનું દર્શન અહીં થાય છે. યુગ બદલાતાં પણ એમાં રહેલો ભાવ તો શાશ્ર્વત જ છે. મૂળ વસ્તુ છે માલિકીપણાની. પોતાનું ઝૂંટવા માટે કોઈ પ્રવૃત્ત હોય અને પોતાના શૌર્યનો પરચો ન બતાવે એવા પુત્ર કરતાં તો એનાથી વંચિત હોઈએ તો પણ શું?
પ્રશ્ર્નાર્થને પ્રયોજીને પણ કથનમાં સાધેલું સૌંદર્ય, મૂળ ભાવની માવજત કરીને પોતાની કર્તૃત્વશક્તિ, સર્જકપ્રતિભાનો પરિચય આ દુહાગીરોએ કરાવ્યો છે. ભલે અનુવાદના ઈતિહાસવિદો, અભ્યાસી એના સિદ્ધાન્તવિવેચકો આ પ્રાચીન પરંપરાને એના સ્વાધ્યાયમાં સ્થાન ન આપે તો પણ અનુવાદનો ઈતિહાસ પાયો તો મધ્યકાલીન અને લોકસાહિત્ય પરંપરામાં દૃષ્ટિગોચર થતો હોઈને દુહાગીરો આદ્ય અનુવાદકો છે એમ કહેવામાં અતિમૂલ્ય નથી અંકાતું, પણ ખરો મહિમા મુકાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.