અર્થપૂર્ણ વર્ણ યોજનાથી શોભતા દુહા

ઇન્ટરવલ

દુહાની દુનિયા-ડૉ. બળવંત જાની

બાપલભાઈ ગઢવીનું લોકવાર્તાના આલેખક અને કથક તરીકે બહુ મોટું નામ. એમના રચેલા દુહા પણ ઊર્મિ નવરચનામાં હું વાંચતો ત્યારે મારી નોંધપોથીમાં સંગ્રહી લેતો. ઝાલાવાડના બે સમર્થ ચારણી વાર્તાકથકોમાં એક, બચુભાઈ અને બીજા, આપલભાઈ. એવા જ સમર્થ વાતડાહ્યા ચારણ વિદ્વાન લાભુભાઈ ભાંચળિયા. ચારણો દ્વારા રચાયેલા દુહાનો મારી પાસે અલગથી વિભાગ છે. દુહાને વિચારનો અને અભિવ્યક્તિનો કલાત્મક વળોટ સહજ રીતે અર્પવા તેઓ સમર્થ હોય છે. વર્ણ યોજનાની જાળવણી પણ ભારે અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી હોય છે. બાપલ ગઢવીકૃત દુહા આસ્વાદીએ.
બાપલ કે નો બાંધીએ, કદીએ કૂડા કરમ
રહ્યું સહ્યું રાખીએ, ધરતી માથે ધરમ
માણસે તેના જીવનકાળ દરમ્યાન કૂડ-કપટભર્યા કામનું ભાથું ન બાંધવું. જે કંઈ રહ્યો-સહ્યો ધર્મ છે તેને ધરતી પર પોતાનાથી જાળવી શકાય એ જ મોટું પ્રદાન. અહીં પ્રથમ પંક્તિના પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં ‘બ’ વર્ણનું અને ‘ક’ વર્ણનું આવર્તન તથા બીજી પંક્તિમાંના પૂર્વાર્ધ-ઉત્તરાર્ધમાં જળવાયેલું ‘ર’ અને ‘ધ’નું આવર્તન કેટલું અર્થપૂર્ણ છે. જનસમુદાયને મૂલ્યબોધ પીરસવાનું કામ ચારણોનું પ્રથમ અને પ્રાથમિક કર્તવ્ય ગણાયું છે. આવો જ મૂલ્યબોધ પ્રગટાવતો બીજો દુહો આસ્વાદીએ. બાપલ ગઢવી ગાય છે કે…
બાપલ જેણે કર્યાં બહુ, કાયમ અવળાં કામ
નશા ગયા છે નીકળી, નકશામાંથી એનાં નામ
જે માણસે સતત, નિરંતર, કાયમ ખૂબ જ અવળાં કામો કર્યાં હોય એ બધાનો નશો, કેફ નીકળી ગયો છે. સજ્જનોની યાદીમાંથી-નકશામાંથી એમનું નામ નીકળી ગયું હોય છે. રદ થઈ જતું હોય છે. આવા દુરાચારી માણસોને કોઈ કાયમ યાદ રાખતું હોતું નથી. અહીં પ્રથમ પંક્તિના પૂર્વાર્ધ-ઉત્તરાર્ધમાં ‘બ’ અને ‘ક’નું આવર્તન તથા બીજી પંક્તિમાં ‘ન’ બધે જ આવર્તન જળવાયું છે. દુહાગીર તરીકે બાપલભાઈની આ ભારે મોટી વિશિષ્ટતા છે.
બાપલભાઈ દુહા દ્વારા સમાજ પ્રબોધન ભારે અસરકારક રીતે કરે છે. એનું ઊજળું ઉદાહરણ આ દુહો છે…
સમજ્યા ને ચેતી સર્યા, નર થઈ ગ્યા ન્યાલ
અણસમજુના અવનીમાં, બાપલ બૂરા હાલ
જે માણસો સમજીને ચેતીને ચાલ્યા એ બધા ન્યાલ થઈ ગયા. જે અણસમજુ છે એના આ પૃથ્વી પર ભારે ખરાબ હાલ-હવાલ થતા હોય છે. બાપલભાઈનું દુહામાં વર્ણ યોજનાનું કૌશલ્ય એમની સર્જનાત્મક દૃષ્ટિનું પરિચાયક છે. એમનો માનવ જીવનની જિંદગી ટૂંકી છે અને એમાં બધાં કાર્યો આટોપવાનાં હોય છે એ ભાવને પ્રગટાવતો બીજો એક દુહો આસ્વાદીએ…
બાપલ આયુષ ગઈ બહોત, રહી સહી છે રાત
હજી બાજી છે હાથમાં, પછી પસ્તાશો પરભાત
બાપલ ગઢવી કહે છે કે આયુષ્ય ઘણું નીકળી ગયું. હવે બહુ થોડી રાત, સમય બાકી રહેલ છે. હજુ પણ બાજી હાથમાં છે. ઈશ્ર્વર સ્મરણમાં લાગી પડો. નહીંતર પછી પસ્તાવાનો સમય આવશે. પરભાત થશે યાને અંત આવશે.
યમક સાંકળી રચવાનું, વર્ણાનુપૂરક, વર્ણસગાઈ યોજવાનું કૌશલ્ય જેમણે સહજ રીતે કેળવ્યું છે એવા બાપલ ગઢવી સમાજપ્રબોધન ભારે અસરકારક રીતે કરતા જણાય છે.
ગુજરાતી ચારણી દુહા પરંપરામાં બાપલ ગઢવીકૃત દુહાનો વિગતે અભ્યાસ કરવા જેવો છે. એમણે લોકવાર્તા આલેખનમાં પણ વચ્ચે વચ્ચે દુહા વણી લીધા છે, રચ્યા છે. બાપલભાઈના દુહા અને બાપલભાઈ રચિત-કથિત લોકકથાઓ ગુજરાતનું સંસ્કાર ધન છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.