Homeધર્મતેજઋષિ દુર્વાસાના શ્રાપથી ત્રણે લોક શ્રીહીન થઈ જાય છે

ઋષિ દુર્વાસાના શ્રાપથી ત્રણે લોક શ્રીહીન થઈ જાય છે

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: પાતાળ લોકમાં અસુરોનો વિનાશ કરી માતા પાર્વતી અશોકસુંદરીને કૈલાસ લઈ આવે છે. સામે અસુર પક્ષે રાજાબલીને પોતાની તરફ ખેંચવામાં સફળ થતાં અસુર પિતામહ વજરાંક અને તેમનું સૈન્યમાં ઉત્સાહનું મોજું ફરી વળે છે. તેઓ દેવોનો કોઈપણ રીતે હરાવી સ્વર્ગલોક પર શાસન કરવા પૂર્વતૈયારીરૂપે તેઓ દક્ષિણના અસુર ત્રિપાદને બોલાવે છે. અસુર ત્રિપાદ ઉપસ્થિત થતાં વજરાંક તેને કહે છે કે, દેવોને સ્વર્ગલોકથી નિષ્કાષિત કરવા તમારો અને રાજા બલીનો સહકાર અમને જોઈશે. રાજા બલી સહકાર આપવા તૈયાર છે.
અસુર ત્રિપાદ કયા પ્રકારના સહકારનું પૂછતા વજરાંક જણાવે છે કે દક્ષિણના અસુરોને નિયંત્રિત કરવા મહાદેવે દેવ સેનાપતિ કુમાર કાર્તિકેયને દક્ષિણમાં મોકલ્યા છે, અમે ઇચ્છીએ છીએ કે અમારું સૈન્ય રાજાબલીના સૈન્ય સાથે દેવગણો પર આક્રમણ કરીએ ત્યારે તમે પણ દક્ષિણના પ્રદેશ પર આક્રમણ કરો, જેથી સેનાપતિ કુમાર કાર્તિકેય તમારી સાથેના યુદ્ધમાં વ્યસ્ત રહેવાથી અહીં ન આવી શકે, અને અમે દેવગણો પર વિજયી મેળવી શકીએ. અસુર ત્રિપાદને યોજના યોગ્ય લાગતાં પોતાના સૈન્ય સાથે દક્ષિણના પ્રદેશો પર આક્રમણ કરે છે. આક્રમણ થતાં જ દક્ષિણનું સૈન્ય સૈનાપતિ મુરુગન (કુમાર કાર્તિકેય)ની આગેવાનીમાં આક્રમણનો સામનો કરે છે.
બીજી તરફ અસુર પિતામહ વજરાંક સેનાપતિ ગદાપિને તેમના સૈન્યને આક્રમણ કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપે છે અને રાજા બલીને પણ તેમના સૈન્ય સાથે આક્રમણ માટે તૈયાર રહેવાનો આદેશ આપે છે. તો બીજી તરફ સ્વર્ણપૂરમાં કમલાક્ષ, રજતપૂરમાં તારકાક્ષ અને લોહપૂરમાં વિદ્યુનમાલી પોતાને સુરક્ષિત સમજે છે, પણ દર વરસે એક ક્ષણ એવી આવે છે જ્યારે ત્રણે પૂર સમાંતર રેખામાં આવતાં હોય છે અને એ જ ક્ષણે ભગવાન શિવ ત્રણે પૂરનો વિનાશ કરી શકે એ વાતનું જ્ઞાન પણ તેમને હોય છે.
ત્રિઅસુર કમલાક્ષ, તારકાક્ષ, વિદ્યુનમાલી ઇચ્છતા હોય છે કે ત્રણે પૂર એક સમાંતર રેખામાં ક્યારેય ન આવે પણ એ તેમના હાથમાં ન હોવાથી અસ્વસ્થ થાય છે.
કમલાક્ષ સુવર્ણપૂરની ગતિ વધારી દે છે
અને વિદ્યુનમાલી લોહપૂરની ગતિ ઓછી
કરી દે છે જેથી એક ક્ષણના દસમા
ભાગમાં જ તેઓ સમાંતર રેખાથી બહાર આવી જાય, સામે ભગવાન શિવ પણ તેમના સમાંતર રેખામાં આવવાની પ્રતિક્ષા કરતા
હોય છે.
સુવર્ણપૂરથી કમલાક્ષને દૃશ્યમાન થાય છે કે ભગવાન શિવ તેમના ધનુષ્યની પ્રત્યંચા ચઢાવીને તૈયાર છે, તેઓ બાણ છોડવાની તૈયારીમાં જ છે તે વિદ્યુનમાલીને આદેશ આપે છે કે લોહપૂરની ગતિ બંધ કરી દે પણ વિદ્યુનમાલી લોહપૂરની ગતિને બંધ જેવી કરવામાં સફળ થાય છે પણ બંધ કરી
શકતો નથી અને ત્રણે પૂર એક સમાંતર રેખામાં આવતા ભગવાન શિવના
ધનુષ્યમાંથી નીકળેલું બાણ ક્ષણના
બીજા ભાગમાં ત્રણે પૂરોનો વિનાશ
કરતાંં કમલાક્ષ, તારકાક્ષ, વિદ્યુનમાલીનું
પતન થાય છે. દેવગણો ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનો જયજયકાર કરે છે.
* * *
અવકાશમાં આવેલા ત્રિપૂરનો નાશ થતાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી અને સમગ્ર દેવગણો પૃથ્વી પર અવતરણ કરે છે.
ભગવાન વિષ્ણુ: ‘મહાદેવ તમે સંસાર સમક્ષ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે કે ધર્મના નામ પર કોઈપણ અધર્મ કરશે તો તેને દંડ અવશ્ય મળશે, પછી તે શિવ ભક્ત કેમ ન હોય.
ભગવાન શિવ: ‘આ ધર્મને સ્થાપિત કરવાના કામમાં દેવગણોનો સાથ ખૂબ આવશ્યક હતો.’
ભગવાન વિષ્ણુ: ‘જે સ્થાનના
અવકાશ પર મહાદેવ દ્વારા ત્રિપૂર પર વિજય મેળવ્યો તેને આજથી ઉજ્જૈન તરીકે ઓળખાશે. ઉજ્જૈન એટલે ઉત્કર્ષપૂર્ણ વિજયની ભૂમિ.’
બ્રહ્માજી: ‘મહાદેવ તમે સંસારને ત્રિપૂરના આંતકથી સુરક્ષિત કર્યા હોવાથી સંસારવાસીઓ તમને ત્રિપૂરારી તરીકે પણ ઓળખશે.’
દેવગણો ભગવાન શિવનો જયજયકાર કરે છે અને ઉલ્લાસપૂર્વક પોતપોતાના ધામે વિદાય લે છે.
* * *
સામે અસુર પક્ષે અસુર પિતામહ વજરાંકનું મનોબળ તૂટી જાય છે અને તે રાજાબલીને મળવા જાય છે. ત્રિપૂરનો નાશ અને
કમલાક્ષ, તારકાક્ષ, વિદ્યુનમાલીના મૃત્યુના સમાચાર સાંભળી અસ્વસ્થ રાજા
બલીને અસુર પિતામહ વજરાંક સાથે
ચર્ચા કરવાનો ઉત્સાહ રહેતો નથી, તેઓ વજરાંકને ન મળવાનું બહાનું શોધી મળવાનું ટાળે છે.
અસુર પક્ષે ત્રિપાદ દક્ષિણમાં જઈ કુમાર કાર્તિકેય અને રાજા નમ્બી પર આક્રમણ કરવાની યોજના બનાવે છે અને પોતાના સૈન્ય સાથે આગેકૂચ કરે છે. કુમાર કાર્તિકેય અને રાજા નમ્બી પોતાના સૈન્ય સાથે ત્રિપાદના સૈન્ય સમક્ષ ઊભા રહી જાય છે. કુમાર કાર્તિકેય સામે આવતાં જ અસુર ત્રિપાદ ત્રાડ પાડે છે.
અસુર ત્રિપાદ: ‘કુમાર કાર્તિકેય, સારું થયું તું અમારી સમક્ષ જ ઊભો છે તને શોધવામાં મારો સમય વ્યર્થ નહીં થાય.’
કુમાર કાર્તિકેય: ‘ત્રિપાદ તારા જેવા અસંખ્ય અસુરો મને મારવાની અતૃપ્ત ઈચ્છા લઈને આવ્યા પણ પોતે જ મૃત્યુ પ્રાપ્ત કરી ચાલ્યા ગયા, હજી સમય છે પૃથ્વીવાસીઓને રંજાડવાનું છોડી ભગવાન શિવના શરણે ચાલ્યા જાઓ, કલ્યાણ થશે.’
અસુર ત્રિપાદ: ‘કાર્તિકેય, મારી નજરોથી દૂર થઈ જા અન્યથા તારું મૃત્યુ નિશ્ર્ચિત છે.’
કુમાર કાર્તિકેય: ‘એ ન ભૂલો અસુર ત્રિપાદ કે ધર્મ અને અધર્મના યુદ્ધમાં ધર્મનો વિજય નિશ્ર્ચિત છે, ધર્મ પર ચાલનારા મૃત્યુને પોતાનો પુરસ્કાર સમજે છે.’
અસુર ત્રિપાદ: ‘તો એ પુરસ્કાર તને જરૂર મળશે કાર્તિકેય, તારો વધ કરીશું એનો અર્થ એ થયો કે મહાદેવનો પરાજય. સૈનિકો આક્રમણ…’
કુમાર કાર્તિકેયના આગેવાનીમાં રાજા નમ્બીનું સૈન્ય અને અસુર ત્રિપાદની આગેવાનીમાં તેમના સૈન્ય વચ્ચે ભિષણ યુદ્ધ થાય છે અને અંતે કુમાર કાર્તિકેયના હાથે અસુર ત્રિપાદ મૃત્યુને વરે છે.
અસુર ત્રિપાદને થયેલા મૃત્યુથી તેનું સૈન્ય ભયભીત થઈ જાય છે અને ત્યાંથી પલાયન થઈ જાય છે. વિજય થયેલા રાજા નમ્બીનું સૈન્ય સેનાપતિ મુરુગન (કુમાર કાર્તિકેય)નો જયજયકાર કરે છે.
કુમાર કાર્તિકેય તેમનો આભાર માનતા કહે છે કે, ‘આ મારો નહીં તમારો વિજય છે, મારા માતાપિતાના આશિર્વાદથી
મળેલો વિજય છે, તેમના આશિર્વાદ વગર હું આ યુદ્ધ જીતી જ ન શકું, તમે મારો નહીં ભગવાન શિવ અને માતા પાર્વતીનો જયજયકાર કરો.’
* * *
કૈલાસ ખાતે દેવગણો દ્વારા ભગવાન
શિવ અને ભગવાન વિષ્ણુનો જયજયકાર થયો હોવાથી દેવરાજ ઈન્દ્ર નારાજ થાય છે તેઓ સ્વર્ગલોક પહોંચી અન્ય દેવગણોને
કહે છે:
દેવરાજ ઈન્દ્ર: ‘આવી ગયા અન્યોનો જયજયકાર કરી.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમે શું બોલો છો તેનું ભાન છે?’
દેવરાજ ઈન્દ્ર: ‘હાં ગુરુદેવ, હું પૂર્ણ જાગૃત અવસ્થામાં છું, તમારો જયજયકાર
કોઈએ કર્યો? આ યુદ્ધમાં આપણું યોગદાન શું મહાદેવ કરતાં ઓછું હતું? શું
ત્રિપૂરના વિનાશમાં અને ત્રિઅસુર કમલાક્ષ, તારકાક્ષ, અને વિદ્યુનમાલીના અંતમાં
આપણું યોગદાન નથી? અને જો આપણું યોગદાન હોય તો આપણો જયજયકાર કેમ નહીં?’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમારી વિચારધારા પર મને દયા આવે છે, પૂર્ણત: ભાનમાં આવો અન્યથા તમારું પતન
નિશ્ર્ચિત છે.’
દેવરાજ ઈન્દ્ર: ‘નહીં ગુરુદેવ, આપણું યોગદાન કાંઈ ઓછું નહોતું, હું……’
આટલું સાંભળતા જ ત્યાંથી પસાર
થતાં દુર્વાસા મુનિ ક્રોધિત થાય છે અને કહે છે:
ઋષિ દુર્વાસા: ‘હું…. મેં…. મારું એનાથી ઉપર ઉઠો દેવરાજ. તમે જે સિંહાસન પર બેઠા છો તેના હકદાર તમે નથી.’
દેવરાજ ઈન્દ્ર: ‘મર્યાદામાં રહો ઋષિ દુર્વાષા.’
ઋષિ દુર્વાસા: ‘જેને મર્યાદાનું ભાન જ ન હોય એ મર્યાદાની વાત કઈ રીતે કરી શકે? હું હું હું એવું અહંકાર રાખનાર રાજા કેવી રીતે રહી શકે?’
દેવરાજ ઇન્દ્ર: ‘નહીં ઋષિ દુર્વાસા, જો મને પણ અન્ય દેવગણોની શક્તિ મળી હોત તો મેં પણ મહાદેવની જેમ ત્રિપૂરનો નાશ કર્યો હોત.’
ઋષિ દુર્વાસા: ‘જો તમને તમારી
શક્તિ પર આટલું ઘમંડ છે તો હું ત્રણે લોકને શ્રાપ આપું છું કે, ત્રણે લોક શ્રીહિન થઈ જશે.’
* * *
ઋષિ દુર્વાસાના મુખેથી શ્રાપ નીકળતાં જ ત્રણે લોક શ્રીહિન થઈ જાય છે. (ક્રમશ:)

RELATED ARTICLES

Most Popular