શાણાવાકીયા ગામે સ્મશાનમાં ખાટલાના અભાવે મૃતકોના શબને અંતિમ સંસ્કાર આપવામાં પડતી મુશ્કેલી

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ઊના: ગીરગઢડાના શાણાવાકીયા ગામે નવું બનાવેલ સ્મશાન ઘાટમાં મૃતક લોકોના શબને અંતિમ સંસ્કાર કરવા માટે રાખવામાં આવતા સ્મશાનના ખાટલાજ ન હોવાના કારણે ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ સ્મશાનમાં જૂનો ખાટલો તૂટી ગયેલ હોય લોકો મૃતદેહને પથ્થરો પર લોખંડની પ્લેટ મૂકી અંતિમ સંસ્કાર કરતા હોય છે. જેના કારણે આખરી મંઝિલ પર જતાં માનવીની અંતિમક્રિયા વિધિ પણ સંતોષકારક થતી નહીં હોવાથી ચિંતાનો વિષય બની ગયેલ છે. શાણાવાકીયા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા વિકાસ કામોની વાતો કરે છે. પરંતુ આ ગામની અંદાજિત બે હજારની વસ્તી વચ્ચે નદી કાંઠે આવેલ એક માત્ર સ્મશાન ઘાટમાં અંતિમ ક્રિયા માટેનો ખાટલો પણ નાખવામાં બેદરકારી રખાતી હોય જેના કારણે સમગ્ર ગામજનોમાં આવા
સત્તાધીશો સામે ફિટકારની લાગણી ફેલાઇ રહી છે. અને અનેક સવાલો ઊઠી રહ્યા છે. પંચાયતની ગ્રાન્ટ માંથી નવું સ્મશાન ઘાટ બનાવી નાખવામાં આવેલ છે. પરંતુ એક માત્ર ખાટલો ફિટ કરવાની આળસના કારણે સ્મશાન ઘાટની અંદર આવતા શબના અંતિમ સંસ્કાર માટે કોઇ વ્યવસ્થા નહી હોવાના અભાવે ડાઘુઓ મૃતક શબને પથ્થરો તેમ જ ત્યાં પડેલી જુની લોખંડની પ્લેટને સહારે અંતિમક્રિયા મહામુસીબતે કરતા હોય છે. આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અને હોદેદારોને રજૂઆત કરવા છતાં આંખ આંડા કાન ધરી રાજકીય રોટલા સેકતા હોય અને ખાટલા માટે વનવિભાગના માથે દોષનો ટોપલો ઢોળતા ગત તા.૨૦ જુલાઇના રોજ શાણાવાકીય ગામે મળેલી ગ્રામસભામાં લોકો દ્વારા આ પ્રશ્ર્ન ઉઠાવેલ હતો. તેમ છતાં પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાયેલ નહી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે પંચાયત સરપંચ ખતાભાઇ જેઠવાનો સંપર્ક કરતા તેણે જણાવેલ કે વનવિભાગ પાસે સ્મશાન ખાટલા નહી હોવાથી ફિટ કરાયેલ નથી. અને ત્રણ વર્ષ પહેલા જૂની પંચાયત બોડી વખતે આ નવું સ્મશાન બનાવેલ હતું. તેમાં નવો ખાટલો આવેલ હતો. તે ફિટ થયેલ નહીં અને કોઇ ઉપાડી ગયેલ હતા.
દરમિયાન પંચાયતના સરપંચના જણાવ્યા મુજબ ૧૪મા નાણાપંચના આ કામગીરીનો સમાવેશ કરાયેલ નથી અને પંચાયત કચેરી પાસે સ્વભંડોળ નહીં હોવાથી આ સ્મશાન ૨૦ વર્ષ જૂનું અંતિમ સંસ્કાર કરવાનો ખાટલો તૂટી ગયેલ છે. તે બદલવા પંચાયતની જવાબદારી હોવાનું સ્વીકારી જણાવેલ કે અમે જંગલખાતામાં સ્મશાન ખાટલા મગાવતા હોય ત્યાં લખાવેલ છે. અને વનવિભાગ પાસે આવતા જ નવો ખાટલો ફિટ કરવાની વ્યવસ્થા કરીશું. હાલ આ સ્મશાનમાં પથ્થર મૂકી જૂનું પાંજરું માથે રાખી અંતિમ સંસ્કાર વિધિ અપાય છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.