તસવીરની આરપાર -ભાટી એન.
આય ટ્રેઈન દ્વારા ઓખા-મુંબઈવાળી બ્રોડગેજ લાઈનમાં મુસાફરી કરી રહ્યા છો તો વચ્ચે ઝાલાવાડના પાટનગરસમું સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન આવવાની તૈયારી હશે ત્યારે બે કિ.મી. દૂર વિશાળ મંદિર અને ગેઈટ નિહાળવા મળશે. નાના ગામની વચ્ચે આવેલ આ વિશાળ મંદિરના દૂરથી દર્શન રોજના હજારો યાત્રાળુઓ મુસાફરી દરમ્યાન કરી ધન્યતા અનુભવતા હશે. પણ આ ભવ્યતાતિભવ્ય દિવ્યમંદિર એટલે “શ્રી વડવાળા મંદિર-દુધરેજની જગ્યા સારાયે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ જ પ્રચલિત છે. અંદાજે ૫૦૦ વર્ષ જૂની પ્રાચીન સંસ્થામાં ઘણા બધા આચાર્યોએ પોતાની ઉત્તમોત્તમ સેવા આપી છે. તેવા સંતોની સમાધી સ્થાન પણ મંદિરની બાજુમાં આવેલ છે. વિશાળ ચોકની વચ્ચે આવેલ વડવાળાનું મંદિર અતિ પ્રાચીનતમ છે. સુરેન્દ્રનગર જિલ્લાનું દૂધરેજ ગામમાં આવેલ વડવાળા મંદિર ૧૦૦ ડ્ઢ ૭૫ ફૂટની લંબાઈ-પહોળાઈ ધરાવતા ભવ્ય મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૪-૨-૯૪ના રોજ શતાપ્દી વર્ષ નિમિત્તે વિશાળ મહોત્સવ યોજવામાં આવેલ. બે કિ.મી. સુધીનો વિશાળ મંડપો દ્વારા સમિયાણો નાખવામાં આવેલ જેમાં સારાયે ગુજરાત-રાજસ્થાન-કચ્છના લાખો રબારીઓની સંખ્યામાં હાજરી જોઈ અચરજ થઈ જવાયું આ મહોત્સવમાં કચ્છી રબારીઓ પોતાનાં આભૂષણોમાં સજ્જ થઈને આવેલ. તેની હાજરી વિશેષ લાગતી હતી વડવાળાની જગ્યાને માનનાર વર્ગમાં રબારી મોટા પ્રમાણમાં છે. તેની એક માન્યતા અનુસાર મહાભારતકાળમાં થઈ ગયેલા પ્રખ્યાત પાંડુપુત્ર મહારાજા યુધિષ્ઠિરે રાઈકા જાતીને દેશાઈની માનવંતી પદ્વી આપેલ. આ રાઈકા કે દેશાઈ રબારી ભરવાડ વગેરે જાતીઓ આ આશ્રમને પ્રતિવર્ષ ટેલ કે ગુરુભેટ આપે છે. જેમાં આ મંદિરનો નિભાવ ખર્ચ અને અન્નક્ષેત્ર ચાલે છે. ૧૯૯૪માં યોજાયેલ મહોત્સવમાં શંકરાચાર્ય, ગુજરાતની ખ્યાતનામ જગ્યાઓના મહંતો, મોરારિબાપુ હરિયાણી, જેવા સંતો-મહંતોની વિશાળ હાજરી હતી. આ મહોત્સવ જોતા આ જગ્યાની કેટલી ખ્યાતિ કીર્તિ હશે તેનો આછેરો ખ્યાલ આવી ગયેલ સદ્ભાગ્યે મને પણ આ મહોત્સવમાં ફોટોગ્રાફી કરવાનો મોકો મળતા ગ્રામ્યજીવનની સારી એવી ફોટાગ્રાફી મે પણ કરેલ શ્રી રામીય વૈષ્ણવોના ધર્મ ધામસમુશ્રી વટપતિ (વડવાળા-દેવ) ભગવાનનું આશ્રય સ્થાન આવેલ છે. તેમનાં આરાધ્યદેવ અયોધ્યા-પતિ શ્રી ભગવાન શ્રી રામચંદ્રજી છે અને તે શ્રી વગપતિ કે વડવાળાના નામે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. પટાંગણની મધ્યમાં શિલ્પકલાની અત્યંત કમનીય કલાકારીગરીના ધામસમુ ભગવાનશ્રી વટપતિ (રામ)નું મંદિર શોભી રહ્યું છે. પૂર્વ તરફ વિશાળ વટવૃક્ષના દર્શન થાય છે. આ આશ્રમના પ્રથમાચાર્યશ્રી ષટપ્રજ્ઞ સ્વામીજીએ ‘વડ’ના દાતણની ચીરવાવી તેને નિયમિત દૂધ પાતા તે ચીર આજે વિશાળ વડનું ઝાડ ઘટાઘેઘુર આવા તડકામાં સુંદર છાયો આપે છે અને વડને દૂધ પાઈને મોટો કરેલ તેથી ગામનું નામ ‘દૂધરેજ’પાડવામાં આવેલ છે?!
શ્રી દૂધરેજ વડવાળા મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરમાં પ્રવેશવા માટે ત્રણ પ્રવેશદ્વાર છે. જેમાં દક્ષિણમાં હસ્તિદ્વાર શોભે છે. ઉત્તરમાં નંદી દ્વાર, પૂર્વમાં સિંહદ્વાર છે. ઈશ્ર્વરશરણમાં જવા માટે ઉદારતાથી આવેલ આ ત્રણ માર્ગ છે. તો વળી એવું લાગે છે કે કામ, ક્રોધ અને લોભના ત્રિવિધ ગુણોથી બચવા માનવી ઘણા સમયથી પ્રયત્નશીલ છે. જેથી આ દુર્ગુણોને ભુલવા અને પાવન થવા માટેનું પવિત્ર સ્થળ છે. મંદિરના વચ્ચેના ભાગે મુખ્ય મૂર્તિમાં લક્ષ્મણ, જાનકી છે. બાજુમાં પંચદેવ શ્રી વડવાળા રામ, સીતા, રાધા શ્રીકૃષ્ણ, રણછોડજી તેની બાજુમાં ષટપ્રજ્ઞદાસજી સ્વામીની આરસની મૂર્તિ છે. તેની બાજુમાં વટેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલ છે. બધાં મંદિરોને હિંડોળાકમાન (દરવાજા) ચાંદીના છે. જેમાં કલાત્મક કોતરણી કરેલ છે. મંદિરના બન્ને બાજુ વિશાળ કાચ (મિરર) રાખવામાં આવેલ છે. જેથી મંદિરની વિશાળતા બમણી લાગે છે. ખૂબ જ પ્રાચીન મંદિરને સુંદર મજાના ઓઈલ પેઈન્ટથી અલગ-અલગ રંગવૈભવથી ડિઝાઈન કરવામાં આવેલ છે. આ મંદિરમાં ૬૪ સ્તભો આવેલ છે. નીચેના ભાગે આરસપથ્થરની કલાત્મક લાદી નાખવામાં આવેલ છે. મંદિરના ભાગમાં પ્રવેશતા પહેલા ગણપતિ અને હનુમાનજીનું મંદિર આવેલ છે. જેની વિશાળ દીવાલો પર ધ્રાંગધ્રાના ખ્યાતનામ ચિત્રકાર હાતિમ બેલિમ દ્વારા રામ-લક્ષ્મણ-જાનકી-શત્રુઘ્ન-ભરત અને બીજી દીવાલમાં મહાભારતના યુદ્ધનું રમખાણનું આબેહૂબ તૈલીચિત્ર આલેખેલ છે. મંદિરની બાજુમાં મંદિરના ગાદીપતિઓની સમાધિસ્થાન આવેલ છે. જેમાં મુખ્ય સમાધિ ષટપ્રજ્ઞદાસજીની છે. તે સાથે ૧૮ ગાદીપતિઓ થઈ ગયા તેની નામાવલી નીચે મુજબ છે.
(૧)ષટપ્રજ્ઞદાસજી (૨) બદ્ધરામજી (૩) રત્નદાસજી (૪) માનદાસજી (૫) કૃષ્ણદાસજી (૬) ઓધવદાસજી (૭) ગોકુલદાસજી (૮) ભાવદાસજી (૯) ગુલાબદાસજી (૧૦) કેવળદાસજી (૧૧) મેઘદાસજી (૧૨) યમુનાદાસજી (૧૩) ગંગારામજી (૧૪) ગોવિંદરામજી (૧૫) રઘુવરદાસજી (૧૬) જીવરામદાસજી (૧૭) ગોમતીદાસજી (૧૮) કલ્યાણદાસજીબાપુ જે હાલના મહંતના લઘુમહંત કણીરામબાપુ વડવાળા મંદિરનો સુંદર વહીવટ સંભાળે છે.
વટપતિ આશ્રમમાંથી ઊતરી આવેલી જગ્યાઓ ટીટોડા, સેરથા, ઝાક, ડાકોર, ચાંદોદ, બાળસાસણ, રાજપર, ડુંગર, હાથીજણ, ખેરંટી, જૂનાગઢ, દુધઈ, મેસરીયા, ખરણા, ચમારજ, દેત્રોજ, ગેબીટીંબા, મટીસણા, ધણાદ, કુંતલપુર, ધુણા, થાન, દેવળીયા, સઈજ, ઉપલેટા, સાણંદ, સૂરજદેવળ, જેવી વિવિધ જગ્યાઓ છે. વડવાળા મંદિરની ઘણા બાધા-માનતા રાખે છે અને પોતાની મનોકામના પૂર્ણ પણ થાય છે. જેમાંથી અમુકવર્ગને સંતાન હોતા નથી તો તેને ત્યાં પારણું બંધાય અને પુત્રનો જન્મ થાય તો તે પુત્રને વડવાળાની જગ્યામાં સેવા કરવા માટે આપી દઈશ તેથી અહીં ઘણાં બાળકોને નાનપણથી આ જગ્યામાં મૂકી જાય છે…! અહીં બહેરા-લુલા-સુરદાસ છે. અહીં ૧૦૦ જેટલા સેવકો છે. વડવાળા મંદિરની બાજુમાં ગૌશાળા આવેલ છે. મંદિરની પાછળ તળાવ આવેલ છે. જેથી કુદરતી સૌંદર્યનો નિખાર વધુ નિહાળવા મળે છે. અહીં રોજના બસ દ્વારા અને અન્ય યાત્રાળુઓ મોટી સંખ્યામાં નિત્ય આવે છે. યાત્રાળુઓને રહેવાની-જમવાની સુવિધા પણ છે. રબારી સમાજ વડવાળાદેવને માને છે. તેનું પ્રતીક છે. ‘વડ’ ઘણા ટ્રક, મેટાડોરમાં પણ વડવાળા દેવનું નામ વચ્ચે ‘વડ’ જોવા મળે છે. અહીં જન્માષ્ટમી, હોળીના દિવસોમાં મોટા ઉત્સવ જેવું વાતાવરણ નિહાળવા મળે છે. સુરેન્દ્રનગરના પાધરમાં આવેલ દુધરેજ, ગામના વડવાળા દાદાના દર્શન કરી ધન્ય થવા જેવું ખરું. ‘જય વડવાળા’, ‘કર્ણધાર આપ છો, જહાજ મારું તારજો. ભવસાગરમાં ડૂબતા વટનાથ પાર ઉતારજો.’