UAEના શેખ મોહમ્મદ અલ મકતુમે અલ મિન્હાદનું નામ બદલીને ‘હિંદ શહેર’ કર્યું
યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અને દુબઈના શાસક, શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે રવિવારે અલ મિન્હાદ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોનું નામ બદલીને ‘હિંદ શહેર’ (Hind City)રાખ્યું છે.
શહેરમાં ચાર ઝોનનો સમાવેશ થાય છે – હિંદ 1, હિંદ 2, હિંદ 3 અને હિંદ 4, જે 83.9 કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે. હિંદ સિટી મુખ્ય માર્ગો જેમ કે અમીરાત રોડ, દુબઈ-અલ આઈન રોડ અને જેબેલ અલી-લેહબાબ રોડ દ્વારા જોડાયેલ છે.
દુબઈમાં કોઈ પ્રદેશનું નામ બદલવામાં આવ્યું હોય તેવું આ પહેલીવાર નથી. બુર્જ ખલીફા અગાઉ બુર્જ દુબઇ તરીકે ઓળખાતો હતો. 2010 માં, બુર્જ દુબઈનું નામ બદલીને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના તત્કાલિન શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નામ પરથી બુર્જ ખલીફા રાખવામાં આવ્યું હતું.
સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન તેમજ દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે અલ મિન્હાદ જિલ્લાનું નામ બદલીને ‘હિંદ શહેર’ રાખ્યું છે. તેઓ શેખ રશીદ બિન સઈદ અલ મકતુમના ત્રીજો પુત્ર છે, જે યુએઈના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દુબઈના શાસક છે. 2006 માં તેમના ભાઈ મકતુમના મૃત્યુ પછી, મોહમ્મદે ઉપરાષ્ટ્રપતિ અને શાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
ટ્વિટર પર, ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે ભારતીય હિંદુઓના યોગદાનને માન આપવા માટે આ વિસ્તારનું નામ બદલવામાં આવ્યું છે. જોકે, આ વિસ્તારનું નામ શા માટે બદલવામાં આવ્યું અને “હિંદ શહેર” ભારત અથવા હિન્દુઓ સાથે સંબંધિત છે કે કેમ તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અરબી ભાષામાં “હિંદ” પણ એક શબ્દ છે જેનો અર્થ થાય છે “100 ઊંટ”. આરબ પ્રદેશમાં “હિંદ” છોકરીઓ માટે એક સામાન્ય અને પ્રાચીન નામ હોવાનું કહેવાય છે. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમની પત્નીનું નામ પણ હિંદ છે – શેખા હિંદ બિન્ત મકતુમ બિન જુમા અલ મકતુમ.