દારૂબંધીના દાવા પોકળ: મોડાસામાં નશામાં ધૂત SRP કોન્સ્ટેબલે બે કિશોરને અડફેટે લીધા, હોસ્પીટલમાં પણ હોબાળો મચાવ્યો

આપણું ગુજરાત

સરકાર ગુજરાતમાં દારૂબંધી માટે કડક પગલા લેવાની વાતો કરે છે ત્યારે ખુદ ગુજરાત પોલીસના જવાનો દારૂ પીતા પકડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરમિયાન મોડાસામાં દારૂના નશામાં ધુત થઇ કાર ચલાવતા એક SRP કોન્સ્ટેબલે બે કિશોરોને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો છે. એટલુ જ નહિ હોસ્પીટલમાં પહોંચીને પણ કોન્સ્ટેબલે હોબાળો મચાવી આખી હોસ્પિટલ માથે લીધી હતી.
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની આ વખતે મોડાસા ખાતે થવા જઈ રહી છે. ત્યારે ઉજવણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. રાજ્યકક્ષાની ઉજવણીના સુરક્ષા બંદોબસ્ત માટે આખા ગુજરાતમાંથી સુરક્ષાકર્મીઓને મોડાસા ખાતે બોલાવાઈ રહ્યા છે. આવા સમયે SRP કોન્સ્ટેબલે નશામાં ધૂત થઈ સરકારી ગાડી ચલાવી રહ્યો હતો. કોન્સ્ટેબલે મોડાસા કલેક્ટર કચેરી પાસે આવેલા સીએનજી પમ્પ પાસે બે કિશોરને અડફેટે લીધા હતા. ત્યાર બાદ લોકો સામે પણ દાદાગીરી કરી હતી.
બંને કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા અને કોન્સ્ટેબલ પણ નશાની હાલતમાં જ સાર્વજનિક હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં પહોંચીને પણ કોન્સ્ટેબલે હોબાળો મચાવ્યો હતો. નશામાં ચૂર કોન્સ્ટેબલે કહ્યું હતું કે ગાડીની લાઈટ બંધ હતી, એટલે અકસ્માત થયો. દારૂ અંગે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે તમને કોણે કહ્યું કે મેં દારૂ પીધો છે? પછી ઉશ્કેરાઈને બૂમો પાડવા લાગ્યો હતો.
ખુદ પોલીસકર્મીના આ દૃશ્યો જોઈને દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.