દૂધ… દૂધમાં રહેલાં પોષક તત્ત્વ આપણા શરીરને મજબૂત બનાવે છે. દૂધ હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેની અંદર મબલખ પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી દૂધ આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે અને આ સિવાય માનસિક વિકાસમાં પણ દૂધ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આપણામાંથી ઘણા લોકો પોતાના દિવસની શરુઆત દૂધ પીને જ કરે છે, તો વળી કેટલાક લોકો તેમની દિનચર્યા અનુસાર દૂધનું સેવન કરે છે. પણ શું તમને ખબર છે દૂધ પીવાનો પણ એક ચોક્કસ સમય હોય છે અને જો એ સમયે જ દૂધ પીવામાં આવે તો તેનો ફાયદો થાય છે. કોઈ વસ્તુનું જો સમયસર સેવન ન કરવામાં આવે તો તેનો ફાયદો થવાનો બદલે નુકસાન જ થાય છે. આવું જ કંઈક દૂધ સાથે પણ છે. આવો જોઈએ કયા સમયે દૂધ પીવાથી તમને મળી શકે છે વધુ ફાયદો-
નિષ્ણાતોના મતે ખાલી પેટે દૂધનું સેવન કરવું એ આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાલી પેટે દૂધ પીવાને કારણે ગેસની સમસ્યા થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં જે લોકોને પહેલાંથી જ પાચન સંબંધિત સમસ્યા હોય એવા લોકોએ તો ખાવી પેટે દૂધ પીવાને બદલે પહેલાં કંઈ ખાઈને બાદમાં જ દૂધ પીવું જોઈએ. પણ નાના બાળકોની બાબતમાં એવું નથી. નાના બાળકો દિવસ દરમિયાન ક્યારે પણ દૂધ પી શકે છે અને વરિષ્ઠ નાગરિકોએ સાવરના સમયે દૂધ ના પીવું જોઈએ.
એટલું જ નહીં નિષ્ણાતોએ એવું પણ જણાવ્યું હતું કે વૃદ્ધ વ્યક્તિઓએ રાતે સૂવાના એકાદ કલાક પહેલાં દૂધ પીવું જોઈએ આને કારણે પાચનક્રિયા સુધરવાની સાથે સાથે અનેક બીમારીઓમાંથી મુક્તિ મળે છે.
જો તમને ગેસની સમસ્યા હોય તો એવા સંજોગોમાં પણ માત્ર રાતના સમયે જ દૂધ પીવાનું ફાયદાકારક છે. રાતે દૂધ પીવાને કારણે તમારા શરીરને તેનો પૂરેપૂરો ફાયદો મળે છે. એક ગ્લાસ હૂંફાળુ દૂધ તમારા આખા દિવસનો થાક ઉતરી જશે, એટલું જ નહીં આને કારણે તમને સારી અને ગાઢ ઉંઘ આવશે.
આયુર્વેદમાં પણ રાતના સમયે દૂધ પીવાનું શરીર માટે ખૂબ જ લાભદાયી નિવડે છે, એવું જણાવવામાં આવ્યું છે. પણ બપોરના સમયે પણ તમે દૂધ પી શકો છે. આ સિવાય દૂધમાં હળદર નાખીને પીવું પણ આરોગ્ય માટે લાભદાયી નિવડે છે.