વીસ હજાર ક્રાંતિકારીઓની શહાદતનો ઇતિહાસ ધરાવતા સંથાલ સમાજનાં દ્રૌપદી મુર્મૂ

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

‘દ્રૌપદી’ જ્યારથી સમજણા થયા ત્યારથી આપણે આ નામ માત્ર મહાભારતમાં જ સાંભળ્યું છે. ‘દ્રૌપદી’ એટલે અગ્નિમાંથી જન્મેલી ક્ધયા…, અગ્નિની જ્વાળામાં પરિશુદ્ધ થઈ… અગ્નિનો તાપ સહન કરીને તેના પિતા દ્રુપદ રાજાને યજ્ઞની આહુતિમાંથી મળેલ અનમોલ ભેટ…જેણે જન્મ તો રાજપુત્રી તરીકે લીધો, પણ રાજમાતા બની ત્યાં સુધીમાં તો પરિવારનો માળો પીંખાય ગયો હતો. પાંચેય પુત્રો મહાભારતના યુદ્ધ બાદ અશ્ર્વત્થામાના હાથે હણાય ગયા હતા. છતાં દ્રૌપદીએ પોતાના પાંચેય પતિનો સાથ આપી આર્યવત (આજનું ભારત)ની અખંડિતતામાં પોતાનો ફાળો આપ્યો હતો. વિશ્ર્વના ઇતિહાસમાં ‘દ્રૌપદી’નું નામ પૌરાણિક સાહિત્યમાં તો અજરઅમર છે જ.., પણ હવે આ નામ ભારતના રાજકારણમાં પણ ગર્વથી લેવાશે…, કારણ કે હવે દેશના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ ચૂંટાયા છે. બંને દ્રૌપદીએ તેના જીવનમાં ભારે સંઘર્ષ કર્યો છે. અનેક યાતનાઓ સહન કરી છે આ બધા દુ:ખના ડુંગરો વચ્ચે પણ બન્ને દ્રૌપદીએ પોતાના પરિવાર અને સમાજ પ્રત્યેની ફરજોનું પાલન કર્યું છે.
દ્રૌપદી મુર્મૂ તરીકે દેશને પ્રતિભા પાટિલ પછી બીજાં મહિલા અને પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ મળશે. દિલ્હીથી ૧૬૫૦ કિલોમીટર દૂર ભુવનેશ્ર્વર, ત્યાંથી ૩૦૦ કિમી દૂર મયૂરભંજ અને ત્યાંથી ૨૫ કિમી દૂર એક આદિવાસી ગામ પહાડપૂર આવેલું છે, જ્યાં દ્રૌપદી મુર્મૂ રહેતાં હતા. હવે તો તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રહીને દેશના વિકાસમાં પોતાની ભાગીદારી નોંધાવશે. આજે તો તેમનું નામ ધ્રુવતારાની જેમ આખી દુનિયામાં ચમકી રહ્યું છે, પરંતુ તેની પાછળ તેના જીવનના અમૂલ્ય વર્ષોનો સંઘર્ષ છે. ૨૦ જૂન, ૧૯૫૮ના રોજ જન્મેલાં દ્રૌપદી મુર્મૂ મૂળ તો સંથાલ આદિવાસી સમુદાયમાંથી આવે છે. ગોંડ અને ભીલો પછી સંથાલો દેશનો ત્રીજો સૌથી મોટો આદિવાસી સમુદાય છે. આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોય તેવી અનેક ઘટના તમને ઇતિહાસના પાનાઓમાં દબાયેલી મળશે, પણ સંથાલ સમાજ તેનાથી અલગ છે. સંથાલને સંતાલ પણ કહેવામાં આવે છે. સંથા એટલે કોમ અને આલા એટલે માણસ, એટલે કે શાંત વ્યક્તિ. સંથાલ સમુદાયના મોટા ભાગના લોકો ઝારખંડ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળમાં રહે છે. દ્રૌપદી મુર્મૂ મૂળ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રહેવાસી છે, જ્યાં મોટી સંખ્યામાં સંથાલ સમુદાયના લોકો રહે છે.
લેખિત રેકોર્ડના અભાવને કારણે સંથાલ સમુદાયની ઉત્પત્તિની ચોક્કસ તારીખ જાણીતી નથી, પરંતુ તેઓ ઉત્તર કંબોડિયાના ચંપા રાજ્યમાંથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે. ભાષાશાસ્ત્રી પૌલ સિડવેલ અનુસાર, સંથાલો ૩૫૦૦ વર્ષ પહેલા ઓડિશાના દરિયાકાંઠેથી ભારતમાં આવ્યા હતા. ૧૮મી સદીના અંત સુધીમાં તે વિચરતી જૂથ હતું, જે ધીમે ધીમે બિહાર, ઓડિશા અને ઝારખંડના છોટા નાગપુર પઠારમાં સ્થાઇ થયું હતું.
આપણા ઇતિહાસ અનુસાર અંગ્રેજો સામે બળવાની શરૂઆત વર્ષ ૧૮૫૭માં મંગલ પાંડેએ કરી હતી, પરંતુ ઝારખંડની સંથાલ જાતિએ ૧૮૫૫માં જ અંગ્રેજો સામે વિદ્રોહનો ઝંડો ઉઠાવ્યો હતો, જેને ‘સંથાલ હુલ’ તરીકે ઓળખવામાં આવે છે. સંથાલી ભાષામાં હુલનો અર્થ બળવો થાય છે. જેમ મેં શરૂઆતમાં કહ્યું તેમ જો ઇતિહાસના પાના ઊથલાવતા તો આ બળવો તમને મળશે. ૩૦ જૂન ૧૮૫૫ના રોજ સિદ્ધુ અને કાન્હુના નેતૃત્વમાં સાહિબગંજ જિલ્લાના ભગનાડીહ ગામમાંથી આ બળવો શરૂ થયો હતો. ભોલનાડીહ ગામમાં પહોંચ્યા બાદ ૪૦૦ ગામના ૫૦ હજારથી વધુ લોકોએ યુદ્ધની ઘોષણા કરી હતી. અહીં આદિવાસી ભાઈઓ સિદ્ધુ-કાન્હુના નેતૃત્વમાં, સંથાલોએ મહેસૂલ ન ચૂકવવાની સાથે અંગ્રેજોને આપણી ધરતી છોડવાની જાહેરાત કરી.
જેનાથી ગભરાઈને અંગ્રેજોએ બળવાખોરોને રોકવાનું શરૂ કર્યું, જેને સંથાલોએ જોરદાર લડત આપી હતી. દરમિયાન અંગ્રેજોએ તેમને રોકવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. સિદ્ધુ અને કાન્હુને અંગ્રેજોએ પકડી લીધા હતા અને ૨૬ જુલાઈ ૧૮૫૫ના રોજ ભગનાડીહ ગામમાં એક ઝાડ પર લટકાવીને ફાંસી આપી હતી. આ શહીદોની યાદમાં દર વર્ષે ૩૦ જૂને સંથાલ હુલ ક્રાંતિ દિવસ ઉજવવામાં આવે છે. આ મહાન ક્રાંતિમાં લગભગ ૨૦ હજાર લોકોએ શહીદી વહોરી હતી.
સંથાલ જાતિના લોકો સંથાલી ભાષા બોલે છે. આ ભાષા સંથાલ વિદ્વાન પંડિત રઘુનાથ મુર્મૂએ ઓલ ચીકી નામની લિપિમાં લખી છે. ઓલ ચીકી લિપિમાં સંથાલીને બંધારણની ૮મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી છે. તેઓ સંથાલી ઉપરાંત બંગાળી, ઉડિયા અને હિન્દી પણ બોલે છે. સામાન્ય રીતે ઉત્તર પૂર્વ સિવાયનાં અન્ય રાજ્યોમાં રહેતા આદિવાસી સમુદાયોમાં સાક્ષરતા દર ઓછો હોય છે, પરંતુ એ સંથાલોમાં સૌથી વધુ છે. એનું કારણ ૧૯૬૦ના દાયકાથી શાળા શિક્ષણ પ્રત્યેની જાગૃતિ છે. આ જ કારણ છે કે ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ અને ઝારખંડની અન્ય જાતિઓની સરખામણીમાં સંથાલોનો સાક્ષરતા દર સૌથી વધુ ૫૫.૫% છે. સંથાલી લોકો શિક્ષિત છે, જેને પગલે સંથાલી સમુદાયના ઘણા લોકો ક્રિમી લેયરની મર્યાદાથી ઉપર ગયા છે. એવું નથી કે એકલા દ્રૌપદી મુર્મૂ જ સંથાલી સમાજમાંથી રાજકારણમાં આવ્યા… આ પૂર્વે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન, ભારતના ક્ધટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપ રાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મૂ, તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી બિશ્વેશ્વર ટુડૂ પણ સંથાલી સમાજમાંથી આવે છે.
સંથાલી સમાજ ભારતમાં ૯૦ લાખની વસ્તી ધરાવે છે, જેમાં પુરૂષોની વસતી ૪૪.૫૭ લાખ અને મહિલાઓની ૪૪.૯ લાખ છે. દેશની કુલ વસતીમાં તેમનો હિસ્સો ૮.૬% છે. સંથાલો અલગ જ પરંપરાઓનું પાલન કરે છે. તેમનામાં ૧૨ પ્રકારે લગ્ન થાય છે, જેમાં સદાય અથવા રાયવર વાપલા અર્થાત્ લગ્ન બંને પક્ષનાં માતા-પિતાની સંમતિથી, ટુમકી દીપિલ બાપલા અર્થાત્ આમાં ઓછા ખર્ચની પ્રથા, એટલે કે શોભાયાત્રામાં ભોજન સમારંભ નથી. એ ગરીબ સંથાલોમાં પ્રચલિત છે. અપાડગીર વાપલા અથવા અંગીર બાપલા અર્થાત્ પ્રેમલગ્નનો એક પ્રકાર. લગ્ન બાદ તેઓ અજાણી જગ્યાએ રહે છે. બાળકના જન્મ સાથે લગ્નની ઓળખ થાય છે, ઓર-આદેર બાપલા અર્થાત્ જ્યારે લગ્ન પહેલાં છોકરા અને છોકરી વચ્ચે સંબંધ હોય છે, ત્યારે છોકરો બળજબરીથી છોકરીને તેના ઘરે લાવે છે અને લગ્ન સંપન્ન કરે છે, નીરબોલોક અર્થાત્ જો છોકરો સંબંધ બાંધ્યા પછી લગ્ન કરવાની ના પાડે તો છોકરી બળજબરીથી છોકરા સાથે રહેવા જાય છે, ઇતુત બાપલા અર્થાત્ છોકરો તેની પસંદની છોકરીની માગ પર બળજબરીથી સિંદૂર ભરે છે. હીરામ ચેતાન બાપડા અર્થાત્ જો પત્નીને સંતાન ન હોય તો પતિ ફરીથી લગ્ન કરી શકે છે. ઘરદી જવાઈ બાપલા અર્થાત્ છોકરીનો ભાઈ સગીર છે. આવી સ્થિતિમાં છોકરાએ ૫ વર્ષ સુધી ગૃહિણી તરીકે જીવવું પડે છે. ગોલાયટી બાપલા અર્થાત્ છોકરા-છોકરીઓ એકબીજાનાં ભાઈ-બહેન છે, એટલે કે બે ભાઈઓ સાથે બે બહેનોનાં લગ્ન, જવાઈ કિરીંજ બાપલા અર્થાત્ ગર્ભવતી સ્ત્રી સાથે લગ્ન. બાળકના પિતાનું નામ આપવા માટે પુરુષને લગ્ન માટે ખરીદવામાં આવે છે. ઘર જવાઈ બાપલા અર્થાત્ છોકરીને કોઈ ભાઈ નથી અને ગાય નથી. છોકરી તેના સંબંધીઓ સાથે સરઘસ લઈને વરરાજાના ઘરે જાય છે. છોકરાને ગૃહસ્થ બનવું છે. અને સહાય બાપલા આ પ્રકારના લગ્નમાં સિંદૂરને બદલે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનાં લગ્ન સંથાલ વિદ્રોહ પહેલાં જોવા મળ્યાં હતાં.
સંથાલ સમાજમાં છૂટાછેડાની છૂટ છે. સંથાલ પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપી શકે છે અને સંથાલી સ્ત્રી પોતાની સંભાળ રાખવાની અસમર્થતા તેમ જ અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની તેની ઈચ્છાને આધારે છૂટાછેડા લઈ શકે છે. જોકે, મહિલા જે વ્યક્તિની સાથે બીજી વખત લગ્ન કરે છે તેણે પહેલા પતિને અમુક રકમ પતાવટ પેટે ચૂકવવી પડે છે. સંથાલ સમુદાયમાં પતિ માટે પણ કેટલાક અનોખા નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, જ્યારે પત્ની ગર્ભવતી હોય ત્યારે પતિ કોઈ પ્રાણીને મારતો નથી અને અંતિમસંસ્કારમાં ભાગ લેતો નથી. સંથાલો તેમનાં લોકગીતો અને નૃત્ય માટે પણ જાણીતા છે. તેઓ સામુદાયિક કાર્યક્રમો કરે છે. તેઓ કમક, ઢોલ, સારંગી અને વાંસળી જેવા સંગીતનાં સાધનો વગાડે છે.
સંથાલનો મુખ્ય તહેવાર કરમ છે. એ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આવે છે. આમાં તેઓ તેમના પૈસા વધારવા અને તેમને બધા દુશ્મનોથી મુક્ત કરવા ઈચ્છે છે. સંથાલોમાં શુદ્ધીકરણ પ્રક્રિયા પછી તેમના ઘરની બહાર કરમનાં વૃક્ષો વાવવાની પરંપરા છે. સંથાલોનાં ઘરને ઓલાહ કહેવામાં આવે છે. તેમના ઘરની બહારની દીવાલો પર ત્રણ રંગોની એક ખાસ પેટર્ન બનાવવામાં આવી છે. નીચેનો ભાગ કાળી માટીથી રંગવામાં આવ્યો છે, વચ્ચેનો ભાગ સફેદ અને ઉપરનો ભાગ લાલ છે. આવા ગૌરવંતતા ઇતિહાસ ધરાવતા સંથાલ સમાજમાંથી દ્રૌપદી મુર્મૂ આવે છે.
અપાર મુશ્કેલીઓ વચ્ચે શિક્ષણ લીધું અને ઓડિશાના રાયરંગપુરમાં શિક્ષિકા તરીકે નોકરી શરૂ કરી, રાજ્યના સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે જોડાયાં હતા. જે બાદ લોકોના વિકાસ માટે ભાજપમાં જોડાઈને પાયાના કાર્યકર બન્યા, ૧૯૯૭માં રાયરંગપુર નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈને રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. દ્રૌપદીએ ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ તરીકે ભાજપને મજબૂત બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ભાજપ અને બીજેડીનું જોડાણ હતું ત્યારે દ્રૌપદી નવિન પટનાઈક સરકારમાં મંત્રી પણ રહ્યાં છે. લાંબા સમયથી જાહેર જીવનમાં હોવા છતાં દ્રૌપદી કોઈ વિવાદોમાં સપડાયાં નથી કે ભ્રષ્ટાચારમાં ખરડાયાં નથી. તેમના જીવનમાં ૨ વર્ષના અંતરાલમાં ૨ પુત્રોના મોત અને તેના બીજા જ વર્ષે પતિના અવસાન બાદ દ્રૌપદી ભાંગી પડ્યા હતા. છતાં મહાભારતની દ્રૌપદીની જેમ દુ:ખના અફાટ સાગરમાંથી પસાર થઈને હવે તેઓ ફરી દેશના સર્વોચ્ચ બંધારણીય પદના હોદ્દા પર બિરાજશે ત્યારે હવે જોવાનું રહેશે કે તેમના રાષ્ટ્ર્પતિ પદે દેશ અને સમાજનો કેટલો વિકાસ થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.