દેશના પંદરમા રાષ્ટ્રપતિપદે દ્રૌપદી મુર્મૂ

દેશ વિદેશ

૭૪૮માંથી ૫૪૦ સાંસદે તરફેણમાં મત આપ્યા

નવી દિલ્હી: દેશના ૧૫મા રાષ્ટ્રપતિપદે એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ મતના મોટા તફાવતથી ચૂંટાઇ આવ્યા હતા. તેમણે વિપક્ષોના ઉમેદવાર યશવંત સિંહાને હરાવ્યા હતા. મુર્મૂને ૬,૭૬,૮૦૩ મત મળ્યા હતા, જ્યારે યશવંત સિંહાને ૩,૮૦,૧૭૭ મત મળ્યા હતા. મુર્મૂને પાત્ર મતમાંથી ૬૪ ટકા મત મળ્યા હતા, જ્યારે યશવંત સિંહાને ૩૬ ટકા મત મળ્યા હતા.
૬૪ વર્ષીય દ્રૌપદી મુર્મૂ દેશનાં સૌપ્રથમ આદિવાસી અને અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓમાં સૌથી નાની વય છે.
ગુરુવારે ત્રીજા રાઉન્ડની મતગણતરી બાદ મુર્મૂએ પચાસ ટકા મતનું સીમાચિહ્ન પાર કર્યું હતું અને વિપક્ષના પ્રતિસ્પર્ધી ઉમેદવાર યશવંત સિંહા પર સરસાઈ મેળવી વિજયની દિશામાં આગળ વધ્યાં હતાં. ત્રીજા તબક્કાની મતગણના બાદ મુર્મૂનો વિજય નિશ્ર્ચિત થયો હતો કેમ કે ૧૮ જુલાઈએ થયેલી ચૂંટણીમાં પડેલા કુલ પાત્ર મતમાંથી તેમણે ૫,૭૭,૭૭૭ કે પછી પચાસ ટકા કરતા વધુ મત મેળવી લીધા હતા. રિટર્નિગ ઑફિસરે જાહેરાત કરી હતી કે ત્રીજા તબક્કાની મતગણના બાદ મુર્મૂએ કુલ પાત્ર મતમાંથી ૫૩ ટકા મત મેળવી લીધા હતા. તમામ રાઉન્ડમાં મુર્મૂએ બેતૃતીયાંશ કરતા વધુ મત મેળવ્યા હતા. વિપક્ષના ૧૭ સાંસદે મુર્મૂની તરફેણમાં ક્રોસ વૉટિંગ કર્યું હતું.
એનડીએના રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ સાંસદોના ૭૪૮માંથી ૫૪૦ મત અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ ૨૦૮ મત મેળવ્યા હતા, એમ ચૂંટણી અધિકારી પી. સી. મોદીએ ગુરુવારે કહ્યું હતું. તમામ સાંસદના મતની ગણતરી કરવામાં આવી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ૧૫ સાંસદના મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં આઠ સાંસદે મતદાન નહોતું કર્યું. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પ્રત્યેક સાંસદના મતનું મૂલ્ય ૭૦૦ હતું. મુર્મૂએ સાંસદોના ૫,૨૩,૬૦૦ કે ૭૨.૧૯ ટકા મત મેળવ્યાં હતાં, જે મુર્મૂની તરફેણમાં ક્રોસ
વૉટિંગ થયું હોવાનાં સંકેત આપે છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.
મુર્મૂને સત્તાવાર ટેકો જાહેર કરનાર પક્ષનું સંખ્યાબળ જોતાં તેમને અંદાજ કરતાં પાંચથી છ સાંસદના વધુ મત મળ્યા હતા.
ચૂંટણી અગાઉ વિવિધ પક્ષના ૫૩૮ સાંસદે મુર્મૂને ટેકો જાહેર કર્યો હતો, પરંતુ તેમાંથી અમુકે મતદાન નહોતું કર્યું.
બીજી તરફ સિંહાને મળેલા કુલ મતનું મૂલ્ય ૧,૪૫,૬૦૦ કે પછી ૨૭.૮૧ ટકા હતું.
બીજા રાઉન્ડમાં વિધાનસભ્યોના મતની ગણતરી થઈ હતી. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.