દ્રૌપદી મુર્મૂએ મરાઠીમાં સંબોધ્યા વિધાનસભ્યો-સંસદસભ્યોને

આમચી મુંબઈ

એનડીએના મતો કરતાં વધુ મતો રાજ્યમાંથી મુર્મૂને મળશે એવો ભાજપને વિશ્ર્વાસ

રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું મુંબઈમાં સ્વાગત કરી રહેલા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની પવિત્ર ભૂમિને મારા નમસ્કાર એમ મરાઠીમાં સંબોધન કરીને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે મુંબઈમાં જણાવ્યું હતું કે દેશને ગૌરવ મેળવી આપનારા ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવી મહાન વ્યક્તિ આ ભૂમિ પર જન્મી હતી. બીજી તરફ દ્રૌપદી મુર્મૂ રાજ્યમાંથી એનડીએના કુલ મતો કરતાં ઘણાં વધુ મતો મેળવશે એવો વિશ્ર્વાસ ભાજપના નેતાઓએ વ્યક્ત કર્યો હતો.
ઉદ્યોગ, વ્યાપાર, શિક્ષણ, કૃષિ એમ બધા જ ક્ષેત્રે દેશમાં મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું છે એવા શબ્દોમાં મહારાષ્ટ્રને બિરદાવતાં મુર્મૂએ જણાવ્યું હતું કે રાજ્યના વિધાનસભ્યો અને સંસદસભ્યોએ મને આપેલા સમર્થન બદલ હું તેમની આભારી છું. રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મહારાષ્ટ્રમાંથી એનડીએના કુલ સભ્યો કરતાં વધુ મતો મળશે એવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વ્યક્ત કર્યો હતો.
મુંબઈમાં મહારાષ્ટ્રના વિધાનસભ્યો અને સંસદસભ્યો સાથે સંવાદ કરવા માટે મુર્મૂ આવ્યા હતા અને આને માટે આયોજિત કાર્યક્રમમાં પિયુષ ગોયલ, નારાયણ રાણે, રામદાસ આઠવલે અને ભારતી પવાર જેવા કેન્દ્રીય પ્રધાનો સહિત એનડીએના બધા જ ઘટકપક્ષો, સાથી પક્ષો અને અપક્ષ વિધાનસભ્યો હાજર રહ્યા હતા. ભાજપના સંસદીય મંડળે દેશના સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવી વર્ષમાં એક આદિવાસી મહિલાને રાષ્ટ્રના સર્વોચ્ચ સ્થાન પર બેસાડવાનું નક્કી કર્યું છે. તેમના સ્વરૂપમાં પહેલી વખત એક આદિવાસી મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાના છે. તેમને મહારાષ્ટ્રમાંથી અપેક્ષા કરતાં વધુ મતો મળશે, એમ નીતિન ગડકરીએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે એક સામાન્ય ઘરની કર્મઠ મહિલાને દેશના સર્વોચ્ચ પદે બેસાડવાની તક આપવા બદલ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. મુર્મૂને રાજ્યમાંથી વિક્રમી મતો મળશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.