I’m one bottle down… Peelo mere saath mein… Din mein sota hoon… Party karun raat mein…”
આ હની સિંહના ગીતો છે જે 2015 માં રિલીઝ થયા હતા. એક સમયે તે ભારતીય સંગીતનો સૌથી મોટા રોકસ્ટાર હતો. યુવાનિયાઓ રોજ તેના ગીતો સાંભળતા. બાળકોના મોઢે પણ તેના ગીતો રમતા. દરેક ક્લબ હની સિંહના હિટ ગીતો વગાડતી. યો યો હની સિંહ એક એવું નામ હતું જેણે લગભગ એક દાયકા પહેલા સંગીત ઉદ્યોગ પર રાજ કર્યું હતું, પરંતુ પછી પતન, વિવાદો અને ઝઘડાઓમાં હની સિંહ અચાનક ગુમ થઈ ગયો.
અચાનક શું થયું? તેના વિશે ઘણી અફવા ફેલાવા લાગી. તેની ગેરવર્તણૂંકને કારણે શાહરૂખ ખાને તેને લાફો મારી દીધો, દારૂની બોટલો જ ગટગટાવ્યા કરતો હતો, એવી ઘણી વાતો ફેલાવા લાગી અને તેમાં કેટલું સત્ય હતું તે કોઈ જાણતું નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેને પુનર્વસનમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હની સિંહે પાછળથી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘હું બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હતો. તેની સારવાર 18 મહિના સુધી ચાલી, જે દરમિયાન મેં ચાર ડોકટરો બદલ્યા, દવા મારા પર કામ કરતી ન હતી. મારે કબૂલ કરવું જોઈએ કે હું બાયપોલર અને આલ્કોહોલિક હતો. હું રોજ દોઢ બોટલ દારુ પીતો, પાગલ જેવો થઈ ગયો હતો. દારૂને કારણે મારી હાલત વધુ ખરાબ થઇ હતી.”
” 2012 પછી મને જે સફળતા મળી, તેની રાઇ મારા મગજમાં ચઢી ગઇ હતી. મને અક્ષય કુમારના ફોન આવી રહ્યા હતા, શાહરૂખ ખાન મારી સાથે લુંગી ડાન્સ કરવા માંગતો હતો, બચ્ચન સર ઇચ્છતા હતા કે હું મારી સાથે ભૂતનાથના ગીતમાં અભિનય કરું. સફળતાથી હું ખરેખર છકી ગયો હતો. મારી જાતને ભગવાન માનવા માંડ્યો હતો, પણ પછી ભગવાને જ મને રાહ દેખાડી. હવે હું કોઇને પણ ધુમ્રપાન કરવાની સલાહ નહીં આપું. હા ક્યારેક કોઇ પ્રસંગે દારૂ પીઓ તો ઠીક છે,” એમ યો યો હની સિંહે જણાવ્યું હતું.