બીચ પર ગુમ થયેલી પત્નીને શોધવા પતિએ એક કરોડ ખર્ચ્યા, પણ સત્ય સામે આવ્યું ત્યારે પગ તળેથી જમીન સરકી ગઇ….

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વિશાખાપટ્ટનમના બીચ પર ગજબનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુગલ તેમની લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા બીચ પર ગયું હતું. એ સમયે પત્ની ગુમ થઇ ગઇ હતી. પતિને લાગ્યું હતું કે તેની પત્ની દરિયામાં ડૂબી ગઇ છે. તેણે પત્નીની ભારે શોધખોળ આદરી હતી, પણ બાદમાં માહિતી મળી હતી કે તેની પત્ની તો આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં તેના પ્રેમી સાથે છે.
એનિવર્સરી સેલિબ્રેટ કરતી વખતે અધવચ્ચેથી જ ગાયબ થયેલી પત્ની સાઇપ્રિયાને શોધવા પતિ શ્રીનિવાસ રાવે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દરિયા કિનારે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. એ સાથે જ મરીન પોલીસ, ડાઇવર્સ, માછીમારોને પણ કામે લગાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઑપરેશન પાછળ વહીવટી તંત્ર દ્વારા એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
મહિલા અને તેનો પતિ એનિવર્સરી સેલિબ્રેટ કરતા બીચ પર મઝા માણી રહ્યા હતા. તે સમયે પતિને મોબાઇલ પર ફોન આવતા તે જરા દૂર ગયો હતો. એ સમયે પત્ની તેના મોબાઇલ પર સેલ્ફી લઇ રહી હતી. થોડી વાર બાદ પતિએ આવીને જોયું તો પત્નીનો કોઇ પત્તો મળ્યો નહોતો. પતિને શંકા ગઇ હતી કે તે દરિયામાં તણાઇ ગઇ.
સર્ચ ઑપરેશન માટે પોલીસે સ્પીડ બોટ, નેવીના હેલિકોપ્ટર કામે લગાડ્યા હતા, પણ મહિલાની કોઇ ભાળ મળી નહોતી. મહિલા ખરેખર દરિયામાં ડૂબી ગઇ છે કે કેમ એ અંગે જ પોલીસે શંકા વ્યક્ત કરી હતી. દરમિયાન પોલીસે એકાદ દિવસ બાદ મહિલાને એવા પુરૂષ સાથે શોધી કાઢી હતી, જેની સાથે તેનું અફેર હતું.
સાંઇપ્રિયા બીચ પરથી ભાગીને રેલવે સ્ટેશન પર ગઇ હતી અને ટ્રેનમાં નેલ્લોર તેના પ્રેમી રવિ પાસે પહોંચી હતી. ભાગતા પહેલા એણે એના બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી નાખ્યા હતા. તેણે મોબાઇલ ફોન પણ પાસે નહોતો રાખ્યો. નેલ્લોર પહોંચીને તેણે તેના માતાપિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તે સુરક્ષિત છે અને તેના પ્રેમી સાથે છે. સાંઇપ્રિયાએ માતાપિતાને જણાવ્યું હતું કે તેને શોધવાની તસદી લેશો નહીં. તેને શોધવાનો પ્રયાસ કરનારા સહુની તેણે માફી માગી હતી. તેણે માતાપિતાને ધમકી આપી હતી કે જો તેઓ તેનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરશે તો તે આત્મહત્યા કરી લેશે.
વિશાખાપટ્ટનમની સાઇપ્રિયાના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નની બીજી વર્ષગાંઠ નિમિત્તે તેઓ સિંહચલમ મંદિરે ગયા હતા અને ત્યાર બાદ બીચ પર આવ્યા હતા. બીચ પરથી મહિલા ગાયબ થઇ ગઇ હતી.
હવે આ લવસ્ટોરીનો શું અંજામ આવશે અને પતિએ શું પ્રતિક્રિયા આપી હશે એ તો ખબર નથી, પણ તેની શોધખોળ માટે થયેલો એક કરોડ રૂપિયાનો ખર્ચો તો જરૂર માથે પડ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.