(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક સમયે બેસ્ટની ડબલ ડેકર મુંબઈની શાન ગણાતી હતી. હવે બહુ જલદી મુંબઈના બેસ્ટના કાફલામાં પ્રીમિયમ ઈ-ડબલ ડેકર બસ જોડાવવાની છે. આવતા વર્ષે ૧૪ જાન્યુઆરીના મકરસંક્રાતિના દિવસે પહેલી ઈ-ડબલ ડેકર બસ મુંબઈના રસ્તા પર દોડશે.
લોકલ ટ્રેન બાદ બેસ્ટની બસ મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાય છે. બેસ્ટ ઉપક્રમ પોતાના કાફલામાં સાદી તથા એસી બસની સંખ્યા વધારી રહી છે. એ સિવાય પર્યાવરણને અનુરૂપ ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસનો પણ સમાવેશ કરી રહી છે. ઈ-ડબલ ડેકર બસને લગતી મંજૂરી તેના અંતિમ તબક્કામાં છે. જાન્યુઆરીમાં પહેલા તબક્કામાં બેસ્ટને ૫૦ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ મળવાની છે.
બેસ્ટની ડબલ ડેકર બસ બાબતે બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાના કહેવા મુજબ જાન્યુઆરીમાં ઈ-બસ મળવાની છે, ત્યાર બાદ આવતા વર્ષના અંત સુધીમાં વધુ ૯૦૦ ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ મુંબઈગરાની સેવામાં દાખલ થશે. બેસ્ટના કાફલામાં રહેલી ૪૫ ડબલ ડેકર બસને જૂન, ૨૦૨૩ સુધીમાં ભંગારમાં કાઢી નાખવામાં આવવાની છે.
બેસ્ટે પ્રીમિયમ સિંગલ ડેકર ઈ-બસ દોડાવવાની ચાલુ કરી છે, જેની માટે પ્રવાસીઓ ઍપ પરથી પોતાની ટિકિટ બુક કરાવી શકે છે.
નોંધનીય છે કે બેસ્ટ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં તેની લગભગ ૩,૫૦૦ બસ દોડાવે છે, જેમાં ૪૦૦ જેટલી ઈલેક્ટ્રિક બસનો સમાવેશ થાય છે.
મુંબઈગરાની સેવામાં બહુ જલદી દાખલ થશે ડબલ ડેકર ઈ-બસ
RELATED ARTICLES