તારાં આંસુની કિંમત ન કરનાર સામે તારું અણમોલ હાસ્ય વેડફીશ નહિ…!

લાડકી

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા

શું તમે જાહેરમાં રડી અને હસી શકો છો? તમને રડવા માટે કોઈ સ્પેશિયલ વ્યક્તિની જરૂર ખરી? તમારાં સુખ-દુ:ખની વહેંચણી માટેની પાત્રતા તમે કેવી રીતે નક્કી કરો છો? શું તમે કોઈનાં આંસુની અભિવ્યક્તિ માટે અને કોઈના રાજીપાની વહેંચણી માટે બેસ્ટ ક્વોલિફિકેશન ધરાવો છો?
માણસ એ કેટલાક અંશે ઈમોશનલ સામાજિક પ્રાણી છે. અંદરથી આવતા કુદરતી આવેગો પર એનો ક્ધટ્રોલ લાંબો સમય રહી શકતો નથી. સુખ અને ખુશીની વણથંભી શોધ આજીવન ચાલ્યા કરે છે.
ગમે એવો ભડભાદર માણસ પણ એકાંતમાં કોઈક એવો ખૂણો શોધતો હોય છે જ્યાં એ ઠલવાઈ શકે. એક એવું સોફ્ટ કોર્નર જે એની અંદર ચાલતા તોફાનને શાંત કરી શકે. આપણે પણ ઝંખીએ છીએ એવો સાથ જે ભીતરને ધમરોળતાં વમળોમાંથી બહાર કાઢી શકે… જેની સામે દુનિયાની પરવા છોડીને જોર જોરથી રડી શકાય… જે અસમંજસના સિક્સ લેન વે જેવા ટડટડિયા અને ઘોંઘાટિયા રસ્તામાંથી ધૂળવાળી નાનકડી પણ નીરવ શાંતિ આપતી કેડી બની શકે… દુનિયાભરની ઠોકરો ખાઈને આવેલાને પ્રેમનો મીઠો મલમ લગાડી શકે… સતત પજવતી પીડામાં સહાનુભૂતિ અને શાંતિનો અહેસાસ કરાવી શકે. આવાં ક્વોલિફાઈડ પાત્રો આપણી આસપાસ કેટલાં?
એ જ રીતે આપણા જીવનની અનરાધાર ખુશીઓ માટે પણ યોગ્ય લાયકાત ધરાવતા માણસની જરૂર હોય છે. જ્યાં હોય ત્યાં હાહાહીહી કરતા અને ફરતા લોકો જ્યારે ખરેખર મુસીબતમાં હોય ત્યારે એનો ખભો બનનાર બહુ રેર મળે છે અને એમ પણ કાયમ મોં પર હાસ્ય હિલોળા લેતું હોય એ અંદરથી એવા પાત્રને ઝંખ્યા કરે છે જે એની ચીસોને સાંભળે. મોં પરના હાસ્ય પાછળ રહેલ વેદનાને સમજે. હાસ્ય રસથી તરબતર વ્યક્તિમાં કરુણ રસ ઠસોઠસ ભરેલો હોય છે. બસ એ શોધ્યા કરે છે એવી વ્યક્તિને જે એનું રુદન સાંભળે અને સમજે. જેમ આપણું હાસ્ય અણમોલ છે એનાથી અનંત ગણાં આપણાં આંસુ કીમતી છે. આ બંનેને જ્યાં ત્યાં વેડફતાં પહેલાં સામેના માણસની લિવરની પચાવવાની કેપેસિટી અવશ્ય ચકાસી લેવી, કારણ કે કમજોર લિવરના માણસથી છેતરાવાની શક્યતા ભરપૂર છે.
ઓફિસમાં સાથે કામ કરતાં યુવક અને યુવતી વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. દેખીતી રીતે બંને કલિગ્સ ઓછાં અને મિત્રો વધુ હતાં. યુવતી એના સ્વભાવ પ્રમાણે અન્ય કોઈ સાથે વાત ન કરે, પણ એના સાથી મિત્ર આગળ ખુલ્લી કિતાબ જેવી હતી. એના ઘરની દરેક નાનીમોટી વાત પેલા યુવક સાથે શેર કરે. ઈવન પેલાને નાણાકીય મદદની જરૂર હોય તો બીજેથી લાવીને એને આપે. બંને વચ્ચે ફ્રી સમયે મજાકમસ્તી અને જોક્સ ચાલુ જ હોય. બંનેના સ્પાઉસ પણ એકબીજાને સારી રીતે ઓળખે. હવે થયું એવું કે કોઈ કારણસર બંને વચ્ચે દરાર પડી. યુવક તેની ફ્રેન્ડને બોલાવેય નહિ. પેલી યુવતી તો અતિ સેન્સિટિવ એટલે દિવસ-રાત પેલાને મનાવવા ટ્રાય કર્યે રાખે. રડી રડીને અડધી થઈ ગઈ, પણ પેલાને કશો જ ફેર પડ્યો નહિ. યુવતીના જીવનમાં ખુશીનો પ્રસંગ આવે છે જેની વહેંચણી સૌ સ્ટાફ મિત્રો સાથે કરે છે, છતાં એ યુવકમાં કોઈ જાતનો ભાવ પ્રગટતો નથી. એ જોઈને હવે એનાં આંસુનો અટકાવ ઓટોમેટિક આવી જાય છે.
કહેવાનું તાત્પર્ય એ કે જ્યાં આપણાં અણમોલ આંસુની કિંમત નથી ત્યાં ખુશીની વહેંચણીનો શું અર્થ? જે માણસ આપણો થઈને પણ હકીકતમાં આપણો થઈ શક્યો નથી એની સામે માયકાંગલા બનીને શું મળશે? જે વ્યક્તિ આપણો મેસેજ જોઈને તરત જ રિપ્લાય આપતી, આજે એ જાણી જોઈને ત્રણ દિવસે પણ ચેટ ખોલતી નથી એની આગળ ગરીબડા ને બિચારા બનવાનો શું મતલબ? જેની સાથે વાત કરવાનાં બહાનાંઓ શોધતા ને આજે એ વાત ટાળવાનાં બહાનાંઓ શોધે છે ત્યાં કરગરવાથી શું મળશે? છેક સુધી નિચોવી નાખીને એક ઝાટકે એની લાઈફમાંથી બહાર ફેંકી દેનાર સામે રોદણાં રોવાથી એને શું ફેર પડશે? આપણી આંખનું પ્રત્યેક આંસુ કોઈક દ્વારા લાગણી દુભાયાનો ચાડી ખાતો ખજાનો છે. એની ચાવી ખોલવાની પરમિશન જે તે વ્યક્તિને ન જ આપો. એ તો ખજાનાનું જાળવીને જતન કરી શકે એવા પહેરેદાર આગળ થતો વલોપાત કેટલેક અંશે રાહત આપશે. એમાંય ખભો આપવાની લાયકાત વગરના આગળ ખાલીખોટી આપણી વેતરીને આપણે પોતાને જ માઈનસ તરફ ધકેલીએ છીએ.
ઘણી વાર તો એવું પણ બનતું હોય છે કે આપણે ખોટા પાત્ર આગળ આંસુની ડંકી ચાલુ કરી દઈએ છીએ. બે મીઠા શબ્દોથી છેતરાઈને આપણાં દુ:ખની આખી કુંડળી ખોલીને બેસી જઈએ છીએ. જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે અહીં જે તે વ્યક્તિની પાત્રતા બહુ મોટી વસ્તુ સાબિત થાય છે. કેટલાકને માત્ર મજા લેવી હોય છે, તો કેટલાકને આપણા દુ:ખમાં મનોરંજન મળતું હોય છે. જ્યારે કેટલાક તો જાણે કાંઈ થયું જ નથી એમ વર્તતા હોય છે.
અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે આપણી આસપાસ કેટલીક એવી વ્યક્તિઓ પણ હોય છે જેના માટે આપણા હોઠનું મલકવું જ એકમાત્ર ધ્યેય હોય. આપણા હોઠના બે છેડાને મલકાવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા તૈયાર હોય છે. આપણી લાઈફની એકમાત્ર સ્પેશિયલ વ્યક્તિને હસતી જોવા માટે ગમે એટલાં દુ:ખ સહન કરવા પણ તૈયાર રહીએ છીએ. એની આંખમાં એક ક્ષણની પણ ખુશીની ઝલક આપણો દિવસ સુધારી દે છે. અમુક વ્યક્તિઓનું આપણી જિંદગીમાં હોવું એ જ આપણી સૌથી મોટી તાકાત હોય છે. આપણી નાનકડી અમથી ઠેસથી પણ નાસીપાસ થઈ જાય છે. એ છે તો સઘળું છે. એ નથી તો હર્યુંભર્યું વન પણ વેરાન છે. આવું વ્યક્તિત્વ એ ઈશ્ર્વરનું વરદાન અને આપણા જીવનનું જમા પાસું છે. પોક મૂકીને રડાય અને મન મૂકીને હસાય એવો આ યુનિક સંબંધ જીવવા માટેનું ઈંધણ છે. આંખને પલકારે આપણા હૃદયની પરિપાટીએ પહોંચી અક્ષરશ: આંતરમનને વાંચી લે છે અને આપણી અંદર ઉદ્ભવતા ઉદ્વેગને શાંત કરી દે છે.
પરંતુ જ્યારે એ જ વ્યક્તિ કે જેના માટે આપણું સર્વસ્વ કુરબાન હોય એના માટે એક સમયે આપણે ગૌણ બની જઈએ ત્યારે એ લાગણીનું ધોધમાર વરસવું શરૂ થાય છે. એ પણ એની સામે જ… પણ અફસોસ એ આંસુનો અટકાવ ક્યારેય આવતો નથી. આ સ્થિતિએ પહોંચીને જાત સાથે સંવાદ કરી પૂછવાનું, ‘મારા રુદનની પડી નથી ત્યાં લોહીનાં આંસુડાં સારવાં શું યોગ્ય છે?’
————–
ક્લાઇમેક્સ
આંસુની કદર ન કરનાર સામે હાસ્યનાં પડીકાં વહેંચવાં મૂર્ખામીથી વિશેષ કાંઈ જ નથી…!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.