આજકાલ આપણા બધાના જીવનમાં ગૂગલ ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે અને આપણે કોઈ પણ માહિતી જોઈતી હોય કે કોઈ સવાલનો જવાબ શોધવાનો હોય તો તરત જ ગુગલ કરીએ છીએ. પણ આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક નંબર વિશે કે જેના વિશે ગુગલ પર ભૂલથી પણ સર્ચ કરશો નહીં, કારણ કે જે રિઝલ્ટ્સ તમારી સામે આવશે એ જોઈને તમે ચોંકી ઉઠશો.
તમે ગુગલ પર 241543093 નંબર સર્ચ કરશો તો સ્ક્રીન પર દેખાનારા રિઝલ્ટસને કારણે તમારી આંખો પહોળી થઈ જશે. હવે તમને થશે કે આખરે એવું તે શું આવે છે આ નંબર સર્ચ કરતાં? વાત જાણે એમ છે કે જ્યારે તમે ગુગલ પર 241543093 નંબર સર્ચ કરો છો તો તમારા હોમપેજ પર ફ્રિજ-ફ્રિજરમાં પોતાનું માથું નાખીને ઊભા રહેનારા અલગ અલગ લોકોના ફોટો જોવા મળશે. હવે બીજો સવાલ તમારા મગજમાં આવશે કે આવું કેમ કે આ જ નંબર સર્ચ કરતાં આવા વિચિત્ર ફોટા તમારી સામે આવે છે, તો આ સ્ટોરીની શરુઆત 2009માં થઈ હતી.
ન્યુયોર્કના આર્ટિસ્ટ ડેવિડ હોર્વિટ્ઝે આ અનોખી ચેલેન્જની શરુઆત કરી હતી. તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એક ચેલેન્જ આપી હતી લોકોને જેમાં તેમણે 241543093 આ નંબરની સાથે પોતાનો ફોટો પોસ્ટ કરવાનો હતો. આ ચેલેન્જમાં લોકોએ ફ્રિજમાં પોતાનું માથું નાખેલાં ફોટો પોસ્ટ કરવાના હતા. ઘણા લોકોએ આ ચેલેન્જમાં ભાગ લીધો હતો અને બસ ત્યારથી જ્યારે પણ ગુગલ પર તમે 241543093 આ નંબર સર્ચ કરો તો તમને આ જ રિઝલ્ટ જોવા મળે છે…વિશ્વાસ નથી થતો, તમે પણ ટ્રાય કરી જુઓ…