ગણપતિ બાપ્પાને હેરાન ન કરશો

વીક એન્ડ

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદી

નાનો હતો ત્યારે પહેલી વાર સ્થાપન શબ્દ સાંભળ્યો હતો. શબ્દ તરીકે બહુ જ ગમ્યો હતો, પણ અર્થ બહુ જ મોટા થઈને ખબર પડી અને એ ખબર પણ એવી રીતે પડી કે એક દિવસ અચાનક જ હું વિચારે ચડ્યો અને ભક્તિભાવમાં લીન બનીને બોલવા લાગ્યો કે ‘વાહ, કેવું મોટું માથું, કેવી મોટી ફાંદ, કેવું મોટું નાક!’ આગળ બોલું એ પહેલાં જ છૂટા વેલણનો ઘા આવ્યો અને તરત જ બોલ્યાં કે ‘ખબરદાર જો હવે એક શબ્દ પણ મારા પપ્પા વિષે બોલ્યા છો તો…’
ત્યારે મને ખબર પડી કે મારા ઘરમાં જે સ્થાપન થયું છે એ સસરાનું છે. અડધો દિવસ સમજાવવામાં ગયો કે હું ગણપતિ બાપ્પાની વાત કરતો હતો, તારા બાપાની નહીં. મારો ભક્તિભાવ પ્રગટ કરતાં કહ્યું કે ‘આ વખતે આપણે પણ ત્રણ દિવસ માટે ગણપતિ તેડાવવા છે’ એટલે તરત સણસણતો જવાબ આવ્યો, ‘કેમ, મારા બાપા આવે ત્યારે પહેલા દિવસથી જ શરૂ થઈ જાઓ છો કે ક્યારે જવાના છો? અને ગણપતિ બાપ્પાને ત્રણ દિવસ તેડાવવા છે?’
મેં બહુ વિરોધ ન કર્યો, પણ મનમાં બોલ્યો કે ‘ગણપતિને ૧૦ લાડુ ધરીએ તો ૧૦માંથી ૧૦ પાછા આવે, પણ તારા પપ્પા ‘નથી ભાવતા, નથી ભાવતા’ કરીને દશેદશ સબોડી જાય અને ત્રણ દિવસ સ્થાપન કરીએ તો તો ત્રણ જ દિવસ હોય, આ તો એકાદ-બે દિવસ રોકાવું છે કહીને જે દિવસે પૂછીએ એ દિવસે કહે કે બસ એકાદ-બે દિવસ. છેલ્લે તો એક મહિને ગયા હતા.’ મારું આ મનમાં બોલતી વખતની શાંતિ પણ એમનાથી સહન ન થઈ એટલે બોલ્યાં, અહીંયાં મન લાગે છે ત્યારે રોકાય છે, બાકી મારી બહેનના ઘેર એક દિવસ પણ નથી રોકાતા હોં.’
મને સાચે જ પહેલી વાર મારા સાઢુની ઈર્ષા આવી કે હું એમના જેવો કેમ નથી, સાલું સારું થવું પણ સજા અપાવે છે. જે હોય તે, પણ જો સાસુ કે સસરામાંથી કોણ રોકાય એમ પૂછો તો મારી ચોઇસ સસરાની હોય, પણ ચાદર ખેંચો એટલે ઓશીકું ભેગું જ આવે. ઘેર રોજ ઝઘડા કરતા હોય, પણ બે-ચાર દિવસ થાય એટલે સાસુજી પધારી જાય અને કહે કે ‘તમારા વગર ઘર સૂનું લાગે છે, જરા પણ નથી ગમતું.’
અમને વસમું લાગે એનો વિચાર પણ ન કરે! જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે વિસર્જન કરવા માટે મેં જે જે ખેલ કર્યા છે એના પર તો એક એક લેખ લખી શકાય, પણ હું મોટું મન રાખીને તમને બધાને તમારી સ્થિતિ નથી બતાવતો. ગમે તેમ કરીને મેં ગણપતિ બેસાડવા ઘરવાળીને રાજી તો કરી, પણ પછીની હાલત ખૂબ ખરાબ થઈ. મેં માટીની મૂર્તિનો આગ્રહ રાખ્યો અને એમણે પ્લાસ્ટર ઓફ પેરિસનો આગ્રહ રાખ્યો. મેં સમજાવ્યું કે માટીની મૂર્તિ લઈએ તો ઉત્થાપન પણ ન કરવું પડે. મૂર્તિને પાણીના ટબમાં મૂકી દઈએ એટલે ઓગળી જાય અને એ માટીનો ઉપયોગ તુલસી વાવવા કે ફૂલછોડના ક્યારામાં નાખી શકાય અને તેનું પવિત્ર પાણી ઘરમાં છાંટીને આખું વર્ષ રિદ્ધિસિદ્ધિનો વાસ કરાવી શકાય, પણ અમારા એમને કિટ્ટી પાર્ટીમાં શું કહેવું એની ચિંતામાં મારી સાથે સહમત થતાં એક અઠવાડિયું કાઢ્યું!!!
ઘણા લોકો હોંશે હોંશે ઘેર ગણપતિની સ્થાપના તો કરે, પણ પોતાની વ્યસ્ત જિંદગીમાંથી ગણપતિની પૂજા માટે અડધો કલાક પણ કાઢી ન શકતા હોય ત્યારે આપણને ખબર પડે કે બાજુવાળાએ ૩ દિવસનું સ્થાપન કર્યું છે તો આપણે પાંચ દિવસનું કરીએ. આ દેખાદેખીમાં સ્થપાયેલા ગણપતિ પણ ઉતાવળમાં હોય એવું તેમની મૂર્તિ પર જ દેખાઈ આવતું હોય! હમણાં એક ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં હું જતો હતો તો ઉતાવળે રેલવે સ્ટેશન તરફ જતા ગણપતિને જોયા. મેં ગાડી ઊભી રાખી પગે લાગીને પૂછ્યું કે ‘આ બિઝી સીઝનમાં તમે એકલા કેમ? ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના?’ ગણપતિ બાપ્પાએ જવાબ આપ્યો કે ‘જે પહેલી ટ્રેન મળે તેમાં ચડી જવું છે, પણ અહીંયાં નથી રહેવું. મારા બેટા વાજતેગાજતે લઈ આવ્યા. ભભકો કરીને મારું સ્થાપન પણ કર્યું, પણ પછી ગયા એ ગયા. બે ટાઇમની આરતી પણ નોકર કરતા. હું તો એમને પાંચ દિવસનું ફળ આપીને નીકળી ગયો છું. ક્યાંક શાંતિથી કોઈક ભજેને એવા ઘેર જઈને બેસવું છે.’
ગણપતિ ઉત્સવ ભલે મહારાષ્ટ્રથી શરૂ થયો હોય, પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતે બહુ જ સહજ રીતે સ્વીકારી લીધો છે. આમ પણ ગુજરાતીઓ માટે કોઈ પણ તહેવાર જેટલો મહત્ત્વનો હોય છે એટલો કોઈ પણ માટે નથી હોતો. ગણપતિમાં અહીંયાં પણ રોજ રાત્રે કાર્યક્રમ હોય. સામાન્ય રીતે ડાયરામાં શરૂઆત જ ગણપતિની સ્તુતિથી થાય જેને ગણપતિ બેસાડ્યા કહેવાય જે ફરજિયાત હોય, પણ એક પ્રસંગે એવું બનેલું કે માત્ર હાસ્ય દરબાર એમાં આયોજકનો સવાલ આવ્યો કે ગણપતિ કોણ બેસાડશે? ગાવાનો મારો વિષય નહીં, પણ ગુજરાતીઓમાં કોઠાસૂઝ તો ભારોભાર હોય એટલે થોડુંક વિચારીને મેં તરત પૂછ્યું કે ‘કાલ શેનો પ્રોગ્રામ હતો?’ મને ખબર પડી કે સંતવાણી હતી એટલે તરત જ મેં કહ્યું કે ‘કાલ ગણપતિ બેસાડ્યા જ હશે પછી કોઈએ ઉત્થાપન નહીં કર્યું હોય એટલે આજેય ગણપતિ હાજરાહજૂર છે એમ માનીએ છીએ. બેસાડેલાને ફરી થોડા બેસાડાય?’ જોકે મેં એમને એ પણ સમજાવ્યું કે મારી આ મોટી ફાંદ ક્યારેય ઘટાડવાનો વિચાર હું એટલે જ નથી કરતો, કેમ કે હાસ્યના પ્રોગ્રમમાં સૌ પહેલાં મને જ બેસાડે છે જે ગણપતિ સ્થાપન બરાબર જ ગણાય. મુંબઈમાં તો ઓડિયન્સ તરફથી પ્રોગ્રામ શરૂ થતાં પહેલાં મને લાડવા ધરવાના અનેક દાખલા બેઠા છે.
આર્ટિસ્ટ્સ માટે ગણપતિ એટલા બધા ફેવરિટ છે કે ગમે તે વસ્તુ આપો તેમાંથી સૌથી સરળ રીતે જો કંઈ બને તો ગણપતિ. સૌથી વધારે જો કોઈ ભગવાનની મૂર્તિનો ધંધો થતો હોય તો એ ગણપતિનો. આ એક દેવ છે જે કેટલા બધાનાં પેટ ભરે છે. કારીગરોથી માંડીને કલાકારો સુધી ૧૦ દિવસ સુધી વ્યસ્ત રહીને કમાણી કરે છે. એવા કેટલા બધા કલાકારો છે જે આખું વર્ષ મૂર્તિ બનાવે છે અને છેલ્લા મહિનામાં વેચે છે. મંડપ સર્વિસ, લાઇટ ડેકોરેટર્સ, મ્યુઝિક બેન્ડ્સ, સાઉન્ડ સર્વિસ, ગાયકો, હાસ્ય કલાકારો જેવા અનેક લોકો માટે સાચે જ રિદ્ધિસિદ્ધિ સ્વરૂપે આ ગણેશોત્સવ આવે છે. અરે ત્યાં સુધી કે સફેદ ઉંદરો પાળીને રાખવાવાળા લોકો પણ ઉંદર ભાડે આપીને કમાણી કરી લે છે. ગણપતિ બાપ્પા જાણે ડાન્સના પ્રણેતા હોય એમ વિસર્જન વખતે એટલા લોકોને નાચતા કરી દે છે કે વાત ન પૂછો. આ બેફામ નાચતા લોકોનો કોન્ફિડન્સ વધી જાય તો ઘરના પ્રસંગોમાં ઉદાહરણ આપીને કહે કે ‘વિસર્જનમાં હું કેટલું નાચ્યો હતો? બધા મારી સામે જ જોતા હતા’ પણ એમને કોણ સમજાવે કે લોકો શું કામ જોતા હતા. આ નાચૈયાઓને એ પણ ખબર નથી કે ગણપતિનું વિસર્જન એ દુ:ખની વાત છે, પણ નાચવામાં એટલે આવે છે કે આવતા વર્ષે આ ભાવ જોઈને ગણપતિ બાપ્પા ફરી વહેલા પધારશે.
છેલ્લે એટલે જ કહેવું છે કે ગણપતિના મોટા કાન દરેક વાતો સાંભળીને વિશાળ પેટમાં સંઘરી રાખે છે. એ ક્યારેય ખટપટમાં નથી પડતાંને એટલે પૂજાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.