મેહુલની વિદાયનું દુ:ખ મનમાં ન આણીએ…

ઉત્સવ

આજે આટલું જ-શોભિત દેસાઈ

ખૂબ આનંદ થયો, સુરેન ઠાકર ‘મેહુલ’નો બોહોળો વ્યાપ જોઈને. કારણમાં એટલું જ કે ઘણા જવફમયતમાં ઉપસ્થિત થયા હતા એ જિંદગીના. સાવલા સ્કૂલ અને પછી બાલભારતી સ્કૂલના શિક્ષક, એન. એમ. કૉલેજના પ્રાધ્યાપક, ડાયરાના ઉદ્ઘોષક, મુશાયરાના સંચાલક, સુગમ સંગીતના કાર્યક્રમોના વાહક અને છેલ્લાં થોડાંક વરસો દરમ્યાન ખુદના એકાંત સાથે કાયમ વ્યસ્ત તેમ જ મસ્ત રહેતા સંવાદક. એમની ગઝલોની વાત પછી કરીશું. આ તમામેતમામ કિરદાર દરમ્યાન એક રંગ કાયમ ઊપસ્યો… સુરેન ઠાકર ‘મેહુલ’થી તમે બચી ન શકો, તમે એમને તમને ગમાડ્યા વગર રહી ન શકો. બોલવામાં, મીઠું-મધુરું-રસાળ બોલવામાં એ પારંગત હતા.
જૂનાગઢ સાથે ઘરોબો હોવાને કારણે લોકસાહિત્યના જ્ઞાનમાં અને એની રજૂઆતમાં ભારે કુશળ હતા ‘મેહુલ’ભાઈ. મર્યાદિત અને એકહથ્થુ અફસરવાદિયા ટેલિવિઝનના સમયમાં પણ ‘મેહુલ’ શહાબુદ્દીનભાઈ અને અન્ય ખમતીધર રજૂઆતકર્તાઓ સાથે સહકર્મી અને વાહક તરીકે હાજર રહ્યા જ છે. મુંબઈ શહેરના ઘણા શોખીનો ‘ચારણક્ધયા’થી અપરિચિત જ રહ્યા હોત, જો ‘મેહુલ’ મુંબઈમાં ન હોત તો. મેઘાણી ઝવેરચંદ કાલિદાસ મોઢે હતા ઘણા ખરા ‘મેહુલ’ને… અને મેઘાણી નામની સદાવ્રત બૅન્કની શાખા ખોલીને બેઠેલા અન્ય લોકસાહિત્યના દુકાનદારોની માફક મેઘાણીની સોલ સેલિંગ એજન્સીનો મેહુલે ન તો પ્રયત્ન કર્યો ક્યારેય કે ન તો એને પોતાની જીવનદોરી બનવા દીધી. શુદ્ધ લોકસાહિત્યના સંવર્ધક કે રસિયા તરીકે જેટલી ગરિમા અપાય એટલી આપીને મેઘાણીને ઘણા હૃદયમાં મેહુલે સ્થાપ્યા.
મુશાયરાના સંચાલનમાં એ દિવસોમાં સૈફ પાલનપુરીની બોલબાલા. મેહુલે એ સમયમાં લોકસાહિત્યમાંથી ફંટાઈને મુશાયરાની પગદંડી ઉપર પણ પગ માંડીને આ પગદંડીને રાજમાર્ગ બનાવવાની શરૂઆત કરી… તે ત્યાં સુધી કે પાછલી ઉમ્મરના સૈફભાઈ પછી તો પોતે જ મેહુલને આગળ ધરવા માંડ્યા. ૩૦ નવેમ્બર, ૧૯૭૯ના દિવસે જ્યારે મેં જિંદગીનું પહેલું સંચાલન કર્યું ત્યારે મારા મનમાં ‘મેહુલ’ હતા જ, હતા જ, હતા… જ…
સૌથી પહેલાં એમના એક અછાંદસની વાત. મકાન બાંધતા મજૂરોની વ્યથા એક મજૂર ીના મુખેથી મૂકીને એમણે, બનાવટી દસ-પંદર લાખ રૂપિયાના ઍવોર્ડ ઊભા કરીને પોતે જ પોતાને એ ઍવોર્ડ આપનાર અછાંદસછાપ દાઢીબાજ કીમિયાખોરો કરતાં અનેક ગણું સારું અને ગુજરાતીનાં ઉત્તમ અછાંદસ કાવ્યોના સંપાદનમાં પ્રથમ હરોળમાં સ્થાન પામે એવું એક અછાંદસ મા ગુજરાતીને આપ્યું છે. હવે મેહુલ મરી ગયા છે, હવે એ કાવ્ય જરૂર પ્રકાશમાં આવશે અને ધીમે ધીમે ‘મેહુલ’ અછાંદસના મોટા કવિ ગણાય તો નવાઈ નહીં… યે ઈન્સાં કે દુશ્મન સમાજો કી દુનિયા… યે દુનિયા અગર મિલ ભી જાએ તો ક્યા હૈ.
રમેશ પારેખની માફક મેહુલે પણ પરકાયા પ્રવેશ કરીને મીરાની જબાનમાં એક કવિત રચ્યું હતું. ખાનદાનવર્ય સ્વરકાર દક્ષેશ ધ્રુવે એનું એટલું જ મીઠું સ્વરાંકન પણ ધર્યું હતું. ગુજરાતી માને ચરણે…
બાઈ હું તો કટકે કટકે કપાઉં
મોરારિના મનમાં કેમે ય ના સમાઉં…
એક યુટ્યુબ ક્લિપ લગભગ દસ-પંદર હજાર લોકો સુધી વહેતી થઈ છે જેમાં મેહુલ એમ કહેતા નજરે ચડે છે કે મેં, શોભિત દેસાઈએ એમની સર્જનપ્રક્રિયાને મોટો, અલગ અને નાવીન્યથી ભરપૂર વળાંક ધર્યો ૧૯૮૦-૮૧ની આસપાસ અમારા બેંગલોરના કવિ-સંમેલનમાંથી ટ્રેનમાં પાછા ફરતા… એ કંઈક આવો હતો એવું મને યાદ છે.
ડૂંડેડૂંડાં થઈ ગયા છે દાણેદાણા
વેરવિખેર કરી દો ઘરના પાણેપાણા
તરંગની આંગળીઓમાં તોફાન ઊઠ્યું છે
સરવર અમથું ગૂંથી રહ્યું છે તાણેવાણા
***
કશેક કેદ કરે છે કરાલ વ્યંગ મને
હજીય સ્વપ્ન બતાડે છે આ વિહંગ મને
જગતની રીત ’ને મારો કશોય મેળ નથી
રખે જીવું તો જીવાડી જશે તરંગ મને
***
કશુંક કાનમાં કહે છે મુગ્ધ આવીને
રૂંવે રૂંવેથી કરે છે પ્રબુદ્ધ આવીને
(સ્મરણમાં છે ને છતાં આ ક્ષણે નથી હાજર)
પ્રશાંત આંખથી સરે છે બુદ્ધ આવીને
***
પણ આ બધા તો ‘મેહુલ’ દ્વારા મારાં આછોવાનાં હતાં. ‘મેહુલ’ને હું મળ્યો એ પહેલાં અમુક અદ્ભુત ચમકારા હતા જ એમની ગઝલમાં, એનાથી આજે એમને વિદાય આપીએ?!
આંગણું, પરસાળ ’ને ઉંબર હતા
સ્વપ્નમાં પણ શું મજાના ઘર હતા!
***
સ્મરણને પીંખવા ચાહું તો મારી જિંદગી લાજે
ઉદાસી આંખમાં આંજું તો મારી જિંદગી લાજે
(‘મેહુલ’ આ ગઝલ જો હમને દાસ્તાં અપની સુનાઈ, આપ ક્યૂં રોયે?ના સ્વરમાં/ તરન્નુમમાં રજૂ કરતા, સુંદર રજૂ કરતા)
***
મા ઉપર અમર મુક્તક મેહુલનું…
જે મસ્તી હોય આંખોમાં, સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?!
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી…
મેહુલભાઈ! મારા ગુરુ બરકત વીરાણી ‘બેફામ’ના અને તમારા તરન્નુમને વધારે શણગારીને મુશાયરામાં મૂકવાની કોશિશ તો કરું જ છું અને તમને બન્નેને જાણીને આનંદ થશે કે ઘણો સફળ રહ્યો છું અત્યાર સુધી…
પણ યાર મેહુલ! તમે ઘણા વખતથી હેરાન થતા હતા એ તો જાણ હતી જ… પણ તમે સાવ ગયા તો એમ લાગે છે કે…
વો ઉઠે બઝ્મ સે, ઈતના તો ‘મીર’ને દેખા
બસ, ઉસકે બાદ ચરાગોં મેં રોશની ન રહી
સલામ.. .

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.