ડોનાલ્ડ ટ્રમ્પ : અમેરિકાના સૌથી વિવાદાસ્પદ પ્રમુખનો નવો વિવાદ

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

દરોડા.. આ શબ્દ જ કેટલો જોખમી છે. જેના ઘરે પડે તેને રડાવી દે.., છેલ્લાં ૨ વર્ષમાં ભારત તો જાણે દરોડાનો દેશ બની ગયો હોય તેમ દર બીજે દિવસે નેતા કે અભિનેતાના ઘરે ઇડીની ટીમ ત્રાટકે છે. હવે આ પેર્ટન અમેરીકાએ પણ અપનાવી લીધી હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત લક્ઝરી ઘર માર-એ-લાગો રિસોર્ટ પર એફબીઆઈએ દરોડા પાડ્યા છે.. દરોડા કેમ પાડ્યા અને ત્યાંથી શું મળ્યું એ તો પછીની વાત છે પણ જગત જમાદાર બનેલું અમેરિકા સમગ્ર વિશ્ર્વને એવું દર્શાવે છે કે તેના બ્યુરોક્રેટ્સ ભણેલ ગણેલ છે. ક્યારેય દેશ વિરુદ્ધ કંઈ ન કરે.., તેના નેતાઓ વારંવાર એવા પણ નિવેદન આપે કે અમારું અમેરિકા વિશ્ર્વની સુસંગત અર્થવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. વિશ્ર્વ સાથે સરખામણી કરતું અમેરિકા વારંવાર એ વાતને ભૂલી જાય છે કે જે ઘટનાઓ અમેરિકામાં આકાર લે છે તેની સમગ્ર વિશ્ર્વ નોંધ લે છે. ત્યારે મહાસત્તા ગણાતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિના ઘરે દરોડા પડે એ કેટલી મોટી વાત કહેવાય.. આમ જોવામાં આવે તો આ પ્રથમ વખત જ છે કે કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિના ઘરે એફબીઆઈ એ રેડ કરી હોય, વોટરગેટ કૌભાંડ પછી રિચર્ડ નિક્સને રાષ્ટ્રપતિ પદ છોડ્યું પછી પણ તેમની પર આવી કોઈ જ કાર્યવાહી થઈ નહોતી.
અમેરિકા જૂનું અને જાણીતું જગત જમાદાર છે.અમેરિકા તેની નીતિઓનો અમલ કરવા માટે વિશ્ર્વના અન્ય દેશોને મજબૂર કરતું રહ્યું છે. કોઈ આડા ફાટે તો આર્થિક પ્રતિબંધો લાદીને સીધા દોર કરી દેવાની અમેરિકાને ફાવટ છે. અમેરિકા પોતાની શક્તિના જોરે બીજા રાષ્ટ્રોને આંગળીના ટેરવે નચાવતું રહે છે. વિશ્ર્વ આખા ઉપર એકચક્રી પ્રભુત્વ ભોગવવાની અમેરિકાની રણનીતિ છે, પણ હવે ટ્રમ્પના રૂપમાં અમેરિકાને માથાનો હરીફ મળ્યો છે. પોતાની આર્થિક અને લશ્કરી તાકાતને જોરે તોફાની આખલા જેવા બની ગયેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ અમેરિકા સામે શીંગડા ભરાવવાનું શરૂ કર્યું છે. ૨૦,જાન્યુઆરી ૨૦૧૭થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ સુધીના ૫ વર્ષના સમયગાળા ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદે બેસીને જે તોફાન કર્યા છે તેનાથી સમગ્ર વિશ્ર્વ માહિતગાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નામ સામે અમેરિકન લોકશાહીના ૨૩૨ વર્ષના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ પ્રેસિડન્ટનું લેબલ લાગેલું છે. અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પને ક્યારેય ભૂલી શકશે નહીં, એનું કારણ એ છે કે એના સમય દરમિયાન અમેરિકાની ઇમેજને જે ડાઘાઓ લાગ્યા છે એને ભૂંસાતા બહુ વાર લાગવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના એક માત્ર એવા પ્રેસિડન્ટ હતા જેની સામે એક જ ટર્મમાં બે વખત મહાભિયોગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખોટું બોલવામાં અને બોલીને ફરી જવામાં તો ડોનાલ્ડ ટ્રમ્પનો જોટો અમેરિકામાં તો શું, આખી દુનિયામાં ક્યાંય જડે એમ નથી! ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી ગયા છે એને સમુંનમું કરવામાં પણ ઘણો સમય લાગવાનો છે. એ પ્રેસિડેન્ટ બન્યા ત્યારે અમેરિકા અને અમેરિકન ફર્સ્ટની પોલિસીની વાતો કરી હતી. શરૂ શરૂમાં તેમણે એવા નિર્ણયો કર્યા પણ ખરા જે અમેરિકાના હિતમાં હોય, પણ ધીમે ધીમે તેમણે ભાંગરા વાટવાની શરૂઆત કરી હતી. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ઇરાન સાથે જે પરમાણુ ડીલ કરી હતી તેને રદ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સામે તલવારો તાણી. અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પાછી બોલાવવા માટે અમેરિકાના કટ્ટર દુશ્મન તાલિબાનો સાથે સમાધાન કર્યું. રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ ખરીદનાર તુર્કી પર પ્રતિબંધાત્મક પગલાં ભર્યા. ચીનને ચારે તરફથી ભીંસમાં લીધું. બાકી બીજું બધું ગમે તે હોય પણ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને નોર્થ કોરિયાના સંબંધો વધુ બગડવા દીધા નથી એ હકીકત છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં કોઇ પોઝિટિવ ઐતિહાસિક ઘટના બની હોય તો એ છે, ઇઝરાઇલની યુએઇ, બહેરીન અને સુદાન સાથેની દોસ્તી. સદીઓથી જે પરંપરાગત દુશ્મનો રહ્યા છે એના વચ્ચે સુમેળ કરાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પને સફળતા મળી હતી.
ટ્રમ્પના શાસનમાં અમેરિકા અને ભારત વધુ નજીક આવ્યા છે. અમેરિકામાં યોજાયેલા હાઉડી મોદી અને અમદાવાદમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોદી અને ટ્રમ્પ વચ્ચેની દોસ્તી ઊડીને આંખે વળગતી હતી. અમેરિકા અને ભારતની નજદિકીયાંનું એક કારણ ચીન પણ છે. અમેરિકા ચીનથી નારાજ છે. ચીનથી શરૂ થયેલા કોરોના વાઇરસે સૌથી મોટો ફટકો અમેરિકાને જ માર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ તો ત્યાં સુધી કહી ચૂક્યા છે કે, ચીને કોરોનાની કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે હારી ગયા પછી પણ હાર માનવામાં ખૂબ સમય લીધો. ટ્રમ્પે ચૂંટણી પહેલા જ એવા અણસાર આપી દીધા હતા કે, સત્તાનું હસ્તાંતરણ સહજ અને સ્વાભાવિક નહીં હોય. જેના પડઘા આજે પડી રહ્યા છે. અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ ઈન્વેસ્ટિગેશન ઓફ બ્યુરો (એફબીઆઈ)એ ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા મહેલ જેવા મકાન પામ હાઉસ અને રિસોર્ટ માર-એ-લિગો પર દરોડા પાડ્યા હતા.
આ દરોડાનું કારણ ટ્રમ્પની કિન્નાખોરી અને કુંઠિત માનસિકતા છે. મને જ મળ્યું એ મારું, બીજાને શું કામ આપું? નાના બાળક જેવા તેના મિજાજને પગલે રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી પ્રેસિડેન્ટે લીધેલા નિર્ણયો તથા અન્ય બાબતોના લગતા સત્તાવાર દસ્તાવજો પણ પોતાની સાથે લઈ લીધા. હજારોની સંખ્યામાં સંવેદનશીલ દસ્તાવેજો સગેવગે કરી નાંખેલા. ટ્રમ્પની વિદાય પછી આ વાત ધ્યાનમાં આવતાં અમેરિકાના ન્યાય વિભાગ એટલે કે જસ્ટિસ ડીપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી તેમાં ટ્રમ્પના કારસ્તાનની ખબર પડી હતી.
નિયમ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળ પૂરો થયા પછી તમામ ઈમેલ્સ, ડોક્યુમેન્ટ્સ અને લેટર્સને નેશનલ આર્કાઈવ્સને સોંપવાના હોય છે. પણ જસ્ટિસ ડીપાર્ટમેન્ટના સત્તાવાર અહેવાલ અનુસાર ટ્રમ્પે ઘણા ગોપનીય ડોક્યુમેન્ટ્સને નષ્ટ કરી દીધા છે અને કેટલાકને તેઓ પોતાના ઘરે લઈ ગયા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સના વરિષ્ઠ પત્રકાર મૈગી હેબરમેને ગત વર્ષે ટ્રમ્પના શાસન કાળનો ચિતાર આપતા તેના પુસ્તક ’કોન્ફિડેન્સ મેન’માં લખ્યું છે કે વ્હાઈટ હાઉસના સ્ટાફને ઘણી વખત એક ટોયલેટમાં કાગળોનો ઢગલો મળ્યો હતો. તેના કારણે ટોયલેટનો પાઈપ પણ ઘણી વખત બ્લોક થઈ જતો હતો. એમ કહેવાય છે કે આ ડોક્યુમેન્ટ્સને ટ્રમ્પ જ ફ્લશ કરાવતા હતા.
આ ઢગલાબંધ પુરાવાની ગાંસડીને લઈને એફબીઆઈની ટીમ તેના મહેલ જેવાં ઘરમાં ત્રાટકી હતી. અને તપાસ દરમિયાન ટ્રમ્પના ઘરમાંથી ૧૫ બોક્સ ભરીને સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા હતા. હવે આગળ શું ? યુનાઈટેડ સ્ટેટ્સ કોડનું ટાઈટલ ૧૮નું સેક્શન ૨૦૭૧ હેઠળ આ કૃત્યને એક અપરાધ ગણે છે. એટલે કે કોઈ વ્યક્તિ જેની પાસે સરકારી ડોક્યુમેન્ટ્સ કે રેકોર્ડ્સ છે અને તે તેને જાણી જોઈને કે ગેરકાયદેસર રીતે છુપાવવા કે પછી નષ્ટ કરવા બદલ દોષિત ઠરે છે તો તેને દંડ કે ૩ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય કાયદો કહે છે કે જો કોઈ વ્યક્તિ દોષિત ઠર્યો હોય અને તે સમયે ફેડરલ ઓફિસમાં કાર્યરત હોય તો તેને હટાવવામાં આવશે અને અમેરિકામાં તે ક્યાંય કામ કરી શકશે નહિ.
૨૦૧૫માં ડેમોક્રેટના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રહેલા હિલેરી ક્લિન્ટન પર પણ આવો જ આરોપ લાગ્યો હતો. હિલેરી પર ૨૦૦૯થી ૨૦૧૩ સુધી વિદેશી મંત્રી રહેવા દરમિયાન ખાનગી સર્વરમાંથી ઈમેલ કરવાનો આરોપ લાગ્યો હતો. આ દરમિયાન હિલેરી પર પણ રાષ્ટ્રપતિપદની ચૂંટણી નહિ લડી શકવાનો ખતરો હતો. જોકે ૨૦૧૬માં ચૂંટણી પહેલા એફબીઆઈએ તેને ક્લિનચીટ આપી હતી. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ, આવું કરનાર વ્યક્તિને કોઈ પણ ફેડરલ ઓફિસમાં કામ કરવાથી અયોગ્ય જાહેર કરવામાં આવે છે. એટલે કે તે કામ કરી શકતો નથી. ટ્રમ્પ ૨૦૨૪માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. ભારતમાં એક વાર કોઈ સત્તા ગુમાવે પછી બીજી વાર સતાસ્થાને બેસવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી લે અને એમાંય નીતીશ એવા કુશાગ્ર શાસકો તો પક્ષપલટો કરીને ૮-૮ વાર મુખ્યમંત્રી બની જાય પણ અમેરિકામાં એવું નથી પ્રમુખપદની ચૂંટણીમાં હારી ગયા પછી મોટા ભાગના નેતા રાજકારણથી દૂર રહે છે પણ ટ્રમ્પ તો બધાથી અલગ છે. ટ્રમ્પનું હજુ પણ રિપબ્લિકન પાર્ટી પર જોરદાર વર્ચસ્વ છે. ટ્રમ્પ હજુય અત્યંત સક્રિય છે અને ૨૦૨૪ની અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા ધમપછાડા કરે છે. ત્યારે આ દરોડાએ તેના દરેક પ્લાનને ફેઈલ કરી નાખ્યા છે. આ વાતનો એકરાર ખુદ ટ્રમ્પે તેના ટ્વિટર હેન્ડલ પર કર્યો હતો. તેને લખ્યું હતું કે, “અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે આવું પહેલા ક્યારેય થયું નથી.તપાસ એજન્સીઓને સહકાર આપવા છતાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવું છે. આ કટ્ટર લેફ્ટ ડેમોક્રેટ્સ તરફથી હુમલો છે. તેઓ નથી ઈચ્છતા કે હું ૨૦૨૪ની ચૂંટણી લડું…
આમ તો અમેરિકાનો કાયદો પણ એવું જ કહે છે કે તેમની વ્હાઈટ હાઉસમાં ફરીથી એન્ટ્રી થઈ શકશે નહિ.. અત્યારે તો ટ્રમ્પ ધનના ઢગલા પર બેઠા છે. તેના જે ઘરમાં દરોડા પડ્યા છે. એ તો અસલમાં ફાર્મ હાઉસ છે. જયારે ટ્રમ્પ રોકાવા આવે ત્યારે સહેલાણીઓ માટે અહીં પ્રતિબંધ હોય છે બાકી બારેમાસ લોકો અહીં ફરવા આવે છે. ખાલી આ ફાર્મ હાઉસથી જ તેને વર્ષે ૧૨૧ કરોડની આવક થાય છે. ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનનો મોટાભાગનો વ્યવસાય રિયલ એસ્ટેટમાં છે. ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પની વર્તમાન નેટવર્થ ૨.૫ અબજ ડોલર અર્થાત્ ભારતીય ચલણ મુજબ ૧૮,૩૦૦ કરોડ રૂપિયા છે. તેઓ વિશ્ર્વના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં ૩૩૯માં સ્થાન પર છે. જ્યારે તેઓ પ્રેસિડેન્ટ બન્યા હતા ત્યારે ફોર્બ્સે તેમની સંપત્તિ ૩.૭ અબજ ડોલર અર્થાત્ રૂપિયા ૨૭,૦૦૦ કરોડ આંકી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પને પિતા ફ્રેડ ટ્રમ્પ પાસેથી ૪૧૩ મિલ્યન ડોલર એટલે કે ૩ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ મળી હતી. ફ્રેડે જ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનની શરૂઆત કરી હતી. રિયલ એસ્ટેટ ઉપરાંત બિઝનેસ હોટલ, ગોલ્ફ તથા લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલ છે. નોર્થ અમેરિકા બાદ ટ્રમ્પના રિયલ એસ્ટેટ બિઝનેસ ભારતમાં સૌથી મજબૂત છે. તેમની કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને વર્ષ ૨૦૧૩માં ભારતીય રિયલ એસ્ટેટ બજારમાં પ્રવેશ કર્યો હતો. તેણે ભારતીય કંપનીઓ સાથે ૧.૫ અબજ ડોલર અર્થાત્ ૧૦ હજાર કરોડ રૂપિયાના લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી.
ભારતમાં વ્યવસાય કરવાથી તેમને આશરે ૧૬૮ કરોડ રૂપિયાની આવક થઈ છે. ભારતમાં તેમની કંપની લોઢા ગ્રૂપ, પંચશીલ રિયલ્ટી, ટ્રિબેકા, યુનિમાર્ક, એમથ્રીએમ ઈન્ડિયા, આઈઆરઇઓ જેવા રિયલ એસ્ટેટ ગ્રુપ સાથે કામ કરી રહી છે. ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને મુંબઈ, પુણે, કોલકાતા અને ગુડગાંવમાં ટ્રમ્પ ટાવર તૈયાર કર્યાં છે. પુણે સ્થિત ટાવર્સને પંચશીલ ડેવલપર્સે અને મુંબઈ સ્થિત ટાવરને લોઢા ગ્રૂપે તૈયાર કર્યા છે. પુણેની ૨૩ માળના ટ્રમ્પ ટાવર્સ દેશનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી બિલ્ડિંગ છે. તેમા ૪૪૦૦ સ્ક્વેર ફૂટ એરિયાવાળા ફ્લેટની શરૂઆતી કિંમત ૧૫ કરોડ રૂપિયા છે. તેમા રણબીર કપૂર સહિત અનેક બોલીવૂડ સ્ટાર્સના ફ્લેટ છે.
આવી ધનાઢ્ય જીવનશૈલી જીવતા ટ્રમ્પ અત્યારે તેની પ્રતિષ્ઠા માટે વલખા મારે છે. ત્યારે આ દરોડાએ તેની પ્રતિષ્ઠા અને આગામી ચૂંટણીના પ્લાનને હચમચાવી નાખ્યા છે.. હવે જોવાનું રહેશે કે ટ્રમ્પ આ કેસમાં ક્લિનચીટ કઈ રીતે મેળવશે.

2 thoughts on “ડોનાલ્ડ ટ્રમ્પ : અમેરિકાના સૌથી વિવાદાસ્પદ પ્રમુખનો નવો વિવાદ

 1. Some additional information:
  A person can be President CONTINUOUSLY for two terms, ie eight years. Trump was in that office only for four years. Unless other issues block his being a candidate for that post, he has no constitutional limit to face.
  The papers that were removed from his residence in Florida by FBI under Justice Department’s orders after court authorization contain defense, security and nuclear weapons of US and those of its adversaries, it is alleged. If proven under the Treason Act Trump could face up to ten years in jail and render him ineligible to hold that office again.

 2. Correction to my earlier post:
  ‘Treason Act’ is in Britain. The law in US which may hold Trump accountable is called ‘Espionage Act’. Any and all material(s) like letters, reports, communications, notes, etc. during a president’s tenure are the property of US. Upon his leaving his office he must turn these over to the National Archives for keeping them safe and confidential as appropriate. A president when handing over the responsibilities to in-coming president can only take his personal items with him. By removing confidential and Top Secret items Trump may be held responsible for breaking this law. He may be prosecuted and if found guilty, can be sent to jail for up to ten years.
  Americans emphasize the fact that the office-holder is a president–not an emperor and hence he is not above the law of the land.
  As far as the term limit is concerned, Franklin Delano Roosevelt was elected for four consecutive terms during Second World War. He had become president after the Great Depression and enacted a slew of programs even when and where he had no authority to do so–Congress had the powers. Many of his programs were challenged in Supreme Court which ruled against the president and his unconstitutional programs had to be scrapped. His intentions were not selfish though. He wanted the US to pull out of the Great Depression as fast as possible. He still continued his merry ways disregarding the constraints. Until the Supreme Court overturned them these programs stayed in force. It was the world war that eventually pull the US out of the ill-effects of the Great Depression. Subsequent to this the term limit was enacted for presidents limiting him to two consecutive terms.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.