સ્થાનિક ચાંદીમાં ₹ ૨૩૨૮નો કડાકો, સોનું ₹ ૭૭૯ તૂટ્યું

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડૉલર ઈન્ડેક્સની મજબૂતાઈ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ચાંદીના ભાવ ઘટીને જૂન, ૨૦૨૦ પછીની સૌથી નીચી સપાટીએ અને સોનાના ભાવ વધુ ૦.૩ ટકાના ઘટાડા સાથે ગત જુલાઈ ૨૧ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩૨૮નો કડાકો હોલાઈ ગયો હતો, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૭૬થી ૭૭૯નો ઘટાડો આવ્યો હતો અને શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા. આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૩૨૮ના કડાકા સાથે રૂ. ૫૧,૮૫૦ના મથાળે રહ્યા હતા.
વધુમાં સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલી સામે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૭૬ના ઘટાડા સાથે રૂ. ૫૦,૨૦૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૭૯ના ઘટાડા સાથે રૂ. ૫૦,૪૦૯ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.