Homeદેશ વિદેશસ્થાનિક બજારની વધઘટનો આધાર ચીનની કોવિડની સ્થિતિ, આર્થિક ડેટા અને વૈશ્ર્વિક વલણ...

સ્થાનિક બજારની વધઘટનો આધાર ચીનની કોવિડની સ્થિતિ, આર્થિક ડેટા અને વૈશ્ર્વિક વલણ પર

નવી દિલ્હી: આગામી સપ્તાહ દરમિયાન આર્થિક ડેટાની જાહેરાત, ચીનમાં કોવિડ-૧૯ના પ્રસારની સ્થિતિ અને વૈશ્ર્વિક બજારોનાં વલણને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વર્ષ ૨૦૨૩નાં પહેલા સપ્તાહની વધઘટ અવલંબિત રહેશે, એવું વિશ્ર્લેષકોનું માનવું છે. વધુમાં બજારની નજર ડૉલર સામે રૂપિયાની વધઘટ બ્રેન્ટ ક્રૂડતેલના ભાવની વધઘટ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનાં આંતર-બાહ્ય પ્રવાહ પર પણ મંડાયેલી રહેશે.
અત્યારે બજારનાં ખેલાડીઓ અમેરિકી ફેડરલ રિઝર્વનાં વલણને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ સપ્તાહના અંતે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર રોકાણકારોની નજર રહેશે અને તે સમયગાળા દરમિયાન સ્થાનિક બજારની વધઘટ અમેરિકી બજારની વધઘટ પર અવલંબિત રહેશે.
વધુમાં સ્થાનિક સ્તરે જોઈએ તો નવાં વર્ષનાં પ્રથમ સત્રના આરંભે ઑટો વેચાણનાં ડેટાની બજાર પર અસર જોવા મળશે, એમ સેમ્કો સિક્યોરિટીઝનાં માર્કેટ હેડ અપૂર્વ શેઠે જણાવતાં ઉમેર્યું હતું. આ ઉપરાંત આગામી સોમવારે જાહેર થનારા ઉત્પાદન ક્ષેત્રના પર્ચેઝિંગ મૅનૅજર્સ ઈન્ડેક્સ અને બુધવારે જાહેર થનારા સર્વિસીસ ક્ષેત્રનાં પીએમઆઈ આંકની બજાર પર અસર રહેશે.
નજીકનાં ભવિષ્ય અંગે જોઈએ તો આગામી વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે રજૂ થનારા વર્તમાન સરકારના છેલ્લાં અંદાજપત્ર, ચોથા ત્રિમાસિકગાળાના કોર્પોરેટ પરિણામો અને ઑટો વેચાણનાં આંકડાઓ ઉપરાંત ક્રૂડતેલના ભાવ અને ડૉલર સામે રૂપિયાની વધઘટ જાન્યુઆરી મહિનાની વધઘટનાં મુખ્ય પરિબળો પુરવાર થશે, એમ સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટનાં વરિષ્ઠ ટેક્નિકલ એનાલિસ્ટ પ્રવેશ ગૌરે જણાવ્યું હતું.
બજારનાં નિષ્ણાતોના મતાનુસાર આ વર્ષે ભારતીય બજાર પર કોરોના વાઈરસની સ્થિતિ અને અંદાજપત્રનાં નીતિવિષયક પગલાંઓ સહિત સ્થાનિક તેમ જ વૈશ્ર્વિક પરિબળોની અસર જોવા મળશે, જ્યારે વૈશ્ર્વિક પરિબળોમાં આર્થિક મંદીની ચિંતા, રાજકીય-ભૌગોલિક જોખમો અને ચીનમાં વધી રહેલી કોવિડ-૧૯થી અસરગ્રસ્તોની સંખ્યા બજારમાં ચંચળતા રખાવશે. જોકે, વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળાના પરિણામો અને અંદાજપત્ર ભારતીય ઈક્વિટી માર્કેટમાં સુધારાને ટેકો આપશે તેમ છતાં વર્ષ ૨૦૨૩નાં પહેલા સપ્તાહમાં ખાસ કરીને ઑટો વેચાણના ડેટા રોકાણકારોના ફોકસમાં રહેશે, એમ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત વર્ષ ૨૦૨૨માં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪.૪૪ ટકા અથવા તો ૨૫૮૬.૯૨ પૉઈન્ટનો સુધારો નોંધાયો હતો. તેમ જ વર્ષ દરમિયાન ગત ૧૭ જૂનના રોજ સેન્સેક્સ બાવન સપ્તાહની નીચી ૫૦,૯૨૧.૨૨ પૉઈન્ટની સપાટીએ અને ગત પહેલી ડિસેમ્બરનાં રોજ ૬૩,૫૮૩.૦૭ પૉઈન્ટની ઐતિહાસિક ઊંચી ૬૩,૫૮૩.૦૭ની સપાટીને સ્પર્શયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular