સ્થાનિક સોનામાં ₹ ૫૮૫નો અને ચાંદીમાં ₹ ૧૧૮૬નો કડાકો

વેપાર વાણિજ્ય

ફેડરલના આક્રમક વ્યાજ વધારાનો ફફડાટ: વૈશ્ર્વિક સોનું બે વર્ષની નીચી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૨૦-૨૧ની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સાથે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે હાજરમાં સોનાના ભાવ ગબડીને બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે પણ ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮૨થી ૫૮૫નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૮૬નો કડાકો બોલાઈ ગયો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે ભાવમાં નરમાઈતરફી વલણ રહ્યું હતું. જોકે, ભાવમાં વધુ ઘટાડાના આશાવાદને કારણે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહી હતી. તેમ જ પ્રવર્તમાન શ્રાદ્ધપક્ષને કારણે રિટેલ સ્તરની માગનો પણ અભાવ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮૨ ઘટીને રૂ. ૪૯,૧૪૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮૫ ઘટીને રૂ. ૪૯,૩૪૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોેરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
આજે સરકારે સોનાની ટેરિફ વૅલ્યૂ જે ૧૦ ગ્રામદીઠ ૫૫૭ ડૉલર હતી તે ઘટાડીને છ મહિનાની નીચી ૫૪૯ ડૉલરની સપાટીએ રાખી હોવાના અહેવાલ હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૮૬ના ઘટાડા સાથે ફરી રૂ. ૫૬,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને રૂ. ૫૫,૧૪૪ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડની મજબૂતી ઉપરાંત વિશ્ર્વ બૅન્ક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વ્યાજદર વધારાને કારણે વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતા વ્યક્ત કરી હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલી માટે થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૬૬૧.૩૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૬૭૦.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધથી ૧.૩ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૮.૯૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં ગૅસોલિનના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકા ખાતે રિટેલ વેચાણમાં પણ અનપેક્ષિતપણે વધારો થવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવી હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સિમ્પસને જણાવતા ઉમેર્યું હતું કે ગત સપ્તાહે અમેરિકાના બેરોજગારી ભથ્થું મેળવનારાઓના ડેટા પણ પ્રોત્સાહક આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવું નિશ્ર્ચિત જણાતું હોવાથી આગામી થોડા સમયગાળા દરમિયાન સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેવી શક્યતા નકારી ન શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.