ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસાના કડાકા સાથે નવી નીચી સપાટીએ

વેપાર વાણિજ્ય

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જળવાઈ રહેલા નરમાઈ સહિત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિરત બાહ્યપ્રવાહ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસાના કડાકા સાથે ૭૮.૩૨ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૮.૧૩ના બંધ સામે ૭૮.૧૩ની સપાટીએ ટકેલા ધોરણે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૮.૪૦ અને ઉપરમાં ૭૮.૧૩ સુધી ક્વૉટ થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૯ પૈસાના કડાકા સાથે ૭૮.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૪.૪૬ ટકા ઘટીને બેરલદીઠ ૧૦૯.૫૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૭૦૧.૨૧ કરોડની ચોખ્ખી વેચવાલી, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૭૦૯.૫૪ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨૨૫.૫૦ પૉઈન્ટનો ઘટાડો અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૦૫ ટકા ઘટીને ૧૦૪.૪૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં કડાકો બોલાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.