ડૉલર સામે રૂપિયામાં ૪૭ પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આજે સતત ત્રીજા સત્રમાં ઈક્વિટી બજારમાં સુધારો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ૪૭ પૈસા મજબૂત થઈને ૭૯.૨૨ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજી આગળ ધપી હોવાને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૬૯ના બંધ સામે મજબૂત અન્ડરટોને ૭૯.૫૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૫૬ અને ઉપરમાં ૭૯.૧૭ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૪૭ પૈસા વધીને ૭૯.૨૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે મુખ્યત્વે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૧ ટકાના ઘટાડા સાથે ૧૦૬.૧૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૧૨.૪૬ પૉઈન્ટની અને ૨૨૮.૬૫ પૉઈન્ટની તેજી આગળ ધપી હતી અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૩૭.૬૯ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં રૂપિયાની તેજીને ટેકો મળ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.